બ્રહ્મભટ્ટ, રઘુનાથ (જ. 13 ડિસેમ્બર 1892, લીંચ, જિ. મહેસાણા; અ. 11 જુલાઈ 1983, નડિયાદ) : ‘રસકવિ’ તરીકે જાણીતા ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કવિ-નાટ્યકાર. માતાનું નામ મોહિબા. પિતાનું નામ ત્રિભુવનદાસ. વતન નડિયાદ. તેમનું લગ્ન 1904માં મણિબહેન સાથે થયું હતું. તેમણે અંગ્રેજી 5 ધોરણ સુધીનું માધ્યમિક શિક્ષણ નડિયાદની માધ્યમિક શાળામાં લીધું હતું. અભ્યાસમાં તેઓ તેજસ્વી હતા.

રઘુનાથ બ્રહ્મભટ્ટ

કવિતા અને નાટ્યલેખનમાં નાનપણથી જ સ્વાભાવિકપણે અભિરુચિ હતી. મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને ગોવર્ધનરામનાં સાહિત્યસર્જનોએ એમને પ્રેરણા પૂરી પાડી. પ્રારંભમાં નાની નાની નાટક મંડળીઓ માટે એમણે નાટકો રચ્યાં. સંસ્કૃત કવિ અશ્વઘોષનું ‘બુદ્ધચરિત્ર’ વાંચીને તેમણે લખેલું ‘બુદ્ધદેવ’ નાટક 1914માં મોરબી આર્ય સુબોધ નાટક મંડળી દ્વારા સફળતાથી ભજવાયું હતું. બાલીવાલા થિયેટરમાં એમનો પહેલો પરિચય નટ-નાટ્યકાર, મંડળી-માલિક મૂળજી આશારામ ઓઝા સાથે થયો હતો.

1914થી 1937 સુધીનો સમયગાળો એમના લેખનનો યશસ્વી સ્તબક છે. કવિ ન્હાનાલાલના ‘જયા-જયંત’ની ભાવનાનો પ્રભાવ ઝીલી એમણે ‘શૃંગી-ઋષિ’ (1914) નાટક લખ્યું, જે એ જમાનામાં સારો સત્કાર પામ્યું હતું. એમનાં અન્ય લોકપ્રિય નાટકોમાં ‘સૂર્યકુમારી’ (1916) ‘છત્રવિજય’ (1919), ‘ઉષાકુમારી’ (1921) અને ‘સ્નેહમુદ્રા’ (1926)નો સમાવેશ થાય છે.

વ્યવસાયી રંગભૂમિનાં નાટકોની ઢબનું એમનું નાટ્યલેખન છે. ‘બુદ્ધદેવ’ નાટકનો વિષય વ્યવસાયી રંગભૂમિ માટે નવો હતો; પરંતુ ભજવણીની ઢબ એ જ હતી. સંસારની કટુતા અને બચપણમાં વેઠેલા આર્થિક સંઘર્ષે એમનાં સર્જનોને પ્રેરકબળ પૂરું પાડ્યું હતું.

એમણે 25 જેટલાં નાટકો અને 100 કરતાં વધારે રંગભૂમિનાં ગીતો લખ્યાં છે. નાટક ‘હંસાકુમારી’નું ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’, ‘શાલિવાહન’નું ‘રસીલાં પ્રેમીનાં હૈયાં’ જેવાં એમનાં ગીતો ઘણાં લોકપ્રિય થયાં હતાં.

બોલપટ માટેની કથાઓ અને ગીતો, આકાશવાણી માટેની નાટિકાઓ, નૃત્યનાટિકા, રંગભૂમિવિષયક લેખો તેમજ ગુજરાતી રંગભૂમિના નાટ્યકારો અને ગીત-સંગીતકારો પર તેમણે કરેલું કેટલુંક કામ ઉલ્લેખનીય છે. એમણે નડિયાદમાં નવી રંગભૂમિના કલાકારો માટે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનું નાટ્યરૂપાંતર કરી ગીત-સંગીત સાથે તે ભજવાવ્યું હતું. એમનાં નાટ્યજીવનનાં કડવાં-મીઠાં સ્મરણો ‘સ્મરણ-મંજરી’(1955)માં રસાળ ભાષામાં રજૂ થયાં છે.

1944માં મુંબઈની નાટ્યરસિક જનતાએ શ્રી દેશી નાટક સમાજને માંડવે એમનો વનપ્રવેશ ઊજવી મુંબઈમાં એમનું બહુમાન કર્યું હતું અને થેલી અર્પણ કરી હતી.

દિનકર ભોજક