બ્રહ્મચર્ય : બ્રહ્મનો સાક્ષાત્કાર કરવા માટેનું વ્રત. ધર્મશાસ્ત્ર મુજબ વેદનો અભ્યાસ કરનારે સ્ત્રીસંગ વગેરેથી દૂર રહેવા માટે પાળવાના નિયમો. ભારતીય વેદાભ્યાસીની સંયમથી જીવવાની રીત અનુસાર તેણે સ્ત્રીસંગ વગેરેથી દૂર રહેવાના નિયમોનું પાલન કરવું પડે છે. બ્રહ્મચર્ય એટલે શરીર, મન અને વાણી દ્વારા વેદ કે ઈશ્વરની સેવા કરવી એવી વ્યાખ્યા મહાભારતના શાંતિપર્વના 192/24 પરની ટીકામાં નીલકંઠે આપી છે. આ શબ્દનો રૂઢ અર્થ તો શરૂથી સ્ત્રીસંગથી સર્વથા દૂર રહેવું એ થાય છે અને ભારતીય ઉપખંડમાં હજારો વર્ષથી બ્રહ્મચર્ય વ્રત પાળનારા, ખાસ કરીને સવર્ણો કિંવા ‘દ્વિજો’માં સુલભ હતા. જ્યારથી ચાર આશ્રમની વ્યવસ્થા થઈ ત્યારથી જીવનકાલનાં અમુક વર્ષો શુદ્ધ સ્વરૂપમાં બ્રહ્મચર્ય પાળવાનું રૂઢ થઈ રહ્યું હતું. વૈદિક સમયમાં માણસની આયુની અંતિમ મર્યાદા સો વર્ષની ગણાતી હતી. સંધ્યા–વિધિ કરતી વેળા અમુક મંત્રો બોલીને બંને હાથ ઊંચા કરી બેઠે બેઠે યા ઊભા રહીને સૂર્યનું ઉપસ્થાન કરવામાં આવે છે, જેમાં ઇંદ્રના મુખમાં શબ્દો મૂકવામાં આવ્યા છે. ‘આપણે આંખથી સો વર્ષ જોતા રહીએ, સો વર્ષનું જીવન વિતાવીએ, સો વર્ષ સાંભળતા રહીએ. સો વર્ષ બોલતા રહીએ, આપણે સો વર્ષ બિચારા ન રહીએ.’ વૈદિક મંત્રથી અપાતા આશીર્વાદમાં પણ ‘સો શરદ જીવતા રહો’ની વાત છે. આ મંત્ર વૈદિક સમયમાં માણસની આવરદા સો વર્ષની હોવાનો ખ્યાલ આપે છે. સંસ્કારી પૂર્વજોએ જીવનનાં આ સો વર્ષોને 25-25ના ચાર તબક્કામાં અનુક્રમે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્તમાં ફાળવીને જીવન જીવવાનો પ્રક્રમ બાંધી આપ્યો હતો. આને ‘આશ્રમ’ એવી સંજ્ઞા આપવામાં આવેલી. આ ચારમાંનો પહેલો 25 વર્ષનો સમય એ બ્રહ્મચર્ય-આશ્રમ : આ પહેલા આશ્રમમાં બાળક જન્મતાં જાત-કર્મ-સંસ્કાર કરવામાં આવે છે. બીજો એની અંતર્ગત આવતો નામકરણ-સંસ્કાર છે. એક વર્ષ પૂરું થવા આવતાં બાળકને અન્ન-બોટણું કરાવાય અને દોઢ વર્ષ પૂરું થતાં તેનું ચૌલકર્મ થાય. પાંચમું વર્ષ આવતાં ‘અક્ષરારંભ’ અને પાંચથી 11 વર્ષ સુધીમાં યજ્ઞ-યાગાદિકર્મ કરવાની પાત્રતા માટે યજ્ઞોપવીત સંસ્કાર કરવાનો રહેતો. સામાન્ય અક્ષરજ્ઞાન અને અંકગણિત સાથે યજ્ઞોપવીત મળતાં બાળકને વૈદિક સંહિતાનાં સરળ સૂક્તો મુખપાઠ કરવાનું શીખવવામાં આવતું. વળી સંસ્કૃત ભાષાના વ્યાકરણનો આરંભ પણ ત્યારે કરાવવામાં આવતો. 