બ્રહ્માંડવિદ્યા (cosmology) : વિશ્વની ઉત્પત્તિ, તેની બૃહત્-માન (large-scale) સંરચના, ઉત્ક્રાંતિ, તેમાં રાસાયણિક તત્વોના ઉદભવ, ગતિકી (dynamics) અને તેના સમગ્ર વિકાસનો અભ્યાસ. વિશ્વનું કેવી રીતે નિર્માણ થયું, ભૂતકાળમાં તેની અંદર શું શું બની ગયું અને ભવિષ્યમાં સંભવત: શું શું બનશે વગેરે બાબતોની તે સમજૂતી આપે છે.
ખગોળવિદોએ વિશ્વની બાબતે ખાસ ત્રણ પ્રકારનાં અવલોકનો નોંધ્યાં છે. આ અવલોકનોને આધારે સિદ્ધાંતો તારવવામાં આવ્યા છે. આ સિદ્ધાંતો સામૂહિક રીતે વિદ્યમાન ભૌતિક બ્રહ્માંડવિદ્યાનું સ્વરૂપ તૈયાર કરે છે. પહેલી નોંધ તેમણે એ કરી કે આકાશ રાત્રે અદીપ્ત (dark) હોય છે તે બાબત વિશ્વની સરળ સમજૂતીનો વિરોધ કરે છે. બીજું, તારાવિશ્વો એકબીજાંથી દૂર દૂર જાય છે અને ત્રીજું, સમગ્ર આકાશ રેડિયોતરંગો મોકલે છે.
1700થી 1800ના સમયગાળામાં કેટલાક ખગોળવિદોએ જોયું કે આકાશ રાત્રે અદીપ્ત હોય છે. આકાશમાં તારાઓ એકસરખી રીતે વિતરિત (distribute) થયેલા છે અને વિશ્વ અવિરતપણે વિસ્તરતું (expand) થાય છે તેવી સરળ કલ્પના ખગોળવિદોએ કરી છે. આવા વિશ્વમાં આકાશમાં ગમે ત્યાં જોતાં વ્યક્તિની ર્દષ્ટિરેખા (line of sight) અંતે તારા સુધી પહોંચે છે. સમગ્ર રાત્રિ-આકાશ સૂર્ય જેવા તેજસ્વી તારાઓના ઠોસ દ્રવ્યથી ભરેલું છે માટે તે પ્રદીપ્ત દેખાવું જોઈએ પણ તે તો અદીપ્ત દેખાય છે. તેથી જ તો વિશ્વ જોઈએ અને ધારીએ છીએ તેના કરતાં ઘણું વધારે જટિલ છે એવા તારણ ઉપર ખગોળવિદો આવ્યા.
1900માં એટલે કે વીસમી સદીના પ્રાત:કાળે ખગોળવિદોએ પ્રાયોગિક રીતે શોધી કાઢ્યું કે દૂર દૂરના તારાવિશ્વમાંથી આવતા પ્રકાશના વર્ણપટમાં લાલ સંસરણ(red shift)ની ઘટના જોવા મળે છે. એટલે કે અવલોકનકારને મળતા પ્રકાશની તરંગલંબાઈમાં વધારો (એટલે કે આવૃત્તિમાં ઘટાડો) થતો માલૂમ પડે છે; અર્થાત્ વર્ણપટ લાલ રંગના પ્રકાશ તરફ ખસતું માલૂમ પડે છે. આ ઘટનાને લાલસંસરણ કહે છે. (જુઓ રંગીન ચિત્ર.)
પૃથ્વી અને તારાવિશ્વ વચ્ચેનું અંતર અચળ રહે તો ફ્રોનહોફર રેખાનું સ્થાન નિશ્ચિત રહે છે. તારાવિશ્વ આપણાથી દૂર જતું હોય તો તરંગ વિસ્તૃત બને છે. એટલે તરંગલંબાઈ વધે છે આથી આ રેખા લાલ છેડા તરફ ખસતી દેખાય છે; માટે તેને લાલ સંસરણ કહે છે. તારાવિશ્વ આપણી તરફ આવતું હોય તો રેખા વાદળી તરફ ખસે છે માટે તેને વાદળી સંસરણ કહે છે.
