બ્યર્સન, બ્યર્સ્ટન (માર્ટિનિયસ) (જ. 1832, ક્વિકને, નૉર્વે; અ. 1910) : નૉર્વેના લેખક અને રાજકારણી. તેમણે ઑસ્લો તથા કૅપનહેગન ખાતે અભ્યાસ કર્યો હતો. તેમણે વૈવિધ્યપૂર્ણ અને રસપ્રદ વિષયો અંગે નાટકો અને નવલકથાઓ લખ્યાં.
તેઓ ઉદારમતવાદી વલણના આજીવન પુરસ્કર્તા બની રહ્યા. તેઓ જોશીલા દેશભક્ત હતા. નૉર્વેની રંગભૂમિને તેઓ ડૅનિશ પ્રભાવથી મુક્ત કરવા ઝંખતા હતા અને તે માટે તેમણે અવિરત કોશિશ કરી. નૉર્વેજિયન ભાષાને સાહિત્યિક ભાષા બનાવવા તેમણે નિરંતર પુરુષાર્થ કર્યો.
તેઓ નૉર્વેના રાષ્ટ્રીય શાયરનું નામાભિધાન પામ્યા હતા. ‘યસ વી લવ ધિસ લૅન્ડ ઑવ્ અવર્સ’ (1870) – એ નામનું તેમનું ગીત દેશનું રાષ્ટ્રગીત બની રહ્યું. તેમની અન્ય રચનાઓમાં ‘ધ ફિશર ગર્લ’ (1868), ‘આર્નલોટ જેલિન’ સમું મહાકાવ્ય (1870) અને તેમનું સૌથી મહાન નાટક ‘બિયૉન્ડ અવર પાવર, બિયૉન્ડ હ્યુમન માઇટ’ (1883) ઉલ્લેખપાત્ર છે.
1903માં તેમને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવેલું.
મહેશ ચોકસી