બ્લૉક અને ટૅકલ (block and tackle) : ગરગડી (pulley) બ્લૉક પર દોરડું (rope) વીંટીને ભાર ઊંચકવાની રીત. આ રીતમાં યાંત્રિક ફાયદો મળે છે. ઓછું બળ આપીને ભારે વજન ઊંચકી શકાય છે. ગરગડી અને દોરડાની વ્યવસ્થાને માટે ‘બ્લૉક અને ટૅકલ’ અથવા ‘ટૅકલ’ નામ પ્રયોજાય છે. આ પદ્ધતિમાં દોરડું અથવા અન્ય નમ્ય (flexible) પદાર્થ અને સ્વતંત્રપણે ફરી શકતી ઘર્ષણ વગરની ગરગડીઓનું સંયોજન (combination) થયેલું જોવા મળે છે.

બ્લૉકમાં એક, બે, ત્રણ કે ચાર ગરગડી હોય છે. એ રીતે તે અનુક્રમે એકાકી, દ્વિગુણિત (double), ત્રિગુણિત (triple) કે ચતુર્ગુણિત ટૅકલ કહેવાય છે. મોટાં વજન ઊંચકવા માટે ત્રિગુણિત કે ચતુર્ગુણિત ટૅકલ વપરાય છે.

ભારને દોરડા વડે સીધો લટકાવી એક જ ગરગડીથી ઊંચકવામાં આવે તો તેના કેટલાક ગેરફાયદા છે : (1) દોરડાના બંને ભાગો એક જ સમતળમાં હોવાથી, ભાર અસ્થિરપણે ધ્રૂજે છે. (2) મોટો ભાર ઊંચકવા માટે દોરડાનો મોટો વ્યાસ ને મોટી ગરગડીનો ઉપયોગ જરૂરી બને છે. (3) દોરડું ડ્રમ ઉપર વીંટળાતું હોવાથી અને ઊંચે પણ જતું હોઈ, ઊંચકવામાં આવતો ભાર ક્ષૈતિજ દિશામાં હલે છે.

બહુવિધ (multiple) ક્રેઇન પુલી પદ્ધતિની જુદી જુદી પ્રણાલીઓ દર્શાવે છે. વિન્ચકને ફેરવવાથી ગરગડીઓ (અસ્થિર ગરગડીઓ) અને બ (ભાર ઊંચકતી ગરગડીઓ) ઉપર વીંટાળેલાં દોરડાં વિન્ચના ડ્રમ પર વીંટાય છે અને છેવટે ફરતી ગરગડીઓ પર લગાવેલ હૂક પર બંધાયેલ ભાર ઊંચકાય છે.

ઉપરના ગેરફાયદાઓ દૂર કરવા માટે એકથી વધુ ગરગડીઓનો ઉપયોગ જરૂરી બને છે.

વિન્ચમાં વપરાતાં વીજશક્તિથી ચાલતાં ઉદવાહક યંત્રો(hoisting mechanisms)માં આનો મહત્તમ ઉપયોગ થાય છે. આ રચના સાદી પુલીની રચના કરતાં, બેથી ત્રણગણો વધારે ભાર વહી શકે છે. વળી આ રચનામાં દોરડા ઉપર ભાર ઘટે છે અને તેથી નાના વ્યાસનું ઓછું ખર્ચાળ દોરડું અને ગરગડી વાપરી શકાય છે. આ રચનાને લીધે ગરગડીઓનું વજન પણ ઘટે છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