બોલિવર, સાયમન (જ. 24 જુલાઈ 1783, કારકાસ, વેનેઝુએલા; અ. 17 ડિસેમ્બર 1830, સાંતા માર્તા પાસે, કોલંબિયા) : દક્ષિણ અમેરિકાનો એક મહાન સેનાપતિ અને રાજપુરુષ. કોલમ્બિયાનો (1821–1830) તથા પેરુનો (1823–1829) પ્રમુખ અને વાસ્તવમાં સરમુખત્યાર. તે બાળક હતો ત્યારે તેનાં માતાપિતા મૃત્યુ પામ્યાં અને તેને સમૃદ્ધ વારસો મળ્યો હતો. યુવાનીમાં તેણે યુરોપનો પ્રવાસ કર્યો અને સ્પેનમાં એક યુવતીને પરણ્યો. કારકાસ આવ્યા પછી એક વર્ષ થાય તે પહેલાં તે મૃત્યુ પામી. બોલિવરે પોતાના સ્વદેશ વેનેઝુએલાને સ્પેનની સત્તા હેઠળથી સ્વતંત્ર કરવા પ્રયાસ કર્યો. સ્પૅનિશ લોકો સામેના તેના વિજયો દ્વારા બોલિવિયા, કોલંબિયા, ઇક્વેડૉર, પેરુ અને વેનેઝુએલા સ્વતંત્ર થયા અને તે ‘મુક્તિદાતા’ કહેવાયો.

સાયમન બોલિવર

બોલિવર દેશભક્તોના એક જૂથમાં જોડાયો. આ જૂથે 1810માં કારકાસ કબજે કર્યું અને 1811માં સ્વતંત્ર સરકારની જાહેરાત કરી. મદદ મેળવવાના ઇરાદાથી તે ગ્રેટબ્રિટન ગયો; પરંતુ બ્રિટિશ સરકાર તટસ્થ રહેશે એટલું વચન માત્ર તે મેળવી શક્યો. વેનેઝુએલા પાછા ફરીને દેશભક્તોના દળનો તે સેનાપતિ બન્યો. સ્પૅનિયાર્ડોએ વેનેઝુએલાનો કબજો મેળવી લીધો હતો, તેથી 1813માં તેણે કારકાસ ફરી કબજે કર્યું અને પોતે દેશનો સરમુખત્યાર બન્યો. સ્પેનના લશ્કરે બોલિવરને વેનેઝુએલામાંથી પીછેહઠ કરીને જવાની ફરજ પાડી. તે ગયો તે પ્રદેશ પાછળથી કોલમ્બિયા તરીકે ઓળખાયો. તેણે 1814માં બોગોટા કબજે કર્યું. તેની પાસે માણસો તથા પુરવઠો અપૂરતા હોવાથી પરાજયો વેઠીને તેણે જમૈકા નાસી જવું પડ્યું. 1816માં તે લશ્કર સાથે વેનેઝુએલા ગયો અને અંગોસ્તુરા કબજે કરી, ત્યાં સરમુખત્યાર બન્યો. ઈ. સ. 1819માં દક્ષિણ તરફ કૂચ કરી, બોયોકામાં તેણે સ્પેનને પરાજય આપ્યો અને કોલમ્બિયા પ્રદેશ સ્વતંત્ર કર્યો. તે અંગોસ્તુરા પાછો ફર્યો અને ગ્રાન કોલમ્બિયાના પ્રજાસત્તાકની રચના કરનાર કૉંગ્રેસનો નેતા બન્યો. શરૂઆતમાં ગ્રાન કોલમ્બિયામાં હાલના કોલમ્બિયા તથા વેનેઝુએલા બંને દેશોનો સમાવેશ થતો હતો. આ પ્રજાસત્તાકમાં 1821માં પનામા તથા 1822માં ઇક્વેડૉર જોડાયાં. બોલિવર તેનો પ્રથમ પ્રમુખ બન્યો.

જૂન, 1821માં બોલિવરે વેનેઝુએલાના કોરાબોબોમાં સ્પેનના લશ્કરને સખત પરાજય આપ્યો. પછી તે ઇક્વેડૉરમાં કૂચ કરી ગયો અને તે પ્રદેશને કોલમ્બિયાના નવા પ્રજાસત્તાકમાં જોડી દીધો. બોલિવર 1824માં પેરુનો સરમુખત્યાર પણ બન્યો.

1824માં આયાકુચોમાં સ્પેનના લશ્કરને બોલિવરે હરાવીને દક્ષિણ અમેરિકામાં સ્પેનની સત્તાનો અંત આણ્યો. અપર પેરુ એક અલગ રાજ્ય બન્યું અને 1825માં બોલિવરના માનમાં તે દેશને બોલિવિયા નામ આપવામાં આવ્યું.

દક્ષિણ અમેરિકાનાં આ નવાં રાષ્ટ્રોનો સંઘ રચવાની તથા આ રાષ્ટ્રો અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ઘનિષ્ઠ સંબંધો બાંધવાની બોલિવરની મહેચ્છા હતી; પરંતુ આ ઉચ્ચ ભાવના ફળીભૂત થઈ નહિ. 1830 સુધીમાં ગ્રાન કોલમ્બિયાના પ્રજાસત્તાકનું કોલમ્બિયા (પનામા સહિત), ઇક્વેડૉર તથા વેનેઝુએલામાં વિભાજન થયું. વર્ષો સુધી સત્તા ભોગવ્યા પછી બોલિવર વિરુદ્ધ લોકલાગણીમાં ખૂબ વધારો થયો તથા બોગોટામાં તેની હત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો. તેથી તેણે 1830માં કોલમ્બિયાના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું.

જયકુમાર ર. શુક્લ