બ્યુરેટ : ભારાત્મક (માત્રાત્મક) પૃથક્કરણ(quantitative analysis)માં પ્રવાહી(અથવા વાયુ)નું મેય (measurable) કદ નિયંત્રિત રીતે લેવા માટે પ્રયોગશાળામાં ઉપયોગમાં લેવાતું ઉપકરણ. તે કાચની એક એવી લાંબી અને પોલી, અંકિત નળીની બનેલી હોય છે કે જેનો અંતર્વ્યાસ (bore) સમગ્ર અંકિત ભાગમાં એકસરખો હોય છે. તેનો એક છેડો સાંકડો હોય છે. આ ભાગમાં કાચની, ઝીણો વેધ ધરાવતી, ફરતા દાટાવાળી ચકલી (stopcock) બેસાડેલી હોય છે તથા છેડે બારીક ટોટી (jet) હોય છે. સસ્તી બ્યુરેટમાં મુખ્ય અંકિત ભાગ અને ટોટી વચ્ચે કાચની ચકલીને બદલે રબરની નળી જોડી તેના પર ધાતુની ક્લિપ લગાવેલી હોય છે. આ રચના દબાવરોધની (pinchcock) તરીકે કાર્ય કરે છે અને તેને દબાવવાથી જોઈતું પ્રવાહી બહાર કાઢી શકાય છે.

આકૃતિ 1

પ્રવાહી માટેની બ્યુરેટમાં ચકલી નીચેના ભાગમાં, જ્યારે વાયુ માટેની બ્યુરેટમાં તે ઉપરના ભાગમાં હોય છે. કાચના ફરતા દાટા પર સારી કક્ષાનું ગ્રીઝ લગાવવામાં આવે છે. હવે તો પડદાપ્રકારની (diaphram-type) પ્લાસ્ટિકની ચકલી મળે છે, જેમાં કાચનો મણકો હોય છે. તેને સામાન્ય બ્યુરેટને છેડે જોડી દેવાથી પ્રવાહીનો બહાર આવતો પ્રવાહ નિયંત્રિત કરી શકાય છે. આ પ્રકારની ચકલીનો ફાયદો એ છે કે (i) તેમાં ઊંજક દ્રવ્યની સામાન્ય રીતે જરૂર પડતી નથી; (ii) બ્યુરેટમાંનું પ્રવાહી ચકલીના આંટાવાળા ભાગના સંપર્કમાં આવતું ન હોવાથી તે ચોંટી જતી નથી; (iii) ચકલીના ઘસેલા કાચની બે સપાટી વચ્ચે સંપર્ક થતો નથી; અને (iv) બ્યુરેટ અને ચકલી સહેલાઈથી બદલી શકાય છે. પૉલિટેટ્રાફ્લોરોઇથિલીન અથવા ટેફલોન(PTFE અથવા Teflon)ની ચકલી પણ હવે મળે છે, જેમાં ઊંજકની જરૂર પડતી નથી.

કાચનાં અન્ય પાત્રોની માફક બ્યુરેટ પણ વર્ગ A અને વર્ગ B વિનિર્દેશ(specification)ની મળે છે. વર્ગ A પ્રકારની બ્યુરેટ માટે સહ્યતા (tolerances) સામાન્ય રીતે નીચે પ્રમાણે હોય છે :

B વર્ગ માટે સહ્યતામૂલ્યો બમણાં હોય છે.

સામાન્ય રીતે પ્રયોગશાળામાં વપરાતી બ્યુરેટ 50 મિલી. ધારિતા(capacity)ની હોય છે અને તેમાં 0.1 મિલી કદના કાપા હોય છે. 10 મિલી અથવા તેથી ઓછા માપની બ્યુરેટને માઇક્રોબ્યુરેટ કહે છે અને તેના વડે પ્રવાહીનું 0.02 મિલી. અથવા 0.01 મિલી. જેટલું કદ માપી શકાય છે. બ્યુરેટ ઉપર તાપમાન પણ દર્શાવેલું હોય છે; દા.ત., 20° સે. આનો અર્થ એ થાય કે બ્યુરેટ ઉપર જે આંકડા દર્શાવ્યા છે તે 20° સે. માટેના કદના છે. (તાપમાન સાથે કદ બદલાતું હોવાથી આમ કરવામાં આવે છે.) જોકે સામાન્ય પ્રયોગમાં આની ખાસ નોંધ લેવામાં આવતી નથી.