ખગોળવિદો તેનું અર્થઘટન એવું કરે છે કે પ્રકાશનું ઉત્સર્જન કરતાં આવાં તારાવિશ્વો (galaxies) એકબીજાંથી દૂર દૂર જઈ રહ્યાં છે. લાલ સંસરણના અભ્યાસ ઉપરથી તારાવિશ્વની ગતિનો અંદાજ કાઢી શકાય છે. પૃથ્વી ઉપર જુદાં જુદાં સ્થળો ઉપરથી દૂરના તારાવિશ્વની ઝડપનો અભ્યાસ કરતાં એટલું માલૂમ પડે છે કે આ બધાં તારાવિશ્વોએ 10થી 20 અબજ વર્ષ પહેલાં એકબીજાંથી દૂર જવાનો પ્રારંભ કર્યો હોવો જોઈએ.
1965માં ખગોળવિદોએ શોધી કાઢ્યું કે રેડિયો-દૂરબીનને ગમે તે દિશામાં ગોઠવવામાં આવે તે છતાં બધી દિશાઓમાંથી ઝાંખા રેડિયોતરંગો મળે છે. આ અભ્યાસ ઉપરથી એટલું ફલિત થાય છે કે સમગ્ર વિશ્વ મંદ (weak) રેડિયોતરંગોનો સ્રોત છે વિશ્વનું વિસ્તરણ થઈ રહ્યું છે તેવા ખ્યાલને પણ તે પ્રબળ અનુમોદન આપે છે; કારણ કે આ રીતે મળતા ઝાંખા રેડિયોતરંગો વિસ્તરતાં જતાં ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત થતા રેડિયોતરંગોને મળતા આવે છે.
બ્રહ્માંડવિદ્યાના આ ત્રણેય પ્રકારનાં પાયાનાં અવલોકનોની સુંદર સમજૂતી મહાવિસ્ફોટ(big bang)ના સિદ્ધાંતથી મળી રહે છે. આ સિદ્ધાંત પ્રમાણે વિશ્વનો આરંભ 10થી 20 અબજ વર્ષ પહેલાં મહાવિસ્ફોટને કારણે થયો હોવો જોઈએ. મહાવિસ્ફોટ પશ્ચાત્ તરત જ વિશ્વ મુખ્યત્વે વિકિરણ(radiation)થી તરબતર હતું. તેનું તાપમાન પ્રચંડ (આશરે 1030° સે.) હતું. તે સમયના વિકિરણ-સભર વિસ્તારને આદિ અગનગોળા (primordial fireball) તરીકે ઓળખવામાં આવે છે. આ ગોળો વિકિરણ સાથે ઝડપથી વિસ્તરવા લાગ્યો.
આ અગનગોળો જેમ જેમ વિસ્તરતો ગયો તેમ તેમ ઠંડો પડતો ગયો. પ્રારંભમાં વિકિરણ અને દ્રવ્ય (matter) સૂપની જેમ એકરૂપ હતાં. મહાવિસ્ફોટ બાદ થોડાક સમય પછી વિકિરણ અને દ્રવ્યનું વિયુગ્મન (decoupling) થયું. અગનગોળો જેમ જેમ વધુ ઠંડો પડતો ગયો તેમ તેમ દ્રવ્યનું પ્રમાણ વધતું ગયું. તેમાંય હાઇડ્રોજનનું પ્રમાણ સવિશેષ હતું. વળી થોડાક પ્રમાણમાં હિલિયમ અને અલ્પાંશે હલકાં તત્વો તેમાં સામેલ હતાં. આજે મળતા ઝાંખા રેડિયોતરંગો અગનગોળાના વિકિરણના અવશેષ રૂપે છે. વિસ્ફોટ બાદ દ્રવ્યની ઘનતામાં સતત અને ક્રમશ: ઘટાડો થતો ગયો. દ્રવ્યમાં ભંગાણ પડવા માંડ્યું અને મોટા મોટા લોંદા (clumps) તૈયાર થયા. આવા લોંદા કાળક્રમે તારાવિશ્વો બન્યાં. તારાવિશ્વની અંદર રહેલા આવા થોડાક નાના લોંદાઓમાંથી તારાઓનું સર્જન થયું. એકાદ લોંદાના અંશમાંથી ગ્રહોનો સમૂહ એટલે કે પૃથ્વીવાળું સૂર્યમંડળ તૈયાર થયું.
