બૉલ, હેનરિશ (જ. 21 ડિસેમ્બર 1917, કૉલોન, જર્મની; અ. 1985) :  નામી લેખક અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી જર્મનીની વેદનાઓ આલેખનાર નોબેલવિજેતા નવલકથાકાર.

હેનરિશ બૉલ

1937માં હાઈસ્કૂલમાંથી સ્નાતક બન્યા બાદ બુકસેલર તરીકે કામ કર્યું. 1938થી શ્રમસેવામાં દાખલ થયા અને 6 વર્ષ સુધી જર્મન લશ્કરમાં સૈનિક તરીકે કામ કર્યું. યુદ્ધ બાદ કૉલોનમાં સ્થાયી થયા. તેમની પ્રારંભિક નવલો ‘ધ ટ્રેન વૉઝ ઑન ટાઇમ’ (1947) અને ‘વ્હેર હૅડ યૂ બીન આદમ’(1955)માં મૃત્યુ પહેલાંની સૈનિકોની કૃત્રિમ લાગણીઓ નિરૂપી છે. ‘ઍક્વેન્ટેડ વિથ ધ નાઇટ’ (1953), ‘ધી અનગાર્ડેડ હાઉસ’ (1954) અને ‘ધ બ્રેડ ઑવ્ અવર અર્લી યર્સ’ (1955) નામની તેમની નવલત્રયીમાં, નાઝી શાસનકાળ વખતનો અને તે પછીના જર્મનીના જીવનકાળનો સરસ ચિતાર આપ્યો છે. એ નવલત્રયીથી તેમને વિશ્વભરમાં ખ્યાતિ સાંપડેલી.

તેમની પાછળની નવલોમાં આધુનિક જર્મન સમાજની જીવનશૈલી પરત્વે લાક્ષણિક અને તીખા કટાક્ષો આલેખાયા છે. એમની જાણીતી નવલકથા તે ‘ધ લૉસ્ટ ઑનર ઑવ્ કૅથેરિન બ્લૂમ’ (1974).

તેમને 1972માં સાહિત્યનો નોબેલ પુરસ્કાર અપાયો હતો.

મહેશ ચોકસી