જ્યાં વધુ ચોકસાઈની જરૂર હોય, પ્રવાહીનો જથ્થો વજનથી લેવાનો હોય, ત્યાં વજન-બ્યુરેટ (weight-burette)નો ઉપયોગ કરવામાં આવે છે.

આકૃતિ 2

આવી બ્યુરેટ વાપરવાથી મળતો અનુમાપાંક (titre) બ્યુરેટના વજનમાં પડતી ઘટને અનુલક્ષીને મળે છે. અજલીય અથવા શ્યાન (viscous) પ્રવાહી માટે તે ઉપયોગી હોય છે.

ચોકસાઈપૂર્વકના પ્રાયોગિક કાર્ય માટે બ્યુરેટનું અંશાંકન (calibration) જરૂરી બને છે. આમ કરતાં પહેલાં બ્યુરેટને તેમાંથી પ્રવાહી ચૂએ છે કે કેમ તથા તેમાંથી પ્રવાહીનો નિષ્કાસ માટેનો સમય (delivery-time) સંતોષકારક છે કે કેમ તે ચકાસી જોવામાં આવે છે. આ બે કસોટીમાં બ્યુરેટ પાર ઊતરે તે પછી તેમાં પ્રયોગશાળાના તાપમાને (સામાન્યત: 20° સે.એ) રહેલું નિસ્યંદિત પાણી ભરવામાં આવે છે અને તેને શૂન્યના કાપા ઉપર લાવવામાં આવે છે. ત્યારબાદ બ્યુરેટમાંથી ચોક્કસ કદના (1, 2, 3, …….. મિલી.) પ્રવાહીને અગાઉથી વજન કરી તૈયાર રાખેલા કાચના બૂચવાળા શુષ્ક ચંબુમાં લેવામાં આવે છે અને તેનું વજન કરવામાં આવે છે. તાપમાન અને પાણીની ઘનતા પરથી પાણીનું કદ ગણી બ્યુરેટના કયા કયા આંકા વચ્ચે કેટલું પ્રવાહી સમાય છે તે નક્કી કરવામાં આવે છે અને આ કદને પ્રયોગ માટે લક્ષમાં લેવામાં આવે છે. વાપરવામાં અનુકૂળતા રહે તે માટે બ્યુરેટનો અંશાંકન-આલેખ દોરવામાં આવે છે. ઝડપી કાર્ય માટે અને સામાન્ય ચોકસાઈ માટે એક પ્રમાણિત બ્યુરેટને માન્ય ગણી તેની સાથે અન્ય બ્યુરેટની સરખામણી કરી શકાય છે.

દટ્ટા(piston)વાળી બ્યુરેટ પણ આવે છે, જેમાં બહાર આવતું પ્રવાહી નળીમાં ચુસ્ત રીતે બંધબેસતા નિમજ્જક (plunger) દ્વારા નિયંત્રિત થાય છે. દટ્ટો મોટરચાલિત હોય અને અનુમાપનનાં પરિણામો આલેખવાનાં હોય ત્યારે આવા પ્રકારનાં ઉપકરણો ઉપયોગી નીવડે છે. બ્યુરેટ વડે ચોક્કસ કદ માપી શકાતું હોવાથી તેના દ્વારા થતાં અનુમાપન-(titration) પૃથક્કરણને કદમાપક (volumetric) અનુમાપન પૃથક્કરણ કહે છે. બ્યુરેટમાંના શૂન્ય આંક સુધી પ્રવાહી ભર્યા પછી આંખની સામે સીધી સપાટીમાં તે આંકને રાખી પ્રવાહીની સપાટી ગોઠવવામાં આવે છે. જો રંગવિહીન દ્રાવણો હોય તો તેમની નીચલી સપાટી અને રંગીન દ્રાવણો હોય તો તેમના માટે તથા પારા માટે ઉપલી સપાટી નોંધવામાં આવે છે. આમાંની કોઈ એક યોગ્ય પદ્ધતિ (દ્રાવણ મુજબ) રાખી અનુમાપન દરમિયાન દર વખતે સપાટીને આંખની સીધમાં રાખી કદનો આંક જોવામાં આવે છે. આથી કદનો તફાવત ચોક્કસ મેળવી શકાય છે. વાયુનાં કદ માપવા માટે વપરાતી બ્યુરેટને ગૅસ-બ્યુરેટ કહે છે. બ્યુરેટને પ્રયોગકાર્ય કરતાં પહેલાં પાણીથી અને ત્યારબાદ તેમાં ભરવાના દ્રાવણ વડે વીછળવામાં આવે છે.

ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