તારાવિશ્વો આજે દૂર દૂર જઈ રહ્યાં છે અને અદ્યતન માહિતીને આધારે તે હજુયે વધુ ને વધુ દૂર જશે એમ કહી શકાય. આ સાથે ખગોળવિદો એ બાબતને પણ નકારતા નથી કે આશરે 70 અબજ વર્ષ બાદ આ બધાં તારાવિશ્વો ફરીથી ભેગાં થશે. જો તેમ બનશે તો વિશ્વનું તમામ દ્રવ્ય ફરીથી એક સૂક્ષ્મ બિંદુરૂપ વિસ્તારમાં સમાવિષ્ટ થશે. આવી પરિસ્થિતિ મહા-આફત (big crunch) તરીકે ઓળખાય છે. ત્યારબાદ ફરીથી મહાવિસ્ફોટ (big bang) થશે. ફરીથી આજના જેવા જ વિશ્વની રચનાના શ્રીગણેશ મંડાશે.
બ્રહ્માંડવિદ્યાનાં અવલોકનો સ્થાયી સ્થિતિના સિદ્ધાંત(steady state theory)ની પણ સમજૂતી આપે છે. આ સિદ્ધાંત મુજબ કોઈ પણ સમયે કોઈ પણ સ્થળેથી વિશ્વ જેવું ને તેવું જ દેખાય છે. જેમ જેમ તારાવિશ્વો દૂર દૂર જાય છે તેમ તેમ તેમની વચ્ચે જગા ખાલી પડતી જાય છે. ખાલી પડતી જગામાં નવું દ્રવ્ય સર્જાય છે. આ નવસર્જિત દ્રવ્ય વડે નવાં તારાવિશ્વો બને છે, જે ખાલી જગા ભરી દે છે. તે રીતે આજના જેવું જ વિશ્વ સદાકાળ રહે છે. એટલે તેની સ્થિતિ સ્થાયી રહે છે. આ સિદ્ધાંતમાં મુદ્દાનો અને પાયાનો સવાલ એ પેદા થાય છે કે આવું નવું દ્રવ્ય ક્યાંથી આવે છે. ઉપરાંત ખાલી પડતી જગા વિશેષ અને દ્રવ્યના સર્જનનો દર ધીમો હોઈ વિશ્વની સ્થાયી સ્થિતિનો મેળ બેસતો નથી. હર્મન બૉન્ડી, ફ્રેડ હોઇલ, બ્રિટોન વગેરે આ સિદ્ધાંતના પુરસ્કર્તા છે, પણ વર્તમાન ખગોલીય અવલોકનો આ સિદ્ધાંતને ટેકો આપી શકે તેવી સ્થિતિમાં નથી.
બ્રહ્માંડવિદ્યાના ભિન્ન ભિન્ન સિદ્ધાંત એ હકીકત ઉપર આધારિત છે કે કોઈ એક સમયે વિશ્વનો કોઈ પણ ભાગ તેટલી જ વય ધરાવતા બીજા ભાગ જેવો છે કે નહિ. વિશ્વની વર્તણૂક બાબતે આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ (theory of relativity) પણ વિશ્વના અન્ય સિદ્ધાંતોનો પાયો છે. આઇન્સ્ટાઇનનો સિદ્ધાંત બે બાબતો ઉપર આધારિત છે : (1) એવો કોઈ સંકેત (signal) નથી, જે પ્રકાશની ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરી શકે. (2) ભૌતિકશાસ્ત્રના નિયમો સર્વત્ર વિશ્વમાં સમાન રહે છે. આ સિદ્ધાંતો વિશ્વનું પરિરૂપ (model) નક્કી કરવામાં મદદરૂપ થાય છે. તે પ્રમાણે વિસ્તરતા (expanding), સંકોચાતા (contracting) અને દોલન કરતા (oscillating) વિશ્વનું પરિરૂપ તૈયાર થઈ શકે છે.