25મું વર્ષ પૂર્ણ થવા આવે ત્યાં સુધી વિદ્વાનો અને ઋષિઓના આશ્રમોમાં સ્વાશ્રયી જીવન જીવતાં જીવતાં વિભિન્ન શાસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવતો. અહીં અધ્યયન-કાલ પૂરો થતો હતો. આ પછી પરગોત્રની 16થી 18 વર્ષની કન્યા સાથે લગ્ન-સંસ્કાર થતો. આમ 25 વર્ષનો બ્રહ્મચર્યાશ્રમ પૂરો થતો. પચીસ વર્ષ સુધીમાં શારીરિક સક્ષમતા સિદ્ધ કરવાને માટે સામાન્ય રીતે ચોક્કસ પ્રકારની કસરતો અને લશ્કરી તાલીમ પણ ફરજિયાત આપવામાં આવતી હતી. એ ખૂબ જાણીતું છે કે ધનુર્વેદ કિંવા લશ્કરી તાલીમ ફરજિયાત હતી. પોતાને અભીષ્ટ જુદી જુદી વિદ્યાઓ પણ 25મા વર્ષ સુધીમાં શીખવાની રહેતી હતી. પ્રાચીન કાળમાં માતૃભૂમિના રક્ષણની શક્તિ દરેક માનવને માટે મેળવવી અનિવાર્ય ગણાતી હતી. આ વિદ્યાઓ બ્રાહ્મણો–ઋષિઓ અન્ય દ્વિજ વર્ણને આપતા હતા.
બ્રહ્મચર્યનો ખ્યાલ સર્વપ્રથમ ઋગ્વેદ 10/109/5માં રજૂ થયેલો જોવા મળે છે. કૃષ્ણયજુર્વેદમાં બ્રહ્મચર્યનો મહિમા વર્ણવતાં કહ્યું છે કે બ્રહ્મચર્ય પાળવાથી મનુષ્યનાં ત્રણ ઋણોમાંનું ઋષિઋણ દૂર થાય છે. અથર્વવેદમાં બ્રહ્મચર્યના નિયમો રજૂ થયા છે. બ્રહ્મચર્ય પાળવા માટે તપ અને શ્રમ આવશ્યક છે. વળી તે પાળનારે કેડે કંદોરો અને હાથમાં યજ્ઞમાં હોમવાની સમિધો રાખવી જોઈએ. તૈત્તિરીય ઉપનિષદમાં બ્રહ્મચર્ય પાળનારે પોતાનું ઘર છોડી ગુરુને ઘેર રહી વેદાભ્યાસ કરવો અને ગુરુના ઘરનાં કાર્યો કરવાં જરૂરી હોવાનું કહ્યું છે. ગુરુકુળનાં પશુઓનું રક્ષણ પણ બ્રહ્મચારીનું કર્તવ્ય હોવાની વાત ‘શતપથબ્રાહ્મણ’માં કરવામાં આવી છે. ‘ગોપથબ્રાહ્મણ’ મુજબ સમિધો એકત્ર કરવી અને ભિક્ષા ઉઘરાવીને નિર્વાહ કરવો એ બ્રહ્મચારીનું કર્તવ્ય છે. ધર્મશાસ્ત્ર અનુસાર બ્રહ્મચર્યપાલન માટે તપશ્ચર્યા, ઇન્દ્રિયનિગ્રહ, સ્નાનશુદ્ધિ, દેવો પિતૃઓ ને ઋષિઓનું તર્પણ, દેવપૂજન