બ્રહ્મા : હિંદુ ધર્મમાં ‘ત્રિમૂર્તિ’સ્વરૂપમાંના સૌપ્રથમ દેવતા. સૃષ્ટિ–સૃજનનું ઉત્તરદાયિત્વ તેમનું છે. સૃષ્ટિ-સૃજન પહેલાં, તે અમૂર્ત અને કેવલાત્મા બ્રહ્મ હતા, પરંતુ રજોગુણ સાથે સંલગ્ન થતાં બ્રહ્મા બન્યા.
બ્રહ્માના સૃષ્ટિ-સર્જનકાર્ય વિશે ધાર્મિક ઇતિહાસમાં વિવિધ વૃતાન્તો મળે છે.
ભાગવતમાંના વૃત્તાન્ત પ્રમાણે, બ્રહ્મે સૃષ્ટિ-સર્જન અર્થે બ્રહ્માને સર્જ્યા. જ્યાં સત્-અસત્ એકેય નહોતાં એવા અસીમ અવકાશમાં આ સ્રષ્ટા પ્રગટ્યા. તેમણે હજારો વર્ષો સુધી તપ કર્યું. તેના પરિણામે તેમને પ્રતીતિ થઈ કે ‘હું સ્વતંત્ર નથી, મારું પ્રેરક બળ બ્રહ્મ છે અને એની પ્રેરણા પ્રમાણે સૃષ્ટિ સર્જવી, એ મારું કર્તવ્ય છે.’ આવી પ્રતીતિથી પ્રસન્ન થયેલા બ્રહ્માએ ત્યારપછી આ સૃષ્ટિની રચના કરી.
સ્મૃતિઓમાંના ઉલ્લેખો અનુસાર, સમગ્ર વિશ્વ આરંભમાં તમોવ્યાપ્ત બની ગયું હતું. એ અંધકારનો નાશ કરીને સ્વયંભૂ ઈશ્વર આવિર્ભૂત થયા. આ હિરણ્યગર્ભે અભિધ્યાન કર્યું. સૌપ્રથમ જળને ઉત્પન્ન કર્યું. તેમાં બીજપ્રક્ષેપ કર્યો અને આ બીજ એક સુવર્ણ-અંડ બન્યું, જેમાંથી સર્વભૂતોના જનયિતા, પોતે ‘અજન્મા’ હોવા છતાં, બ્રહ્મા તરીકે જન્મ્યા ! તેમણે પેલા ઈંડાના બે ભાગ કરીને, તેમના વડે સ્વર્ગ અને પૃથ્વીનું સર્જન કર્યું અને મરીચિ વગેરે દશ પ્રજાપતિઓને માનસપુત્રો તરીકે સર્જ્યા, જેમણે પિતાનું સૃષ્ટિ-સર્જનકાર્ય પરિપૂર્ણ કર્યું.
પંચમહાભૂતોમાંના આકાશ-તત્વમાંથી બ્રહ્મા પ્રગટ્યા એમ રામાયણ કહે છે. બ્રહ્માના વંશજો એટલે મરીચિ, કશ્યપ, વિવસ્વાન્ અને મનુ. આ મનુ ત્યારપછી પ્રાણીમાત્રના જનક બન્યા.
અન્ય એક અહેવાલ મુજબ, પરમાત્માએ પેલા સુવર્ણ-અંડને સ્ત્રી અને પુરુષમાં વિભાજિત કર્યું, એમના સમાગમમાંથી ‘વિરાજ્’નો જન્મ થયો, જેના પુત્ર મનુએ આ સૃષ્ટિ ઉત્પન્ન કરી.
શેષશાયી વિષ્ણુની નાભિમાંથી ઊગેલા કમળમાંથી પ્રગટેલા બ્રહ્માએ પોતાની જ પુત્રી સરસ્વતી સાથેના અધર્મ્ય સંભોગ દ્વારા સૃષ્ટિ-સર્જન કર્યું – એમ પુરાણો કહે છે.
વેદોના આવિષ્કર્તા મનાતા બ્રહ્માને મૂલત: પાંચ મુખ હતાં, પરંતુ શિવે ક્રોધમાં તેમનું એક મુખ ડાબા અંગૂઠાના નખ વડે છેદી નાખ્યું, ત્યારથી બ્રહ્મા ‘ચતુર્મુખ’ રહ્યા છે. સુંદ-ઉપસુંદના વિનાશ માટે પોતે જ સર્જેલી અપ્સરા તિલોત્તમાના સૌંદર્યથી પ્રમુગ્ધ બ્રહ્માએ તેનું ચારેય દિશામાં દર્શન કર્યું; તેથી તેઓ ‘ચતુર્મુખ’ બન્યા, એમ પણ કહેવાય છે. આ ચાર મુખમાંથી શબ્દની વૈખરી વગેરે ચતુષ્ટયી પ્રવૃત્તિ થયાની પરંપરા પણ પ્રચલિત છે. ચાર મુખમાંથી ચાર વેદોનું બ્રહ્માએ સર્જન કર્યાની વાત પણ છે. પરિવીત એમનું ધનુષ, હંસ એમનું વાહન અને બ્રહ્મલોક એમનું ધામ છે તથા સૃષ્ટિ-સર્જનપ્રક્રિયા સાથે સંકળાવાને કારણે ‘ધાતા’, ‘સ્રષ્ટા’ ‘વેધા’, ‘પ્રજાપતિ’, ‘પિતામહ’, ‘પુરાણ-કવિ’ જેવાં નામો તેમના માટે પ્રયોજાય છે. બ્રહ્માના એક દિવસ પછી એટલે મનુષ્યનાં 2,16,00,00,000 વર્ષો પછી પૃથ્વીનો પ્રલય થાય છે. એ પછી ફરી બીજા દિવસે બ્રહ્મા સૃષ્ટિ સર્જે છે.
જયાનંદ દવે