બ્રહ્મોસમાજ : ઓગણીસમી સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના ભાગ રૂપે સ્થપાયેલી સંસ્થા. તેની સ્થાપના ઓગણીસમી સદીમાં સમાજસુધારા આંદોલનના પિતા ગણાતા રાજા રામમોહનરાયે કરી હતી.
તે સમયના ભારતનું ધાર્મિક અને સામાજિક જીવન અનેક કુરિવાજોથી ગ્રસ્ત હતું. ધર્મના ક્ષેત્રે વેદો અને ઉપનિષદોના કાળની ચિંતનની પરંપરાઓ ભુલાઈ ગઈ હતી. કુરિવાજો અને કર્મકાંડો સામાન્ય બન્યાં હતાં. સામાજિક ક્ષેત્રે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતીપ્રથા, બાળલગ્ન, વ્યક્તિગત સ્વતંત્રતા અને વિકાસને અવરોધતાં જ્ઞાતિનાં ચુસ્ત બંધનો, બહુપત્નીત્વ, કન્યાવિક્રય જેવાં દૂષણો વ્યાપક હતાં. આ સમયે માનવતા, ઉદારમતવાદ, વ્યક્તિગત સ્વતંત્રતા અને લોકશાહી મૂલ્યો ધરાવતા પાશ્ચાત્ય ઢબના અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ. આ શિક્ષણ લીધેલો જે નવો વર્ગ ઊભો થયો તેણે પોતાના સમાજના આ કુરિવાજોની વિરુદ્ધમાં સમાજસુધારા આંદોલન શરૂ કર્યું અને નવા યુગનાં મંડાણ થયાં. આ યુગમાં કુરિવાજો સામે લડવા અને સુધારણા કરવા બંગાળમાં બ્રહ્મોસમાજની સ્થાપના થઈ હતી.
રાજા રામમોહનરાયે હિંદુ, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેની તેમના વ્યક્તિત્વ ઉપર અસર પડી હતી. મૂર્તિપૂજાને તેઓ ભારતનું ધાર્મિક દૂષણ માનતા હતા. ઈશ્વર એક જ છે તેવા સિદ્ધાંતનો ફેલાવો કરવા તેમણે 1815માં કૉલકાતામાં ‘આત્મીય સભા’ની સ્થાપના કરી હતી. આ સંસ્થાની સાપ્તાહિક બેઠક મળતી, જેમાં મોટેભાગે પાશ્ચાત્ય શિક્ષણ લીધેલો રૂઢિગત વિચારસરણીનો વિરોધી યુવાન-વર્ગ ભાગ લેતો. આ જ દિશામાં આગળ વધીને 1821માં રાજા રામમોહનરાયે ‘યુનિટેરિયન સભા’ની સ્થાપના કરી હતી. પાછળથી આ સભાની સક્રિયતા મંદ પડતાં તેના કેટલાક સમર્થકોએ એક નવી સંસ્થા સ્થાપવાનો વિચાર કર્યો, જેના પરિપાક રૂપે કૉલકાતામાં 1828ની 20મી ઑગસ્ટે બ્રહ્મોસમાજની સ્થાપના થઈ.
દર શનિવારે સાંજે જ્ઞાતિ કે સંપ્રદાયના ભેદભાવ વગર બ્રહ્મોસમાજની બેઠક મળતી. આ બેઠકોમાં વેદો અને ઉપનિષદોના મંત્રોનો બંગાળી અને સંસ્કૃત ભાષામાં પાઠ થતો. ક્યારેક રાજા રામમોહનરાય દ્વારા રચિત કવિતાનું વાચન થતું. આ સભાની ચર્ચાઓમાં દાન, નીતિમત્તા, પરોપકાર જેવા માનવીય ગુણો ઉપર ભાર મુકાતો હતો.
રાજા રામમોહનરાયના નેતૃત્વ હેઠળ ધર્મના સ્વમતાગ્રહીપણાનો વિરોધ થયો. સમાજમાં કોઈ પણ ધર્મ કે સંપ્રદાય વિશે અપમાનસૂચક શબ્દો વાપરવાની મનાઈ હતી. બ્રહ્મોસમાજે નિરાકાર બ્રહ્મની ઉપાસના ઉપર ભાર મૂકીને બધા જ ધર્મોનાં ઉદાત્ત તત્વોનો સમન્વય કરવાનો પ્રયત્ન તથા મૂર્તિપૂજા અને હિંસા થતી હોય તેવા યજ્ઞો અને ધાર્મિક કર્મકાંડોનો વિરોધ કર્યો હતો. ટૂંકમાં એમ કહી શકાય કે રાજા રામમોહનરાયના પ્રભાવ હેઠળ વિકસેલા બ્રહ્મોસમાજે એક ઈશ્વરની આરાધના અને મૂર્તિપૂજાના વિરોધ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 1831માં રાજા રામમોહનરાય ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયા. 1833માં સંસ્થાના સૂત્રધાર રાજા રામમોહનરાયનું ઇંગ્લૅન્ડમાં જ બ્રિસ્ટલ ખાતે અવસાન થતાં સમાજની કામગીરી મંદ થવા માંડી.