બ્રહ્માંડવિદ્યા એકદમ ઉત્તેજનાત્મક અને સાથે સાથે ઉલઝનમાં નાખે તેવો વિષય છે. આ વિષયનાં અવલોકનો અને અભ્યાસ આખરી ગણી શકાય નહિ; કારણ કે હરહંમેશાં કોઈક નવીનતા, ફેરફાર કે પૂર્તતાને તેમાં અવકાશ છે. ઘણુંબધું સંશોધનાત્મક ખેડાણ કરવા છતાં પૂર્ણતાનો કિનારો અત્યારે તો દેખાતો નથી.
વિશ્વમાં તારા, તારાગુચ્છ, નિહારિકા અને તારાવિશ્વોનો સમાવેશ થાય છે. તારાવિશ્ર્વોના પણ ગુચ્છ અને મહાગુચ્છ જોવા મળે છે. ઉપરાંત ક્વાસાર, પલ્સાર, વિદ્યુતચુંબકીય વિકિરણ, પ્રબળ ગુરુત્વીય વિકિરણ, બ્લૅક હોલ અને અન્ય સ્વરૂપે દ્રવ્યનો સમાવેશ થાય છે.
બ્રહ્માંડવિદ્યાના તંત્રનું ગતિવિજ્ઞાન પ્રમુખ કોયડો છે. આ ગતિવિજ્ઞાનમાં ગુરુત્વીય આંતરક્રિયા મહત્વની અને પ્રભાવક છે. વિદ્યુતચુંબકીય, ન્યૂક્લિયર અને વિદ્યુતમંદ બળોનો ખાસ પ્રભાવ પડતો નથી. વ્યાપક રીતે જોવા જતાં ગતિવિજ્ઞાનનો કોઈ સ્પષ્ટ ઉકેલ અત્યારે દેખાતો નથી; પણ વધુ સ્પષ્ટતા માટે કેટલીક પૂર્વધારણાઓ(assumptions) અને સંનિકટતાઓ(approxim-ation)નો સ્વીકાર કરવો આવશ્યક છે.
બ્રહ્માંડવિદ્યાનો સિદ્ધાંત (cosmological principle) પ્રબળ અને પ્રમાણભૂત છે. તેને સમજવા માટે સમાંગતા (homogenety) અને સમદર્શિકતા(isotropin)ની પૂર્વધારણા અનિવાર્ય છે. અર્થાત્, પૂરતા બૃહદમાન વિશ્વને કોઈ અધિમાન્ય સ્થાન કે દિશા નથી. એટલે કે જુદા જુદા સ્થાનેથી અવલોકન કરતાં વિશ્વ એકસરખું દેખાય છે. અન્યથા, જુદી જુદી દિશાઓ વચ્ચે અવલોકી શકાય તેવો કોઈ ભેદ નજરે પડતો નથી.
બ્રહ્માંડવિદ્યાનો સિદ્ધાંત વિસ્તરતા વિશ્વને લાગુ પાડવામાં આવે તો વિશ્વનું વિસ્તરણ એકધારું હોવું જોઈએ. તેમાં કોઈ અનિયમિતતા દાખલ થાય તો વિશ્વ વિષમાંગી (anisotropic) બને છે. વિસ્તરતા વિશ્વમાં અવલોકનકારને દરેક પદાર્થ તેનાથી દૂર જતો દેખાય છે અને આવા દૂર જતા પદાર્થની ઝડપ તેના અંતરના સમપ્રમાણમાં હોય છે. એકધારા વિસ્તરતા વિશ્વ માટે આ એક પર્યાપ્ત શરત છે. અલબત્ત, બધા જ અવલોકનકારોને એકસરખી અસર દેખાય છે. આથી અવલોકનકારને તેનું વિશ્વમાં સ્થાન ક્યાં છે તેની કોઈ માહિતી મળતી નથી અથવા વિશ્વના કેન્દ્રની માહિતી મળતી નથી. પરિણામે વિસ્તરતા અનંત વિશ્વમાં ‘કેન્દ્ર’ની વિભાવનાનો કોઈ અર્થ રહેતો નથી. બધાં જ બિંદુઓ સમાન છે માટે કોઈ પણ બિંદુ વિશ્વનું કેન્દ્ર બની શકે છે, પૃથ્વી પણ આવો જ ભૂકેન્દ્રીય (geocentric) ખ્યાલ પ્રાચીન પરંપરામાં પણ પ્રચલિત હતો.
