બ્યુસાં, ફર્દિનાંદ ઍદવાર (જ. 20 ડિસેમ્બર 1841, પૅરિસ; અ. 16 ફેબ્રુઆરી 1932, થીલૉય સેન્ટ ઍન્ટૉની, ફ્રાન્સ) : ફ્રાન્સના કેળવણીકાર રાજદ્વારી નેતા તથા 1927ના નોબેલ શાંતિ પુરસ્કારના સહવિજેતા. નેપોલિયન ત્રીજાના સામ્રાજ્ય પ્રત્યે વફાદારીના સોગંદ લેવાની ના પાડતાં તેમને દેશવટો ભોગવવો પડ્યો હતો. 1866–70ના ગાળામાં સ્વિટ્ઝર્લૅન્ડમાં દર્શનશાસ્ત્રનું અધ્યાપન કર્યું અને ફ્રાન્સમાં નેપોલિયન ત્રીજાની સત્તાનું પતન થતાં તેઓ સ્વદેશ પાછા આવ્યા. 1879માં ફ્રાન્સમાં પ્રાથમિક શિક્ષણના નિયામક નિમાયા અને આ પદની રૂએ ફ્રાન્સમાં નિ:શુલ્ક, ફરજિયાત અને ધર્મનિરપેક્ષ શિક્ષણની હિમાયત કરી. દેશની શિક્ષણવ્યવસ્થામાં ધર્મના શિક્ષણને સ્થાન ન હોવું જોઈએ તેના આગ્રહી હોવાથી પ્રાથમિક શિક્ષણના નિયામકપદેથી તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. 1896–1902ના ગાળા દરમિયાન સોરબોન યુનિવર્સિટીમાં શિક્ષણશાસ્ત્રનું અધ્યાપન કર્યું. તે પૂર્વે 1882–93 દરમિયાન શિક્ષણશાસ્ત્રને લગતા શબ્દકોશનું સંપાદન કર્યું. 1902–14 અને 1919–24 આ બે કાર્યકાળ દરમિયાન ફ્રાન્સની ચેમ્બર ઑવ્ ડેપ્યુટીઝના તેઓ સભ્ય રહ્યા.
1867માં જિનીવા ખાતે યોજાયેલ વિશ્વસ્તરની પ્રથમ શાંતિ પરિષદમાં તેમણે ભાગ લીધો હતો અને તેમાં યુરોપના દેશોના સંઘની સ્થાપનાની જોરદાર હિમાયત કરી હતી. 1870–71 દરમિયાન યુદ્ધને કારણે અનાથ થયેલા ફ્રાન્સના નાગરિકો માટે તેમણે આશ્રયસ્થાનોની સ્થાપના કરી. 1898માં સ્થપાયેલ ‘લીગ ફૉર ધ રાઇટ્સ ઑવ્ મૅન’ના પ્રમુખ તરીકે તેમણે કરેલ કાર્ય માટે તથા ફ્રાન્સ અને જર્મની વચ્ચે સુલેહશાંતિ સ્થપાય તે માટે તેમણે કરેલ ભગીરથ પ્રયાસ માટે 1927ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે જર્મનીના લુડવિગ ક્વીડ (1858–1941) સાથે તેમની પસંદગી થઈ હતી.
પુષ્કર ગોકાણી