બ્યૂકનાન, જેમ્સ (જ. 1791, સ્ટોનીબૅટર, પૅન્સિલવૅનિયા; અ. 1868) : અમેરિકાના પંદરમા પ્રમુખ (1857–61). તેમણે ડિકિન્સન કૉલેજ ખાતે અભ્યાસ કર્યો અને 1812માં ‘બાર’માં તેમને પ્રવેશ મળ્યો. 1848માં તેઓ ‘સેક્રેટરી ઑવ્ સ્ટેટ’ તરીકે નિમાયા અને એ દરમિયાન તેઓ ઑરેગૉનની સીમાનો વિવાદ ઉકેલવામાં સફળ થયા. ડેમૉક્રૅટિક પક્ષ તરફથી નૉમિનૅશન થતાં તેઓ 1856માં પ્રમુખપદે ચૂંટાયા; તેમના શાસનકાળ દરમિયાન ગુલામીની પ્રથાનો પ્રશ્ન મોખરે રહ્યો. કાન્સાસને ‘સ્લૅવ સ્ટૅટ’ રૂપે સ્થાપવાના પ્રયાસોને તેમણે સંપૂર્ણપણે ટેકો આપ્યો. 1861માં નિવૃત્તિ બાદ જાહેર કાર્યોથી તેઓ અલિપ્ત થઈને રહ્યા.

મહેશ ચોક્સી