1929માં હબ્બલે 40થી વધુ તારાવિશ્વોનાં અંતરોનો અંદાજ કાઢ્યો હતો. આવાં તારાવિશ્વોનો ત્રિજ્યાવર્તી વેગ (radial velocity) સ્લિફરે નક્કી કર્યો. હબ્બલનું વિશ્લેષણ દર્શાવે છે કે વેગ અને અંતર વચ્ચે સહસંબંધ છે. તારાવિશ્વોના વેગ અને અંતર વચ્ચેના અવલોકિત સંબંધને હબ્બલનો નિયમ કહે છે.
બ્રહ્માંડવિદ્યાનો સિદ્ધાંત તથા એકધારા વિસ્તરતા વિશ્વનો ખ્યાલ બૃહત્માન વિશ્વને લાગુ પડે છે અને નહિ કે વ્યક્તિગત તારાવિશ્વ કે વૃંદને. સંવૃત (closed), વિવૃત (open) અને સમતલ (flat) વિશ્વની સ્થિતિ પણ જાણવા જેવી છે. વ્યાપક સાપેક્ષવાદ મુજબ, દ્રવ્યમય પદાર્થો અને ફોટૉન અવકાશસમય(space-time)માં અલ્પાંતરી (geodesic) પથ ઉપર પ્રવેગિત થયા સિવાય ગતિ કરે છે. અવકાશ-સમય ખુદ દ્રવ્યની હાજરીમાં વક્ર બને છે. દ્રવ્યમય પદાર્થો ગમે તેમ વિતરિત થયેલા હોય તો આ વક્ર જટિલ બને છે. તે છતાં, બૃહદ વિશ્વ માટે બ્રહ્માંડવિદ્યાનો સિદ્ધાંત ખૂબ જ પરિષ્કૃત બને છે.
વિશ્વના દ્રવ્યની સરેરાશ ઘનતા અને ઊર્જા પ્રમાણમાં વધારે હોય તો વક્રતા ધન (positive) હોય છે. આ પરિસ્થિતિમાં વિશ્વ અસીમિત (unbounded) અને પરિમિત (finite) હોય છે; કારણ કે અમુક વિસ્તારની પેલે પારથી માહિતીઓ મેળવી શકાતી નથી. આવું વિશ્વ સંવૃત હોય છે અને તેની ભૂમિતિ ઉપવલયાકાર (elliptical) હોય છે.
દ્રવ્યની ઘનતા ક્રાંતિક મૂલ્ય કરતાં ઓછી હોય તો વક્રતા ઋણ (negative) મળે છે. આ પરિસ્થિતિમાં વિશ્વ વિવૃત અને અપરિમિત (infinite) મળે છે. આવા વિશ્વની ભૂમિતિ અતિવલયાકાર (hyperbolic) હોય છે.
આ બે વિશ્વોને વિભાજિત કરતી રેખા સમતલ વિશ્વ આપે છે. અહીં વિશ્વ અપરિમિત હોય છે અને ભૂમિતિ યુક્લિડિયન હોય છે.
સંવૃત વિશ્વ વિકિરણ અને દ્રવ્ય એમ બંને માટે સંવૃત છે. તેથી એવું અભિપ્રેત થાય છે કે કણ તેમજ ફોટૉનનો અલ્પાંતરી પથ પણ સંવૃત હોય છે. આવું વિશ્વ અંતે વિસ્તરતું અટકી જશે અને સંકોચાવા લાગશે. વિશ્વનું તમામ દ્રવ્ય અને વિકિરણ એક બિંદુરૂપ વિસ્તારમાં સમાવિષ્ટ થતાં મહા-આફત (big crunch) જેવી અસાધારણ સ્થિતિમાં પરિણમશે. જે. એ. વ્હિલરના મત મુજબ ફરીથી મહાવિસ્ફોટ (big bang) થશે અને વિશ્વનું અગાઉનું ચક્ર ફરીથી ચાલુ થશે. આ બધાંનો મેળ બેસાડે એવો કોઈ ભૌતિકવાદ અત્યારે તો મોજૂદ નથી એટલે દોલન કરતા વિશ્વનો ખ્યાલ એક અટકળબાજી જ ગણાય.
