બ્રહ્મભટ્ટ, નટવરલાલ મોતીલાલ (જ. 26 નવેમ્બર 1927) : અર્થશાસ્ત્ર તેમજ કાયદાના નિષ્ણાત; ઉદ્યોગસંચાલક અને સંસ્કારસેવક. વતન જંઘરાળ, તા. જિ. પાટણ. માતા મણિબહેન ધાર્મિક વિદુષી મહિલા. પિતા મોતીલાલ. ઇન્દુબહેન સાથે 1947માં લગ્ન થયું. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ પાટણ હાઈસ્કૂલમાંથી. મૅટ્રિકની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટીમાંથી ત્રીજા નંબરે અને ગુજરાતમાંથી પ્રથમ નંબરે પાસ કરી. અભ્યાસ સાથે હસ્તલિખિત પત્રો તેમજ ભીંતપત્રો લખ્યાં. ‘રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ’ સંચાલિત ‘કોવિદ’ પરીક્ષા ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ કરી. ઉચ્ચ શિક્ષણ બરોડા કૉલેજ – વડોદરા; ફર્ગ્યુસન કૉલેજ – પુણે, બૉમ્બે સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ, ગવર્નમેન્ટ લૉ કૉલેજ, મુંબઈમાંથી લીધું.
1951માં અખિલ ભારતીય સનદી સેવાઓમાં પ્રથમ પ્રયત્ને સફળ થઈ ઇન્ડિયન રેવેન્યૂ–સર્વિસમાં કૉલકાતા ખાતે જોડાયા. 1957માં મુંબઈમાં આયકર વિભાગના મદદનીશ કમિશનર તરીકે રાજીનામું આપી કેન્યા, પૂર્વ આફ્રિકા ગયા. ત્યાં વકીલાત કરી. કેન્યામાં મોટા ઔદ્યોગિક સંકુલોમાં સલાહકાર તરીકે સેવાઓ આપી. 1971માં ભારત પાછા આવી આંતરરાષ્ટ્રીય ‘ચંદરિયા ગ્રૂપ’ની જાહેર કંપની એજીસ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે દસ વર્ષ સેવાઓ આપી. વળી બીજી જાહેર કંપની ‘ખંડેલવાલ ફેરોઍલૉઇઝ લિ.’ના વરિષ્ઠ વહીવટી વડા તરીકે પણ તેમણે કામગીરી બજાવી. છેલ્લાં દશેક વર્ષથી નટવરભાઈ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વહીવટી સલાહકાર તરીકે યોગદાન આપે છે. તેઓ પૂર્વ આફ્રિકાના કેન્યામાં ‘સૅટરડે ક્લબ’ અને આફ્રિકન કલ્ચર સોસાયટીના મહામંત્રીપદે રહી ચૂક્યા છે.
કેમ્બ્રિજની વિશ્વવિખ્યાત રૉયલ ઇકૉનૉમિક સોસાયટીના આજીવન ફેલો અને લંડનની રૉયલ ઑર્થૉપીડિક હૉસ્પિટલના આજીવન ગવર્નર છે. ભારતમાં પણ સેવાનાં અનેક ક્ષેત્રોમાં તેમનું યોગદાન રહ્યું છે. મુંબઈની વિખ્યાત ઇન્ડો-અમેરિકન સોસાયટીના તેઓ 1986–1987ના પ્રમુખ હતા. મુંબઈમાં ઓવરસીઝ ઇન્ડિયન જામ્બો ઍસોસિયેશન નામની બિનનિવાસી, ભારતીયને સેવા આપનારી સંસ્થાના વર્ષોથી પ્રમુખ હતા. તેઓ ગાંધી વિચારધારાની સંસ્થા ‘મણિભવન’ તેમજ ‘ગાંધી ફાઉન્ડેશન’ સાથે સંકળાયેલા છે. તેઓ મુંબઈની વરિષ્ઠ રૉટરી ક્લબના સભ્ય છે. તેમણે રૉટરી ક્લબ તરફથી ફરી 1991માં કૅન્યા જઈ નાઇરોબીમાં ‘જયપુર ફૂટ’નું ઉત્પાદનકેન્દ્ર સ્થાપ્યું છે. પ્રવાસી ભારતીય કેન્દ્ર ઊભું કરવા માટે તેઓ ‘ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બર’ મુંબઈના માનાર્હ સલાહકાર રહી ચૂક્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં હજારો ગામડાંમાં ગ્રામવિકાસની પ્રવૃત્તિ ચલાવતી વિખ્યાત સંસ્થા એનાર્ડે ફાઉન્ડેશનના તેઓ આદ્યસ્થાપક અને ટ્રસ્ટી હતા. આજે પણ ઉત્તર ગુજરાતના પ્રશ્નોમાં ખાસ કરીને ગ્રામસેવા અને કેળવણીમાં રસ લઈ રહ્યાં છે. આવી લોકહિતની પ્રવૃત્તિઓને લીધે તેઓ દેશ-પરદેશમાં સતત પ્રવાસ કરતા હોય છે.
તેમના સુપુત્ર મિલનકુમાર ‘વિશ્વગરીબી નિવારણ’ વિભાગના વડા અર્થશાસ્ત્રી છે. નટવરભાઈને બાળપણથી લખવાનો શોખ હોવાથી કેન્યા અને મુંબઈનાં અંગ્રેજી વર્તમાનપત્રોમાં પ્રસંગોચિત લેખો પ્રગટ કરતા રહે છે. બે વર્ષ પહેલાં થયેલા કચ્છના ભીષણ ભૂકંપમાં થયેલી તારાજી જોઈ તેમનું હૃદય દ્રવી ઊઠ્યું અને રોટરી ક્લબ – મુંબઈ દ્વારા કચ્છના પુનરુત્થાનના કામમાં લાગી ગયા.
શંકરલાલ વ્યાસ