બ્રહ્મદત્ત જિજ્ઞાસુ (જ. 1882, મલ્લૂપોતા, જિ. જાલંધર, પંજાબ; અ. 21 ડિસેમ્બર 1964) : વૈદિક વાઙમય તથા સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના આધુનિક ભારતીય વિદ્વાન. તેમના પિતાનું નામ રામદાસ અને માતાનું નામ પરમેશ્વરી. જાતે સારસ્વત બ્રાહ્મણ. ‘બ્રહ્મદત્ત’ એ નામ તેમના ગુરુએ તેમને આપેલું.
અધ્યયનકાળથી જ તેજસ્વી બ્રહ્મદત્તને, આર્યસમાજના પ્રતિષ્ઠાપક પ્રખર સમાજસુધારક સ્વામી દયાનંદ સરસ્વતીના ‘સત્યાર્થપ્રકાશ’ ગ્રન્થ તથા અન્ય વિચારસરણીથી આદર્શ-પ્રેરણા મળતાં તેમનામાં સંસ્કૃતના વેદવેદાંગોના અભ્યાસની અભિરુચિ જાગી. તેથી સ્વામી પૂર્ણાનંદ પાસેથી પ્રથમ તો સંસ્કૃત વ્યાકરણ અને તેમાં પણ મહર્ષિ પાણિનિની અષ્ટાધ્યાયીનું સૂક્ષ્મતાપૂર્વક અધ્યયન કર્યું. આ ઉપરાંત યાસ્કરચિત ‘નિરુક્ત’, ‘પતંજલિના વ્યાકરણ-મહાભાષ્ય અને ઉપનિષદો વગેરેનું ગુરુ-કુલ કાંગડીમાં અને પછી વારાણસીમાં અધ્યયન કર્યું. વારાણસીમાં જ તેમણે પૂર્વમીમાંસાશાસ્ત્રના સુપ્રસિદ્ધ વિદ્વાન પં. ચિન્નસ્વામી અને પટ્ટાભિરામ શાસ્ત્રી પાસે મીમાંસાશાસ્ત્રનું અધ્યયન કર્યું. આ ઉપરાંત વૈદિક વાઙ્મયના પ્રખર અભ્યાસી પં. ભગવદ્ દત્ત પાસેથી વિવિધ સંશોધન-પદ્ધતિઓનો પણ અભ્યાસ કર્યો. આ અધ્યયનમાં જિજ્ઞાસુનું મુખ્ય ધ્યાન પાણિનિની ‘અષ્ટાધ્યાયી’ તરફ વિશેષભાવે ખેંચાયું. આથી આ માટેનું અધ્યયન શરૂ થતાં, વામન અને જયાદિત્ય(ઈ. સ. 600–660)ના અષ્ટાધ્યાયી ઉપર વૃત્તિ (વ્યાખ્યા, ટીકા) રૂપે લખાયેલા ‘કાશિકા’ નામના બહુ જાણીતા ગ્રંથ તરફ તેમનું ધ્યાન ખેંચાયું.
પં. બ્રહ્મદત્ત જિજ્ઞાસુએ પણ એ જ રીતે અષ્ટાધ્યાયીનું સાંગોપાંગ અધ્યયન કરી, તેમાં આવતાં સૂત્રોને તેમના ક્રમ પ્રમાણે જ રાખી ભાષ્ય કર્યું. તેને ‘અષ્ટાધ્યાયીભાષ્ય’ નામ આપવામાં આવ્યું છે. આ ભાષ્યમાં જિજ્ઞાસુએ અષ્ટાધ્યાયીમાં આવતા પ્રત્યેક સૂત્રનો (1) પદચ્છેદ, (2) તે પદોની વિભક્તિ, (3) તેમનો સમાસ, (4) અનુવૃત્તિ, (5) અર્થ, (6) ઉદાહરણ અને એ રીતે (7) સિદ્ધિ – એમ સાત અંગોનો ઉપયોગ કરી સંસ્કૃત તથા હિન્દી ભાષામાં સ્પષ્ટીકરણ કરીને તેમનું પ્રકાશન કર્યું છે. આ રીતના ભાષ્ય-વિવેચનની આ પહેલી આવૃત્તિ હોવાથી તેને ‘પ્રથમાવૃત્તિ’ એવું નામ પણ અપાયું છે.
