બોવે, ડૅનિયલ (Bovet, Danial) (જ. 23 માર્ચ 1907, ન્યૂ એટલ, સ્વિટ્ઝર્લૅન્ડ) : ઈ. સ. 1957ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે કેટલાંક સંશ્લેષિત સંયોજનોની શરીરમાંનાં રસાયણો પરની અસરો અને તેના દ્વારા નસો અને હલનચલનના સ્નાયુઓ પરની તેમની અસરો અંગે સંશોધનો કરીને આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. તેઓ સ્વિસ-ઇટાલિયન હતા અને અભ્યાસ અને વ્યવસાયથી ઔષધવિદ્ બન્યા હતા. તેમણે જિનીવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને 1929માં ડી.એસસી.ની ઉપાધિ મેળવી હતી. ત્યારબાદ તેઓ પૅરિસની પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા અને 1936માં ઉપચારલક્ષી રસાયણવિદ્યાની પ્રયોગશાળાના વડા બન્યા. પૅરિસમાં તેઓ સલ્ફાનિલેમાઇડ નામની જીવાણુઓ સામે કાર્ય કરતી દવાની શોધ કરનારી ટુકડીના સભ્ય હતા. તેમણે પ્રોન્ટોસિલ નામના એક પ્રતિજૈવ ઔષધમાંથી આ દવા શોધી કાઢી હતી. આ દવા સસ્તી અને પેટન્ટ વગરની હતી અને તેમાંથી બનતા વિવિધ વ્યુત્પત્તિકો(derivatives)નો ઉપયોગ સ્ટ્રેપ્ટોકૉકલ જીવાણુઓથી લાગતા ચેપની સારવાર કરવામાં થાય છે.

ડૅનિયલ બોવે

પાછળથી તેમણે કોષોમાંના હિસ્ટામીન નામના દ્રવ્યના કાર્યને અટકાવતાં રસાયણો શોધી કાઢ્યાં. તેમને હિસ્ટામીનરોધકો (antihistamines) કહે છે. હાલ આ રસાયણો વિષમોર્જા (allergy) અને સામાન્ય શરદી(common cold)ને કારણે ઉદભવતી તકલીફના શમન માટે ઘણા વ્યાપક ઉપયોગમાં લેવાય છે. તેમણે આદિવાસીઓ દ્વારા વપરાતા કુરારે નામના વાનસ્પતિક ઝેરમાંથી એક રસાયણ બનાવીને તેમાંથી શસ્ત્રક્રિયા દરમિયાન પેટના સ્નાયુઓને ઢીલા અથવા શિથિલ કરવા માટેનું ઉપયોગી ઔષધ વિકસાવ્યું છે. તેને સ્નાયુશિથિલક (muscle relaxant) કહે છે.

શિલીન નં. શુક્લ