બ્રહ્મશાંતિ યક્ષની વિરલ પ્રતિમા

April, 2024

બ્રહ્મશાંતિ યક્ષની વિરલ પ્રતિમા : ભો. જે. વિદ્યાભવન, અમદાવાદના સંગ્રહાલયમાં સુરક્ષિત જૈન પરંપરાની બ્રહ્મશાંતિ યક્ષની વિરલ પ્રતિમા. યક્ષોનાં વર્ણન વૈદિક, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં મળે છે. તેમને ભૂત, કિન્નર, રાક્ષસ, ગંધર્વ, નાગ અને દાનવની શ્રેણીમાં મૂકવામાં આવે છે. પ્રાચીન ભારતમાં એમની પૂજા-ઉપાસના વ્યાપક પ્રમાણમાં થતી હતી. જૈન પરંપરામાં યક્ષ અને વીર-પૂજા વિશેષ જળવાયેલી છે. એમાં મુખ્યત્વે મણિભદ્ર યક્ષ અને ઘંટાકર્ણ મહાવીરની પૂજા વ્યાપકપણે પ્રચલિત છે. આ બે ઉપરાંત કપર્દિયક્ષ અને બ્રહ્મશાંતિ યક્ષની પણ પૂજા વધતે ઓછે  અંશે પ્રચલિત જણાય છે. આમાં ભો.જે.વિદ્યાભવનના સંગ્રહાલયમાં સુરક્ષિત બ્રહ્મશાંતિ યક્ષની 11મી-12મી સદીની પ્રતિમા ખાસ નોંધપાત્ર છે.

જૈન પરંપરામાં બ્રહ્મશાંતિ યક્ષનું મૂર્તિવિધાન અપાયું છે. તદનુસાર આ યક્ષ સાધારણ રીતે દાઢીયુક્ત, જટામુકુટધારી, ઉપવીત અને પાવડીઓ પહેરેલ અને પોતાના ચાર હાથ વડે માળા, દંડ કે છત્ર, કુંડિકા અને પુસ્તક ધારણ કરતા હોય છે. ભો. જે. વિદ્યાભવનની પ્રતિમા પૂર્ણમૂર્ત સ્વરૂપે કંડારેલી હોઈ કોઈ દેરાસરના ગવાક્ષમાં પૂજન અર્થે સ્થાપિત કરવાના ઉદ્દેશથી ઘડાયેલી હોવાનું જણાય છે. 72 42 સેમી. માપની આ મૂર્તિશિલ્પમાં યક્ષ લલિતાસનમાં એક નીચે રાખીને બેઠેલા છે. મસ્તક પર ચૂડામણિયુક્ત જટામુકુટ, કાનમાં કુંડલ, બાંહે બાજુબંધ, કરમાં કંકણ, કંઠે પ્રલંબહાર અને પાદમાં વલય ધારણ કરેલ છે. વસ્ત્રપરિધાનમાં લાંબી ધોતી, તેમજ ઉત્તરીય દર્શનીય છે. યક્ષના ઉપલા જમણા હાથમાં છત્ર અને નીચલા જમણામાં વરદમુદ્રા ધારણ કરી છે. ઉપલા વામકરમાં ગ્રંથ-પોથી અને નીચલામાં કુંડિકા ધારણ થયેલ છે. મધ્યથી પરસ્પર જોડાયેલી ભ્રમરો, અધોન્મિલિત નેત્ર, તિર્યંચદૃષ્ટિ, નાજુક પાતળા હોઠ, વળાંકદાર મૂછો ને ઓળેલી દાઢી પણ ધ્યાન ખેંચે છે. યક્ષના વક્ષ પર શ્રીવસ્તસનું લાંછન પણ દૃષ્ટિગોચર થાય છે. મૂર્તિ વિધાનની દૃષ્ટિએ આ પ્રતિમા બારમી સદીની હોવાનું મનાય છે. પાટણ(ઉ. ગુ.)માં આદીશ્વર મંદિરની બ્રહ્મશાંતિ યક્ષની પ્રતિમા આ પ્રતિમા સાથે ઘણી મળતી આવે છે. જોકે પાટણની પ્રતિમા ઘણા પછીના સમયની પરંતુ બ્રહ્મશાંતિ યક્ષની પૂજા ઉત્તર કાલમાં પણ ગુજરાતમાં પ્રચલિત હોવાના પુરાવા રૂપ છે.

પ્રવીણચંદ્ર પરીખ