બ્યૂટાડાઇઈન : C4H6 અણુસૂત્ર ધરાવતા બે એલિફેટિક હાઇડ્રૉકાર્બન સંયોજનો પૈકીનું ગમે તે એક. જોકે સામાન્ય રીતે આ શબ્દ સંશ્લેષિત રબરમાંના મુખ્ય ઘટક 1, 3 – બ્યૂટાડાઇઈન (બ્યૂટા – 1, 3 – ડાઇઇન, વિનાઇલ ઇથીલિન, એરિથ્રિન કે ડાઇવિનાઇલ) માટે વપરાય છે. તેનું બંધારણીય સૂત્ર CH2 = CH – CH = CH2 છે (C = કાર્બન). આમ તે સંયુગ્મી (conjugated) ડાઇઈન ( – C = C – C = C – ) સંયોજનોની શ્રેણીનો સૌથી સરળ સંયોજન છે. તેમાં એકાંતરે દ્વિબંધ હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેનું સૌપ્રથમ ઉત્પાદન જર્મનીમાં ઍસિટિલીનમાંથી કરવામાં આવેલું. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે અમેરિકામાં પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મળતા બ્યૂટીનમાંથી 60 % જેટલા બ્યૂટાડાઇઈનનું ઉત્પાદન કરવામાં આવેલું. બાકીનું ઇથાઇલ આલ્કોહૉલમાંથી મેળવવામાં આવેલું.
નેપ્થાનું વરાળ વડે વિભંજન કરીને અથવા n–બ્યૂટીનનું ઉદ્દીપકીય (catalytic) કે ઉપચયી (oxidative) વિહાઇડ્રોજનીકરણ (dehydrogenation) કરીને બ્યૂટાડાઇઈન મેળવવામાં આવે છે.
(i) બ્યૂટીનનું ઊંચા તાપમાને ઉદ્દીપકીય વિહાઇડ્રોજનીકરણ કરવા માટે બ્યૂટીન-સંયોજનોના મિશ્રણને 600° સે. તાપમાન સુધી ગરમ કરી તેને વરાળ સાથે 700° સે. તાપમાને મિશ્ર કરી, મિશ્રણને Ca – Ni – ફૉસ્ફેટ (Ca = કૅલ્શિયમ; Ni = નિકલ) ઉદ્દીપક ઉપરથી પસાર કરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે સંપર્ક-સમય 0.2 સેકંડ જેટલો રાખવામાં આવે છે. વરાળના કારણે બ્યૂટીનનું આંશિક દબાણ તેમજ તેની બહુલીકરણક્રિયા ઘટે છે. તદુપરાંત ઉદ્દીપક ઉપર એકઠા થતા કાર્બન સાથે વરાળની પ્રક્રિયા થવાથી ઉદ્દીપકનું પુનરુત્પાદન (regeneration) કરવાની જરૂર પડતી નથી.
અરૂપાંતરિત બ્યૂટીન (અને બ્યૂટેનને) બ્યૂટાડાઇઈનમાંથી દ્રાવક–નિષ્કર્ષણ ક્રિયા વડે અલગ પાડવામાં આવે છે.
(2) બ્યૂટેનનું ઉદ્દીપકીય વિહાઇડ્રોજનીકરણ કરવા માટે બ્યૂટેનને ઍલ્યુમિના ઉપર રાખેલા ગરમ Cr2O3 ઉપરથી પસાર કરવામાં આવે છે. તાપમાન ઊંચું અને સંપર્ક-સમય ઓછો રાખવામાં આવે છે. દબાણ નીચું રાખવાથી બ્યૂટાડાઇઈનનું પ્રમાણ વધે છે.
ગુણધર્મો : બ્યૂટાડાઇઈન રંગવિહીન, સાધારણ ઍરોમૅટિક વાસવાળો, સરળતાથી પ્રવાહીમાં ફેરવી શકાય તેવો જ્વલનશીલ વાયુ છે. તે આલ્કોહૉલ અને ઇથરમાં દ્રાવ્ય પણ પાણીમાં અદ્રાવ્ય છે. તેનું ગ. બિં. –108.9° સે., ઉ. બિં. – 4.41° સે. અને ઘનતા (પ્રવાહી, 20° સે.) 0.6211 છે. તે કૅન્સરકારક હોવાનો સંદેહ છે. તે બે દ્વિબંધ ધરાવતો હોઈ સક્રિય પદાર્થ છે અને ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ આપતો હોઈ અગત્યનો કાચો માલ છે.
ઑક્સિજનની હાજરીમાં તે ઝડપથી બહુલકીકરણ પામે છે. આથી વહાણ દ્વારા પરિવહન તેમજ સંગ્રહ દરમિયાન તેમાં નિરોધકો (inhibitors) ઉમેરવામાં આવે છે. ઉદ્દીપકોની હાજરીમાં બ્યૂટાડાઇઈન અણુઓ અંદરોઅંદર અથવા એક્રિલોનાઇટ્રાઇલ કે સ્ટાયરીન જેવા સક્રિય અણુઓ સાથે જોડાઈ રબર જેવા પ્રત્યાસ્થ (elastic) દ્રવ્યો આપે છે. ઉદ્દીપક વાપરવામાં ન આવ્યો હોય તેવા સંજોગોમાં મલેઇક એન્હાઇડ્રાઇડ જેવાં સક્રિય અસંતૃપ્ત સંયોજનો સાથે તે ડીલ્સ-આલ્ડર પ્રક્રિયા અનુભવે છે અને સાઇક્લોહેક્ઝીન વ્યુત્પન્નો આપે છે.
સામાન્ય ઑલિફિન સંયોજનો સાથે પ્રક્રિયા કરતાં અનેક પદાર્થો સાથે તે પ્રક્રિયા કરે છે. ઘણી વાર આમાં બંને દ્વિબંધ ભાગ લે છે; દા.ત., ક્લોરિન સાથે તે 3, 4 – ડાઇક્લૉરો–1–બ્યૂટીન અને 1, 4 – ડાઇક્લૉરો–2–બ્યૂટીન આપે છે.
ઉપયોગ : બ્યૂટાડાઇઈન અગત્યનું પેટ્રોરસાયણ છે. બહુલકીકરણ (બહુલીકરણ) (polymerization) પ્રક્રિયામાં તે એકલક તરીકે વપરાય છે. સોડિયમ ધાતુની અસરથી તે ઝડપથી બહુલકીકરણ પામી, બ્યૂના નામે ઓળખાતો, રબરની અવેજીમાં વાપરી શકાય તેવો પદાર્થ આપે છે. તેમાંથી સ્ટાયરીન બ્યૂટાડાઇઈન (SBR) સહબહુલક તથા એક્રિલોનાઇટ્રાઇલ–બ્યૂટાડાઇઈન સહબહુલક(NBR) જેવી, રબર જેવી પેદાશો મેળવી શકાય છે. આવા સંશ્લેષિત પ્રત્યાસ્થકો(elastomers)માં સ્ટાયરીન – બ્યૂટાડાઇઈન, એક્રિલોનાઇટ્રાઇલ – બ્યૂટાડાઇઈન, પૉલિબ્યૂટાડાઇઈન, નિયોપ્રીન, ABS રેઝિન વગેરેનો સમાવેશ થાય છે. મોટરવાહનોના ટાયરમાં હવે કુદરતી રબરને બદલે બ્યૂટાડાઇઈન રબર વપરાય છે.
રાસાયણિક મધ્યસ્થી (intermediate) સંયોજન તરીકે પણ તે વપરાય છે.
પ્રહલાદ બે. પટેલ