અને સમિધાહરણ કર્તવ્યરૂપ છે. વળી માધુકરી, શિરોમુંડન, બે સાદાં વસ્ત્રોનું પરિધાન, મુંજમેખલા, કમંડળ, મૃગચર્મ અને યજ્ઞોપવીતનું ધારણ પણ બ્રહ્મચારી માટે આવશ્યક લેખાયાં છે. તેના માટે મદ્યપાન ને રસપાન, માંસાહાર; અભ્યંગસ્નાન; કાજળ, પુષ્પમાળા જેવાં પ્રસાધનો તેમજ ખાટા અને સુગંધિત પદાર્થોનું સેવન; નૃત્યદર્શન ગીતશ્રવણ; વાદન; દ્યૂત; છત્ર ને ઉપાનહાદિનો ઉપયોગ; સ્ત્રીઓનું દર્શન અને તેમનો સંપર્ક; નિરર્થક વાતચીત જેવી બાબતો નિષિદ્ધ લેખાઈ છે. જીવહિંસા, કામ, ક્રોધ, લોભ, નિંદા, અસત્ય ને અપકારથી બ્રહ્મચારીએ દૂર જ રહેવું અનિવાર્ય લેખાયું છે.
મહાભારતમાં બ્રહ્મચર્યનાં ચાર પાદ ગણાવ્યાં છે : પ્રથમ પાદમાં ગુરુશુશ્રૂષા, વેદાભ્યાસ કરવા ઉપરાંત ક્રોધ અને અભિમાનનો ત્યાગ કરવાનો રહે છે. બીજા પાદમાં ગુરુનાં કાર્યોમાં સહભાગી થઈ સેવા કરવી; ગુરુની પત્ની અને તેમના પુત્રની યોગ્ય સેવા કરવી – એ બેનો સમાવેશ છે. ત્રીજા પાદમાં ગુરુની કૃપા યાદ કરી તેમનામાં શ્રદ્ધા રાખવી એ વાતનો સમાવેશ છે. જ્યારે ચોથા પાદમાં વિનયથી ગુરુને ભક્તિભર્યા હૃદયે દક્ષિણા આપવાની વાત કહેલી છે. બ્રહ્મચર્યનાં મહાનામ્ની, મહાવ્રત, ઉપનિષદવ્રત અને ગોદાન – એ ચાર વ્રતોની વાત ગૃહ્યસૂત્રોમાં છે. આ વ્રતો એક એક વર્ષ સુધી ચાલે છે. શાંખાયન ગૃહ્યસૂત્રમાં શુક્રિય, શાકવર, વ્રાતિક અને ઔપનિષદ – એવાં ચાર વ્રતોની ચર્ચા કરવામાં આવી છે. આ વેદવ્રતમાં ભંગ થાય તો 3, 6 કે 12 વાર પ્રાજાપત્ય પ્રાયશ્ચિત્ત કરીને ફરીથી વ્રતો શરૂ કરવામાં આવે છે. આખી જિંદગી જે બ્રહ્મચર્ય પાળે તે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય અને 12 વર્ષ સુધી જ પાળી પછી સમાવર્તન-સંસ્કાર કરી ગૃહસ્થ બને તેને ઉપકુર્વાણક બ્રહ્મચારી કહેવાય. બ્રહ્મચર્યના નિયમો ન પાળનારને પ્રાયશ્ચિત્તો કરવાં પડે છે. બ્રહ્મચર્યના પાલનથી આત્મતૃપ્તિ ઉપરાંત નિર્ભયતા તથા આનંદ અને બ્રહ્મલોકમાં મોક્ષ પ્રાપ્ત થાય છે.
બ્રહ્મચર્યનો મહિમા બૌદ્ધ, જૈન વગેરે અન્ય ધર્મોમાં પણ સ્વીકારવામાં આવ્યો છે.
કે. કા. શાસ્ત્રી
પ્ર. ઉ. શાસ્ત્રી