બ્રેન, કેનેથ (જ. 1960, બેલફાસ્ટ) : નિપુણ અભિનેતા અને દિગ્દર્શક. તેમણે લંડનની રૉયલ એકૅડેમી ઑવ્ ડ્રામેટિક આર્ટમાં અભ્યાસ કર્યો હતો.

કેનેથ બ્રેન

1984માં તેઓ રૉયલ શેક્સપિયર કંપનીમાં જોડાયા. 1987માં ધ રેનેસન્સ કંપનીના સહસ્થાપક તથા સહ-દિગ્દર્શક બન્યા. 1988 તથા 1989માં કરેલા નાટ્યપ્રવાસો અત્યંત સફળ નીવડ્યા. તેમણે ટેલિવિઝન નાટ્યશ્રેણીમાં અભિનય આપ્યો છે, તેમાં પુનર્નિર્માણ પામેલ ‘હેનરી ફિફ્થ’(1989)નો સમાવેશ થાય છે. તેનું દિગ્દર્શન પણ તેમણે જ સંભાળ્યું હતું. ‘મચ એડો એબાઉટ નથિંગ’ (1993) તથા ‘ઇન ધ બ્લીક મિડવિન્ટર’ (1995) જેવાં ચિત્રો પણ તેમના અભિનયથી દીપી ઊઠ્યાં હતાં. 1997માં તેમણે 4 કલાક સુધીના સમયગાળાની લાક્ષણિક ફિલ્મ ‘હૅમ્લેટ’નું દિગ્દર્શન કર્યું અને તેમાં અભિનય પણ આપ્યો. 1990માં તે ‘યુરોપિયન ઍક્ટર ઑવ્ ધ યર’ તરીકે પસંદગી પામ્યા હતા.

મહેશ ચોકસી