બ્યૂટિરિક ઍસિડ (બ્યૂટેનોઇક ઍસિડ, ઇથાઇલ ઍસેટિક ઍસિડ, પ્રોપાઇલ ફૉર્મિક ઍસિડ) : પ્રાણીજ ચરબી અને વનસ્પતિજ તેલોમાં ઍસ્ટર રૂપે મળી આવતો એલિફેટિક શ્રેણીનો સંતૃપ્ત ઍસિડ. બંધારણીય સૂત્ર CH3CH2CH2COOH. માખણમાં ગ્લિસેરાઇડ તરીકે તેનું પ્રમાણ 3 %થી 4 % જેટલું હોય છે. ખોરા (બગડી ગયેલા) માખણની અણગમતી વાસ એ આ ગ્લિસેરાઇડના જળવિભાજનથી ઉદભવતા બ્યૂટિરિક ઍસિડની હોય છે. માનવીના પરસેવામાં પણ આ ઍસિડના ઍસ્ટર હોય છે.

તે રંગવિહીન, તીવ્ર (penetrating) અને ત્રાસદાયક (obnoxious) વાસવાળું, જ્વલનશીલ પ્રવાહી છે. પાણી, આલ્કોહૉલ, ઇથર અને અન્ય કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. ત્વચા અને પેશીઓ (tissues) માટે તે દાહક (irritant) છે. તેની ઘનતા, 0.9583 (20/4 સે.); ગ. બિં., –5°થી –8° સે.; ઉ. બિં. 163.5° સે. (757 મિમી.), 75° સે. (25 મિમી.) છે. તેનો આઇસોબ્યૂટિરિક ઍસિડ (CH3)2 CH COOH, નામનો સમઘટક મુક્ત સ્વરૂપે તેમજ કેટલાંક છોડવાંના તેલમાં ઇથાઇલ ઍસ્ટર તરીકે મળી આવે છે. તે રંગવિહીન –46.1° સે. ગ. બિં. અને 154.4° સે. ઉ. બિં. ધરાવતું પ્રવાહી છે. તેની ઘનતા 0.0946 – 0.950 (20/20 સે.) છે. જોકે વ્યાપારી ર્દષ્ટિએ આ સમઘટક ઉપયોગી નથી.

બ્યૂટિરાલ્ડિહાઇડના હવા વડે ઉપચયન દ્વારા બ્યૂટિરિક ઍસિડ બનાવવામાં આવે છે. ગોળની રસી (molasses) અથવા સ્ટાર્ચના આથવણ દ્વારા કે હાઇડ્રૉકાર્બન-સંશ્લેષણમાં ઉપપેદાશ રૂપે પણ તે મળે છે.

બ્યૂટિરિક ઍસિડ વ્યાપારિક ર્દષ્ટિએ ઉપયોગી છે. અત્તર અને સોડમકારક દ્રવ્યો માટે વપરાતા બ્યૂટિરેટ ઍસ્ટરો બનાવવા તે કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત ઔષધિઓમાં, ચામડા ઉપરથી ચૂનાને દૂર કરવા (deliming) માટે, ચેપનાશકોની બનાવટમાં, પાયસીકારકોમાં તથા ગૅસોલીનમાંથી હાનિકારક દ્રવ્યો દૂર કરવામાં પણ તે વપરાય છે.

પ્રહલાદ બે. પટેલ