આ રીતે તૈયાર કરેલ ‘અષ્ટાધ્યાયી (ભાષ્ય) પ્રથમાવૃત્તિ’ના કુલ ત્રણ ભાગ છે. તે શ્રી રામલાલ કપૂર ટ્રસ્ટ, અમૃતસર તરફથી પ્રકાશિત થયા છે.
આ સાથે જ પં. ભટ્ટોજી દીક્ષિતરચિત પ્રવર્તમાન સિદ્ધાન્તકૌમુદીની શિક્ષણપદ્ધતિથી – કૌમુદી-પદ્ધતિથી – થોડા જુદા પડીને, મૂળ પાણિનિની અષ્ટાધ્યાયી–પદ્ધતિને જ અધીન રહીને સંસ્કૃત ભાષાના અધ્યયનની સુગમતા કે સરળતા માટે સંસ્કૃત વ્યાકરણના 44 જેટલા પાઠોનો એક પાઠ્યક્રમ તેમણે બનાવી આપ્યો અને તેને ‘સંસ્કૃત પઠન-પાઠનની અનુભૂત સરલતમ વિધિ’ એવું નામ આપ્યું. તે પાઠ્યક્રમ અમૃતસરથી 1962માં પ્રકાશિત થયો છે. સામાન્ય રીતે નીરસ મનાતી અને તે તે સૂત્રો કંઠસ્થ કરવાં પડે તેવી માન્યતાને દૂર કરી જિજ્ઞાસુએ આ પાઠોને વૈજ્ઞાનિક રીતે તૈયાર કર્યા છે અને 1953માં વારાણસીમાં તેમણે સ્થાપેલ ‘પાણિનિ મહાવિદ્યાલય’માં સેંકડો વિદ્યાર્થીઓને આ પાઠોનું અધ્યયન કરાવ્યું છે. આનો લાભ ભારતના મુસ્લિમ વિદ્યાર્થીઓ અને તે ઉપરાંત કોરિયા તથા અમેરિકાથી આવેલ વિદેશી વિદ્યાર્થીઓએ પણ લીધો છે.
આ સિવાય જિજ્ઞાસુએ સ્વામી દયાનંદ વિરચિત યજુર્વેદ-ભાષ્યવાળા 15 અધ્યાયો ઉપર વિસ્તૃત ટિપ્પણીનું તેમજ વૈદિક જ્ઞાનનું સ્વરૂપ, વેદની શાખાઓ, દેવતા-વાદ, છન્દોમીમાંસા, ધાતુઓની અનેકાર્થતા આદિ વિષયો ઉપર પણ સંશોધનાત્મક લેખન કરેલું છે.
શ્રી જિજ્ઞાસુ કાશી, વૃન્દાવન, કાંગડીની અને પંજાબની અનેક ઉચ્ચતમ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંમાનિત થયા હતા. આર્યસમાજની માસિક પત્રિકા ‘વેદવાણી’નું પણ તંત્રી તરીકે તેમણે સંપાદન કર્યું હતું. તેઓ આધુનિક સમયમાં વિદ્યમાન ‘સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના ઇતિહાસ’ના વિદ્વાન લેખક પં. યુધિષ્ઠિર મીમાંસક જેવાના પણ ગુરુ હતા.
આમ બ્રહ્મદત્ત જિજ્ઞાસુએ અષ્ટાધ્યાયી-પદ્ધતિ પ્રમાણે અષ્ટાધ્યાયી-ભાષ્ય વગેરેનું લેખન કરી, અષ્ટાધ્યાયી-પદ્ધતિનું આજીવન સંરક્ષણ કર્યું, જે તેમનું મહત્વનું પ્રદાન છે.
ભગવતીપ્રસાદ પંડ્યા