બ્રૅબમ, જૅક (જ. 1926, સિડની, ઑસ્ટ્રેલિયા) : મૉટર-રેસિંગના અતિકુશળ ડ્રાઇવર. શરૂઆતમાં તેમણે ‘રૉયલ ઑસ્ટ્રેલિયન એર ફૉર્સ’માં કામ કર્યું. 1947માં તેમણે રેસિંગની કારકિર્દીનો આરંભ કર્યો. 1955માં તેઓ ઑસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિકસના વિજેતા બન્યા. તે પછી તેઓ ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં તેઓ સફળતાને વરેલી કૂપર ટીમમાં જોડાયા.
1959માં સેબ્રિંગ ખાતે તેઓ ‘ફૉર્મ્યુલા–I વર્લ્ડ ડ્રાઇવર્સ ચૅમ્પિયનશિપ’ના વિજેતા બન્યા. એ જ પદના તેઓ પછીના વર્ષેય વિજેતા બન્યા. તેમણે આ સ્પર્ધા માટે પોતાની ડિઝાઇન મુજબની કાર બનાવી અને એ કાર ચલાવીને તેઓ 1966માં ઉપર્યુક્ત વિશ્વપદના ત્રીજી વાર વિજેતા બન્યા. એ કારનું નામ હતું ‘રૅપ્કો–બ્રૅબમ’. 1970માં તેઓ રેસિંગની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થયા.
1979માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો હતો.
મહેશ ચોકસી