બ્રેબૉર્ન સ્ટેડિયમ : મુંબઈનું ક્રિકેટ માટેના મેદાનવાળું વિશાળ પ્રેક્ષાગાર. ભારતમાં અત્યાર સુધીમાં 14 ટેસ્ટકેન્દ્રોનાં 18 મેદાનો પર ટેસ્ટ ક્રિકેટ-મૅચો રમાઈ ચૂકી છે, જેમાં મુંબઈમાં ચર્ચગેટ રેલવેસ્ટેશન સામે આવેલું ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયા (સીસીઆઇ) હસ્તકનું બ્રેબૉર્ન સ્ટેડિયમ ભારતનું એક સૌથી જૂનું ક્રિકેટ-સ્ટેડિયમ છે. આજે અદ્યતન સુખ-સગવડો, સુવિધાઓ ધરાવતાં ભારતનાં અન્ય ક્રિકેટ-સ્ટેડિયમોની રચના બાદ આ સ્ટેડિયમ ભુલાવા લાગ્યું છે. આમ છતાં, ક્યારેક વન-ડે કે પ્રથમ કક્ષાની મૅચો અહીં રમાય છે ખરી.

મુંબઈમાં આજે જ્યાં ચર્ચગેટનું રેલવે સ્ટેશન છે ત્યાં સુધી એક કાળે અરબી સમુદ્ર પથરાયેલો હતો અને તેને પૂરી નાખીને ત્યાં રમતનું વિશાળ મેદાન બનાવવાની વિચારણા થઈ હતી.

ભારતમાં આમ તો સૌપ્રથમ ટેસ્ટ ક્રિકેટ-મૅચ મુંબઈ ખાતે બૉમ્બે જિમખાના મેદાન પર 1933માં 15થી 18 ડિસેમ્બર દરમિયાન પ્રવાસી ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે રમાઈ હતી. એ જ સમયે દિલ્હીમાં ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયા(CCI)ની સ્થાપના થઈ હતી. તેના પ્રમુખ આર. ઈ. ગ્રાન્ટગોવન તથા માનાર્હ મંત્રી ઍન્થની ડીમેલો હતા. આ બે ર્દઢ નિશ્ચયી અને સાહસિક વ્યક્તિઓએ 1935માં તત્કાલીન રાજ્યપાલ લૉર્ડ બ્રેબૉર્નના સાથસહકારથી ચર્ચગેટ સામેની 17.4 એકર જમીન 99 વર્ષના પટા પર સરળ શરતોથી લીધી અને ત્યાં 22મી મે 1936ના રોજ લૉર્ડ બ્રેબૉર્નના હસ્તે ક્લબ-હાઉસ તથા સ્ટેડિયમનો શિલાન્યાસ કરાવ્યો. લગભગ 19 મહિનામાં આ સ્થળે ક્લબ-હાઉસ તથા સ્ટેડિયમ તૈયાર થઈ ગયાં હતાં.

બ્રેબૉર્ન સ્ટેડિયમ, મુંબઈ

લૉર્ડ ટેનિસનના નેતૃત્વ હેઠળ ઇંગ્લૅન્ડની એમ.સી.સી. ટીમ 1937–38માં ભારતના પ્રવાસે આવી હતી ત્યારે 7 ડિસેમ્બર 1937ના રોજ ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયા ઇલેવન અને પ્રવાસી એમ.સી.સી. ટીમ વચ્ચે આ સ્ટેડિયમ પર સૌપ્રથમ ક્રિકેટ-મૅચ રમાઈ હતી. તત્કાલીન ગવર્નર સર રૉજર લમ્લીએ આ સ્ટેડિયમ ખુલ્લું મૂકતાં બ્રેબૉર્ન સ્ટેડિયમ એવું નામાભિધાન કર્યું હતું.

સ્ટેડિયમની ઉત્તરે વીર નરીમાન રોડ આવેલો છે. દક્ષિણે પેવિલિયન તથા તેની પાછળ 24.4 મીટર પહોળો રસ્તો તથા ક્લબનું મુખ્ય પ્રવેશદ્વાર આવેલાં છે. પશ્ચિમે મરીન ડ્રાઇવ હારમાળા આવેલી છે. સ્ટેડિયમ 14 મીટર ઊંચું છે. સ્ટેડિયમની જમીન પુરાણ કરીને સપાટ કરેલી હોવાથી, પાછળથી જમીનમાં 1,300 જેટલા આરસીસીના સ્તંભ 11 મીટર ઊંડા ઉતારવામાં આવ્યા હતા. સ્ટેડિયમના બે છેડા વચ્ચેનું અંતર 457 મીટર છે. સ્ટેડિયમનું ક્રિકેટ-મેદાન 158 મીટર લાંબું અને 139 મી. પહોળું છે.

ક્લબ-હાઉસમાં બિલિયર્ડ્ઝ-સ્નૂકરની રમત માટે મોટો હૉલ છે. ઉપરાંત એરકન્ડિશન્ડ કાર્ડરૂમ અને રહેવા-જમવાના હૉલ આવેલા છે. મધ્યમાં આવેલા મોટા હૉલને ‘તાતા પેવિલિયન’ નામ આપવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં ક્રિકેટ ઉપરાંત ટેનિસ, બૅડમિન્ટન, સ્ક્વૉશ, સ્વિમિંગ વગેરે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વિમિંગ પૂલ તો ઓલિમ્પિક કક્ષાનો છે.

1948–49માં જે. ડી. સી. ગૉડાર્ડના નેતૃત્વ હેઠળ વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવી હતી ત્યારે 9 ડિસેમ્બર 1948ના રોજ ભારતવેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચથી બ્રેબૉર્ન સ્ટેડિયમ પર ટેસ્ટ-ક્રિકેટના શ્રીગણેશ થયા હતા અને 1972–73માં પ્રવાસી ઇઁગ્લૅન્ડ સામેની પાંચમી છેલ્લી ટેસ્ટ બ્રેબૉર્ન સ્ડેડિયમ માટેય છેલ્લી ટેસ્ટ બની ગઈ હતી. કેમ કે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનનું પોતાનું વાનખેડે સ્ટેડિયમ તૈયાર થઈ જતાં 1973 બાદ, ટેસ્ટ મૅચો વાનખેડે સ્ટેડિયમ પર જ રમાતી થઈ હતી. બ્રેબૉર્ન સ્ટેડિયમ પર કુલ 17 ટેસ્ટ મૅચો રમાઈ ચૂકી છે.

જગદીશ બિનીવાલે