બ્રહ્મલોક : બ્રહ્માંડમાં આવેલા કુલ 14 લોકમાંનો સર્વશ્રેષ્ઠ અને સૌથી ઉપર આવેલો લોક. વેદ, શાસ્ત્ર અને પુરાણ – એ ત્રણેયમાં બ્રહ્માંડમાં પૃથ્વીથી શરૂ કરીને (1) ભૂલોક, (2) ભુવર્લોક, (3) સ્વર્લોક, (4) મહર્લોક, (5) જનલોક, (6) તપલોક અને (7) સત્યલોક એટલે બ્રહ્મલોક એમ સાત લોક ગણાવવામાં આવ્યા છે. આ બધા લોક ભૂલોકથી ઉપરની દિશામાં એક પછી એક આવેલા છે. જ્યારે પૃથ્વીથી નીચેની દિશામાં અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ એમ સાત લોકો ગણવામાં આવ્યા છે. આ બંને મળીને કુલ 14 લોક છે. બ્રહ્માંડના 14 લોકોમાં સૌથી ઉત્તમ સત્યલોક છે કે જેનું બીજું નામ બ્રહ્મલોક હોવાનું દેવીપુરાણ કહે છે. બ્રહ્મલોક ભૂલોકથી 13 કરોડ અને 15 નિયુત જેટલા યોજનો ઉપર આવેલો હોવાની પુરાણોની ગણતરી છે.
બ્રહ્મલોક બધા લોકોમાં સર્વશ્રેષ્ઠ છે. તે જ શિવલોક છે, આત્માનું ધામ છે, પરા ગતિ છે, પરમ આનંદ છે; વળી તે જ શાશ્વત વિશ્વ છે એમ મત્સ્યપુરાણ, ભાગવતપુરાણ અને વાયુપુરાણમાં કહ્યું છે. બ્રહ્મા આ લોકમાં રહે છે તેથી તેનું નામ બ્રહ્મલોક છે. સત્ય બોલવાનું વ્રત પાળનારને જ તે લોક મળતો હોવાથી અથવા તે જ સાચો લોક હોવાથી તેને સત્યલોક એવું નામ પણ આપવામાં આવ્યું છે. જ્યાં સુધી બ્રહ્માનો મુખ્ય દેવ તરીકે મહિમા રહ્યો ત્યાં સુધી બ્રહ્મલોકનો પણ ઉત્તમ મહિમા થયો, પરંતુ બ્રહ્માનો મહિમા ઘટતાં વૈકુંઠલોક અને કૈલાસલોક તરીકે બ્રહ્મલોકને ઓળખવામાં આવ્યો.
આ બ્રહ્મલોક સંપૂર્ણતયા દોષ વગરનો હોવાથી સદાચારી અને પવિત્ર મનુષ્યોને પ્રાપ્ત થાય છે એમ છાંદોગ્યોપનિષદ કહે છે. વાયુપુરાણ અને દેવીપુરાણ એમ કહે છે કે બ્રહ્મલોકમાં પ્રવેશ કરનારનાં, ફરીવાર જન્મ કે મૃત્યુ થતાં નથી. વળી અગસ્ત્યેશ્વરમ્ અને અન્ય તીર્થોમાં સ્નાન કરનારને જ બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે; જ્યારે કન્યાનું દાન કરનાર મનુષ્યને પણ બ્રહ્મલોકમાં પ્રવેશ મળે છે. વળી મત્સ્યપુરાણ જણાવે છે કે જે સુવર્ણ સાથેનું દાન કરે અથવા માઘમાસની પૂનમને દિવસે બ્રહ્મવૈવર્તપુરાણનું દાન કરે તે મનુષ્ય પણ બ્રહ્મલોક મેળવે છે. વળી તપ, બ્રહ્મચર્ય અને સત્ય પાળનારને જ તે મળે છે. એટલે કે પાપ તથા કપટ, અસત્ય અને દંભ જેવા દોષ વગરના પવિત્ર મનુષ્યને તે મળે છે. જ્ઞાની અને મોક્ષ પામેલા મનુષ્યો જ બ્રહ્મલોક પ્રાપ્ત કરે છે; એટલું જ નહિ, તેઓ, જ્યારે મહાપ્રલય થાય ત્યારે પણ બ્રહ્માની સાથે જ પરમ પદમાં પહોંચે છે. આ રીતે બ્રહ્મલોક મુક્ત અને જ્ઞાની આત્માઓનું નિવાસસ્થાન છે.
પ્ર. ઉ. શાસ્ત્રી