બ્રહ્મચર્યાશ્રમ

April, 2024

બ્રહ્મચર્યાશ્રમ : વિદ્યા ભણવાનો, બ્રહ્મચર્યનું પાલન કરવાનો અને શિસ્ત તેમજ ખડતલપણું કેળવવાનો ગાળો. પાંચથી આઠ વર્ષની ઉંમરે શરૂ થતો વિદ્યાભ્યાસ લગભગ પચ્ચીસ વર્ષે પૂરો થાય છે. આ સમગ્ર ગાળો બ્રહ્મચર્યાશ્રમનો છે. બ્રહ્મચર્યાશ્રમી કે વિદ્યાર્થીના ધર્મોનો ખ્યાલ મેળવવામાં મનુસ્મૃતિમાંથી લીધેલા નીચેનાં અવતરણો ઉપયોગી થશે. : ‘બ્રહ્મચારીએ મદ્ય, માંસ, સુગંધી દ્રવ્યો, માળાઓ, રસો (રસના-જીભને ગમે તેવા પદાર્થો), સ્ત્રીઓ, સઘળા પ્રકારના આસવો અને આથાઓ તેમજ પ્રાણીની હિંસા એ બધાંનો ત્યાગ કરવો, વળી તેણે શરીરે તેલ ન ચોળવું, આંખમાં આંજણ ન આંજવું, જોડા ના પહેરવા અને છત્રી ન ઓઢવી, કામ, ક્રોધ, લોભ, નૃત્ય અને ગીતવાદનનો પણ ત્યાગ કરવો. વળી જુગાર, ફોગટ પંચાત, પારકી નિંદા અને અસત્ય છોડવાં; તેમજ સ્ત્રીઓને જોવાનો, તેમને આલિંગન કરવાનો અને પારકાનું ભૂંડું કરવાનો પણ ત્યાગ કરવો.’ ‘ગુરુએ આજ્ઞા કરી હોય કે ન કરી હોય, તો પણ બ્રહ્માચારીએ (પોતાની મેળે જ) નિત્ય અધ્યયનમાં તથા આચાર્યનાં હિતકાર્યોમાં પ્રવૃત્ત રહેવું.’ ‘માતા-પિતા બાળકોના જન્મ-ઉછેર માટે જે કષ્ટ-ક્લેશ સહે છે તેનો સેંકડો વર્ષે પણ બદલો વાળી શકાતો નથી. તે માતા-પિતા તથા આચાર્યનું સર્વકાળે પ્રિય કરવું, કેમ કે એ ત્રણેય સંતુષ્ટ થાય છે તો જ સર્વ તપનું ફળ સારી રીતે પામી શકાય છે.’

પ્રવીણચંદ્ર પરીખ