1843માં મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર તેમના વીસેક સાથીદારો સાથે બ્રહ્મોસમાજમાં જોડાયા. વેદો અને ઉપનિષદો પ્રત્યે આદર ધરાવતા દેવેન્દ્રનાથે બ્રહ્મોસમાજને વ્યવસ્થિત સંસ્થાનું રૂપ આપ્યું. તેમાં જોડાવા ઇચ્છતા સભ્યો માટે પ્રતિજ્ઞાપત્ર તૈયાર કર્યું. વૈદિક સાહિત્યનો પ્રચાર કરવા ‘તત્વબોધિનીપત્રિકા’ નામે સામયિક પણ શરૂ કરેલું, જે બંગાળના વિચારશીલ સમુદાયમાં ઘણું જાણીતું બનેલું. દેવેન્દ્રનાથના પ્રયત્નોથી બ્રહ્મોસમાજની બંગાળની બહાર ઉત્તરપ્રદેશના બરેલીમાં એક શાખા સ્થપાઈ હતી.
1850માં, પ્રભાવશાળી વક્તૃત્વશક્તિ અને વેધક બુદ્ધિપ્રતિભા ધરાવતા કેશવચંદ્ર સેન બ્રહ્મોસમાજમાં જોડાયા. કેશવચંદ્રની ધગશ અને ઉત્સાહથી પ્રભાવિત થઈ દેવેન્દ્રનાથે તેમને 1862માં તેના આચાર્ય-પદે નિયુક્ત કર્યા, અને ‘બ્રહ્માનંદ’ના બિરુદથી નવાજ્યા. પાછળથી બંને વચ્ચે બ્રહ્મોસમાજના ઉદ્દેશ અને તેની પ્રવૃત્તિઓ વિશે ઊંડા મતભેદો સર્જાયા. કેશવચંદ્ર સેન અને બીજા કેટલાક યુવાન સભ્યો સામાજિક અનિષ્ટો જેવાં કે પડદાપ્રથા, બહુપત્નીત્વ, જનોઈ ધારણ કરવાની રૂઢિ વગેરેના વિરોધ ઉપર ભાર મૂકવા માગતા હતા; જ્યારે દેવેન્દ્રનાથ સંયમી રીતે સુધારાના માર્ગ ઉપર આગળ વધવા માગતા હતા. દેવેન્દ્રનાથ હિંદુ સમાજના માળખામાં રહીને સુધારા કરવા માગતા હતા; જ્યારે કેશવચંદ્ર સેનનો સુધારા પ્રત્યેનો અભિગમ ઉદ્દામવાદી હતો. છેવટે કેશવચંદ્રે મૂળ સંસ્થાથી અલગ થઈને 1866માં ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કરી. દેવેન્દ્રનાથ ટાગોરે પોતાના સમાજને ‘આદિ બ્રહ્મોસમાજ’ તરીકે ઓળખાવ્યો. પાછળથી ટાગોરે સમાજસુધારાના મુદ્દે દુર્લક્ષ સેવી જનોઈ વગેરેના વિરોધ સામે અસંમતિ પ્રગટ કરી, જ્યારે કેશવચંદ્રે રાજકારણથી હેતુપૂર્વક દૂર રહીને પોતાની સંપૂર્ણ શક્તિઓ ભારતીય બ્રહ્મોસમાજમાં કેન્દ્રિત કરી. ભારતીય બ્રહ્મોસમાજે સ્ત્રીઓની સ્થિતિ સુધારવા અનેક નિબંધ-સ્પર્ધાઓ, પુસ્તકો અને સામયિકોનું પ્રકાશન જેવી પ્રવૃત્તિઓ કરી. 1865માં તેમણે ‘બ્રહ્મિકાસમાજ’ની સ્થાપના કરી સ્ત્રીઓને સ્વતંત્ર રીતે ઈશ્વરની આરાધના કરવાની તક પૂરી પાડી. નારી-ઉત્થાનની પ્રવૃત્તિઓ ઉપર ભાર મૂકનાર સેને અંગત જીવનમાં આ સિદ્ધાંતોનું આચરણ ન કર્યું. સેને તેમની પુત્રીનાં લગ્નની વિધિ બ્રહ્મોસમાજના સિદ્ધાંતો વિરુદ્ધ હિંદુ દેવોની મૂર્તિ સમક્ષ પુરોહિત પાસે કરાવી