બોવી, ભિમન્ના (જ. 1911, રાજોલ, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. ગરીબ અને હરિજન પરિવારમાં એમનો જન્મ થયો હોવાને લીધે, એમને ડગલે ને પગલે વિટંબણા ભોગવવી પડેલી. કિશોરાવસ્થામાં એમણે કાવ્યલેખન શરૂ કરેલું. એમના પિતાની ઇચ્છા હતી કે એ મહાભારતની રચના કરે, પણ એમની ઇચ્છા પૂરી થઈ નહિ. એમણે જાતે જ પિંગળ શીખી લીધું. એમણે કોનારસીમા ગામની શાળામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું અને કોકીનાડા કૉલેજમાં ભણી ત્યાંથી જ બી.એ.ની પરીક્ષા પાસ કરી. કૉલેજમાં ભણતા હતા ત્યારે કૉલેજમાં બ્રહ્મોસમાજની પ્રાર્થનામાં ભાગ લેવાની ના પાડી. એથી છાત્રાલયમાંથી એમને કાઢી મૂકવામાં આવેલા.
બી.એ. થઈને ‘જનવાણી’ સમાચાર-પત્રમાં એમણે કારકુનની નોકરી લીધી અને નોકરી કરતાં કરતાં એ દૈનિકમાં ‘જનપદોની જાબુલુ’(ગ્રામાંચલના પત્રો)ની લેખમાળા હપતાવાર લખી, જેમાં ગ્રામજીવનનાં વિવિધ પ્રસંગચિત્રો તથા રેખાચિત્રો આપવામાં આવતાં હતાં. એ લેખમાળા ઘણી લોકપ્રિય થઈ અને ‘પ્રજામિત્ર’ દૈનિકમાં ‘ઉપતંત્રી’નું પદ સંભાળવા નિમંત્રિત થયા. તે પછી મુમાંદીવરમમાં એમણે શિક્ષકની નોકરી લીધી. એ નોકરી કરતાં કરતાં એમણે ‘પલેરૂ’ નાટક લખ્યું. એ નાટક ભજવાયું. એમને નાટકકાર તરીકે પ્રસિદ્ધિ મળી. એમાં ખેતમજૂરના જીવનને, એની સમસ્યાને ર્દશ્યાંકિત કરી છે. એ નાટક ઠેર ઠેર ભજવાવા લાગ્યું. એમનું બીજું નાટક ‘કુલીરાજુ’ (મજૂરનેતા) પણ ઘણી વાર ભજવાયું. એણે એમને નાટ્યલેખક તરીકે સ્થાપિત કર્યા. તે પછી ‘આંધ્રપ્રતિભા’ દૈનિકના ઉપતંત્રીપદે એ જોડાયા. એ પછી આંધ્રની ઉપલી ધારાસભામાં તેઓ બે વાર પ્રસિદ્ધ લેખક તરીકે રાજ્યપાલ તરફથી નિયુક્ત થયા.
એમના 21 કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. તેમાં ‘મધુબાલા’ જેવાં પ્રકૃતિના સૌંદર્યની ઝાંખી કરાવતાં વસંતગીતો છે. ‘ભીમન્ના કાવ્ય કુસુમાલુ’માં વિવિધ પ્રકારનાં ઊર્મિકાવ્યો છે. ‘પરુષતા’માં ગ્રામીણ શ્રમજીવીના જીવનનાં વિવિધ પાસાંઓનું દર્શન છે. ‘રાગ વૈશાખી’માં વસન્તનો વૈભવ ગાયો છે. ‘શિવબાબુ’ પૌરાણિક પાત્રોનાં ચરિત્રકાવ્યો છે. 1975માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ તેલુગુ પુસ્તક માટેનો પુરસ્કાર એમના કવિતાસંગ્રહ ‘ગુઇડેનસેલુ કાલિપોટ્ટુનઇ’ માટે એમને મળ્યો હતો. એમનું નાટક ‘બાલયોગી’ આંધ્રના સંત બાલયોગીના જીવન પર આધારિત છે અને એ આંધ્રના ગ્રામીણ વિસ્તારમાં સંતની જન્મતિથિ વખતે ભજવાય છે.
એમણે વિવેચનગ્રંથો પણ આપ્યા છે. એમના ‘રસદ્વૈત’માં એમણે કાવ્યના રસસિદ્ધાંત અને શંકરાચાર્યના તત્વજ્ઞાનના સમન્વયથી કાવ્યવિવેચનની એક નવી દિશા ઉઘાડી છે. 1973માં એમની સાહિત્યસેવા માટે એમને ‘પદ્મશ્રી’નો ખિતાબ અપાયો હતો.
ચન્દ્રકાન્ત મહેતા