વિવૃત વિશ્વ સદાને માટે વિસ્તરતું રહેશે; દ્રવ્ય કે વિકિરણ કદાપિ ભેગાં થઈ શકશે નહિ, એટલે કે પદાર્થો એક થઈ શકશે નહિ. કોઈ પણ પદાર્થ કે રૉકેટને નિષ્ક્રમણ(escape)-વેગ(જે અંતરે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણબળ શૂન્ય થાય છે તે અંતરે પદાર્થને મોકલવા માટે જરૂરી લઘુતમ વેગ)થી ઓછી ઝડપે છોડવામાં આવે તો તે પૃથ્વી ઉપર પાછાં આવે છે, કારણ કે આ પરિસ્થિતિમાં પૂરતું દ્રવ્ય હોવાથી ગુરુત્વાકર્ષણબળ પદાર્થને પૃથ્વી ઉપર પાછો લાવવા સક્ષમ હોય છે. આ ઘટનાને સંવૃત વિશ્વ સાથે સરખાવી શકાય. નિષ્ક્રમણ-વેગથી વધુ ઝડપે પદાર્થને છોડવામાં આવે તો તે પદાર્થ કે રૉકેટ પૃથ્વી ઉપર પાછાં કદાપિ આવશે નહિ; કારણ કે દ્રવ્યની ઘનતા ઘણી ઓછી હોવાથી ગુરુત્વાકર્ષણબળ પદાર્થને પૃથ્વી ઉપર પાછો લાવવા સક્ષમ હોતું નથી. આ ઘટનાને વિવૃત વિશ્વ સાથે સરખાવી શકાય. સમતલ વિશ્વમાં દ્રવ્યની ઘનતા ક્રાંતિક હોય છે, જેથી તે વિસ્તરણ અટકાવી શકે છે.
વિશ્વના વિસ્તરણના ઘટાડાને પ્રતિવેગી પ્રાચલ (decelerating parameter (qo) કહે છે. qoનું મૂલ્ય વિશ્વની સરેરાશ ઘનતા ઉપર આધારિત છે. qo < ½ , qo = ½ અથવા qo > ½ થાય ત્યારે વિશ્વ અનુક્રમે વિવૃત, સમતલ અને સંવૃત મળે છે :
ઉપરની આકૃતિમાં વિશ્વના માપક્રમ (R) અને સમયનો આલેખ દર્શાવ્યો છે. બ્રહ્માંડ-નિયતાંક (cosmological constant) શૂન્ય લેવામાં આવે ત્યારે વિશ્વની વય મહત્તમ બને છે.
બ્રહ્માંડ-નિયતાંક શૂન્ય લેતાં, માની શકાય કે વિશ્વનાં બધાં જ પરિરૂપનું મૂળ એક જ એટલે કે મહાવિસ્ફોટ છે. વિશ્વની વય પરિમિત રહે છે.
હબ્બલ-નિયતાંકના અંદાજ મુજબ વિશ્વની વય 10થી 20 અબજ વર્ષ ગણાય.
વિશ્વનો કયો સિદ્ધાંત અને કયો પ્રકાર સાચો અને સ્વીકાર્ય છે તે કહેવું કઠિન છે. તે માટે અવલોકીય ખગોળવિદ્યા અને સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાનની આગાહીઓ દ્વારા કેટલીક માહિતીઓ ઉપલબ્ધ થાય ત્યાં સુધી રાહ જોવી રહી. એટલે કે ખગોળવિદ્યાનાં અવલોકનો અને ભૌતિકવિજ્ઞાનના સિદ્ધાંતોનો સમન્વય વિશ્વ વિશેની વધુ જાણકારી આપી શકે. તે સમય દરમિયાન વિજ્ઞાનીઓએ અવકાશમાં દ્રવ્યની ઘનતાનો શક્ય એટલો ચોક્કસ અંદાજ કાઢવો રહ્યો; વિશ્વની વય નક્કી કરવી રહી; દૂર દૂરના અંતરેથી આવતા પ્રકાશીય વર્ણપટમાં લાલ સંસરણની વર્તણૂક જાણવી રહી અને તે સાથે સાથે આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ તેમજ ભૌતિકવિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોની ચકાસણી કરવી રહી.
પ્રહલાદ છ. પટેલ