હતી. લગ્નસમયે વર-વધૂ બંનેમાંથી એક પણ લગ્ન કરવાની સરકારે નક્કી કરેલી ઉંમરે પહોંચ્યાં નહોતાં. સમાજના યુવાન-વર્ગે આ ઘટનાનો સખત વિરોધ કર્યો અને છેવટે સેનના નેતૃત્વ હેઠળ ચાલતા ભારતીય બ્રહ્મોસમાજથી અલગ પડી 1878માં ‘સાધારણ બ્રહ્મોસમાજ’ની સ્થાપના કરાઈ. આ નવા સમાજમાં શિવનાથ શાસ્ત્રી, આનંદ મોહન બોઝ, બિપિનચંદ્ર પાલ જેવા યુવાનો આગળ પડતો ભાગ લેતા હતા. કેશવચંદ્રે હવે પોતાના સમાજને ‘નવવિધાન’ તરીકે ઓળખાવ્યો, જેનું 1884માં સેનના અવસાન પછી નામનું જ અસ્તિત્વ રહ્યું. યુવાનોના ‘સાધારણ બ્રહ્મોસમાજે’ સામાજિક સુધારાના ક્ષેત્રે આધુનિક સંદર્ભો અપનાવી આ આંદોલનને ગતિશીલ બનાવ્યું.
રાજા રામમોહનરાયના નેતૃત્વ હેઠળ બ્રહ્મોસમાજની પ્રવૃત્તિ કૉલકાતા પૂરતી મર્યાદિત હતી. કેશવચંદ્ર સેને મુંબઈ, ચેન્નઈ અને વાયવ્ય પ્રાંતોમાં વ્યાપક પ્રચાર કરી સંસ્થાના સિદ્ધાંતોને બંગાળ બહાર ફેલાવ્યા. તેમના પ્રયાસોથી 1865 સુધીમાં સમાજની 54 શાખાઓ સ્થપાઈ હતી; જેમાંથી 50 શાખાઓ બંગાળમાં, 2 વાયવ્ય સરહદ પ્રાંતમાં, 1 ચેન્નઈમાં અને 1 પંજાબમાં સ્થપાયેલી હતી. 1878 સુધીમાં બ્રહ્મોસમાજ ભારતભરમાં 124 શાખાઓમાં ફેલાયેલો હતો. તેની મુંબઈમાં સ્થપાયેલી શાખા પાછળથી ‘પ્રાર્થનાસમાજ’ના નામે જાણીતી બની હતી. રૂઢિચુસ્ત વર્ગના વિરોધોની વચ્ચે બ્રહ્મોસમાજે ઓગણીસમી સદીના સુધારણા-આંદોલનમાં મહત્વનું પ્રદાન કર્યું છે. તેના સ્થાપક રાજા રામમોહનરાયે મૂર્તિપૂજાનો વિરોધ કરી જડ કર્મકાંડોમાં ફસાઈ ગયેલા ભારતના ધાર્મિક જીવનને ચિંતન અને સમજણ ઉપર આધારિત ધર્મની દિશામાં અભિમુખ કર્યું. રાજા રામમોહનરાય અને દેવેન્દ્રનાથ ટાગોર – એ બંને નેતાઓએ વેદો અને ઉપનિષદોનાં અધ્યયનને મહત્વ આપીને ભારતના આ ભુલાઈ ગયેલા ગૌરવવંતા વારસાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. પોતાના વારસા માટેનું પ્રજાનું ગૌરવ પાછળથી રાષ્ટ્રવાદના ઉદભવનું એક અગત્યનું પરિબળ બન્યું હતું.
કેશવચંદ્ર સેનના નેતૃત્વ હેઠળ બ્રહ્મોસમાજે એકેશ્વરવાદી સિદ્ધાંતોના પ્રચારની સાથે સામાજિક કુરિવાજોની વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું અને એક નવા યુગની શરૂઆત કરી. વિધવા-પુનર્લગ્ન, આંતરજ્ઞાતીય લગ્નનો પ્રચાર કરીને તથા જ્ઞાતિપ્રથા અને બાળ-લગ્નો જેવા કુરિવાજોનો વિરોધ કરીને બ્રહ્મોસમાજે સામાજિક સુધારાના ક્ષેત્રે ઉદાહરણીય યોગદાન આપ્યું છે.
ફાલ્ગુની પરીખ