બ્રૅડશૉ, જૉર્જ (જ. 1801, સેલ્ફર્ડ, ગ્રેટમાન્ચેસ્ટર, ન્યૂ ઇંગ્લૅન્ડ; અ. 1853, ઑસ્લો, નૉર્વે) : રેલવે ટાઇમટેબલના મુદ્રક. તેમને શાળા-શિક્ષણમાં રસ નહોતો; પણ નકશા-આલેખન તરફ વધુ ઝોક હતો. 14 વર્ષની ઉંમરે માન્ચેસ્ટરમાં નોકરી મળી. ત્યાં તેમણે તૈયાર કરેલા નકશા પ્રશંસાપાત્ર ઠર્યા.

1830માં લિવરપૂલ અને માન્ચેસ્ટર વચ્ચે રેલવે શરૂ થયા પછી તેમના નકશામાં દર્શાવ્યા પ્રમાણેની રેલવેનો પ્રારંભ થયો. ઇંગ્લૅન્ડમાં બર્મિંગહામ અને લિવરપૂલ વચ્ચે રેલવે ચલાવવા ગ્રાન્ડ જંક્શનનું એક રેલવે ટાઇમટેબલ તેમણે પ્રસિદ્ધ કર્યું હતું. તેમાં એક ગાડી ક્યારે ઊપડે છે અને બે સ્થળ વચ્ચેનું અંતર અને તે પસાર કરવામાં લાગતો સમય અપાતાં હતાં. પછી રેલવે-લાઇન વધતાં આવું ટાઇમટેબલ બહુ માફક ન આવતાં, તેમણે ‘રેલવે કંપેનિયન’ નામની નાની પુસ્તિકા રૂપે 1839માં નવું ટાઇમટેબલ પ્રસિદ્ધ કર્યું. તેમાં લિવરપૂલ, માન્ચેસ્ટર અને લીડ્સના નકશા દર્શાવ્યા હતા. આ ટાઇમટેબલનો લોકોએ સારો એવો સ્વીકાર કર્યો. પણ ક્યારેક ગાડી સમયસર ઊપડતી-પહોંચતી ન હોવાથી રેલવે કંપનીએ તેનો અસ્વીકાર કર્યો. તેથી તેમણે તેમના મિત્ર ઍડમ્સની સહાયથી બીજે વર્ષે જાહેરાતો એકઠી કરીને નવું ટાઇમટેબલ પ્રસિદ્ધ કર્યું. તે જાંબલી કાપડના પૂંઠાવાળું 10 સેમી. × 7.5 સેમી.ના કદનું એક વિશિષ્ટ પ્રકારનું ટાઇમટેબલ હતું. તેમાં અન્ય માહિતી ઉપરાંત તમામ સ્ટેશનો દર્શાવતા 12 નકશાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ ઍડમ્સની સૂચના અનુસાર તેમણે દર મહિને 32 પાનાંનું ‘બ્રૅડશૉઝ મન્થલી જર્નલ રેલવે ઍન્ડ સ્ટીમ નૅવિગેશન ગાઇડ’ નામનું ટાઇમટેબલ પ્રસિદ્ધ કર્યું. તેમાં રેલવે ઉપરાંત સ્ટીમ નૅવિગેશનની માહિતી આપવાનું શરૂ કર્યું. રેલવે ઉપરાંત સ્ટીમરોના ઊપડવા-પહોંચવાના સ્થળ-સમયની માહિતીનો તેમાં સમાવેશ કરાયો હતો.

આ ટાઇમટેબલનાં પાનાં અને આકારમાં 1843 પછી વધારો કરવામાં આવ્યો અને તેમાં રેલવે-કંપનીના વિવિધ ભાગો સંબંધી અન્ય માહિતી પણ પૂરી પાડવામાં આવી. 1844 પછી 146 પાનાંનું 48 ગાડીઓના સમય વિશેનું ટાઇમટેબલ પ્રસિદ્ધ કર્યું. 1847માં તેમણે યુરોપની કૉન્ટિનેન્ટલ ગાઇડ પ્રસિદ્ધ કરી. આ ગાઇડમાં અદ્યતન માહિતી આપવા માટે તેઓ સમગ્ર યુરોપનો પ્રવાસ ખેડી રહ્યા હતા ત્યારે નૉર્વેના ઑસ્લો શહેરમાં કૉલેરાથી તેમનું અવસાન થયું.

તેઓ અગાઉ ભારતમાં રેલવે, વિમાન અને સ્ટીમરો તથા મોટરોનાં સમયપત્રકો પ્રકાશિત કરતા હતા. તેમાં શ્રીલંકા, પાકિસ્તાન, નેપાલ જેવા દેશોનાં વાહનોની માહિતી પણ આપવામાં આવતી. હાલમાં દર મહિને પ્રસિદ્ધ થતા ‘ઇન્ડિયન બ્રૅડશૉ’માં માત્ર ભારતીય રેલવે, વિમાનો અને કેટલાક મોટર-માર્ગોનાં સમયપત્રકની વિગતવાર માહિતી અપાય છે. નેપાળની રેલવેની માહિતી હિંદીમાં પ્રસિદ્ધ કરાય છે.

બળદેવભાઈ કનીજિયા