બોલિવિયન ઉચ્ચપ્રદેશ

January, 2001

બોલિવિયન ઉચ્ચપ્રદેશ : દક્ષિણ અમેરિકા ભૂમિખંડની પશ્ચિમ દિશામાં ઉત્તર-દક્ષિણ પથરાયેલી ઍન્ડીઝ ગિરિમાળામાં આવેલો આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ. તેને ‘ઑલ્ટિપ્લેનો’ (altiplano) – ઊંચાઈએ આવેલાં મેદાનો –પણ કહે છે. પેરુમાં લંબાયેલા આ ઉચ્ચપ્રદેશના થોડાક ભાગને બાદ કરતાં તેનો મોટાભાગનો વિસ્તાર બોલિવિયામાં આવેલો હોવાથી તેને બોલિવિયન ઉચ્ચપ્રદેશ નામ અપાયેલું છે. તેની ઉત્પત્તિ અને ઉત્થાન તૃતીય જીવયુગમાં ઍન્ડીઝ ગેડપર્વતમાળાની સાથે સાથે જ થયેલાં હોવાનું નિષ્ણાતો કહે છે. આ ઉચ્ચપ્રદેશ આશરે 15° દ. અ.થી 21° દ. અ. વચ્ચે વિસ્તરેલો છે તથા ઍન્ડીઝની ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી, ઊંચાં શિખરોવાળી, પૂર્વ અને પશ્ચિમની – એમ બે સમાંતર હારમાળાઓથી ઘેરાયેલો છે. અહીંનાં આજુબાજુ આવેલાં ઍન્ડીઝનાં શિખરો 6,000 મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવે છે અને કાયમી હિમાચ્છાદિત રહે છે. આ ઉચ્ચપ્રદેશની સરેરાશ ઊંચાઈ લગભગ 3,800 મીટર જેટલી છે.

ઉચ્ચપ્રદેશની આબોહવા ઠંડી અને શુષ્ક રહે છે. કેટલાક વેરાન પ્રદેશોને બાદ કરતાં બાકીના ભાગોમાં બરછટ ઘાસ, ઝાંખરાં અને થોર તથા છૂટાંછવાયાં વૃક્ષો જેવી મરુનિવાસી વનસ્પતિ જોવા મળે છે. વર્ષનો મોટાભાગનો વરસાદ ડિસેમ્બરથી માર્ચ(ઉનાળા)ના સમયગાળામાં પડી જાય છે, શિયાળામાં હિમ પડે છે. બોલિવિયાના પાટનગર લા પાઝ(સ્થાનિક ઊંચાઈ 3,632 મીટર)નું સરેરાશ વાર્ષિક તાપમાન 7° સે. અને સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 590 મિમી. જેટલું રહે છે. આટલા ઓછા વરસાદને લીધે ઉચ્ચપ્રદેશની સપાટી પર હંગામી અંત:સ્થ જળપરિવાહ તેમજ ખારા પાટના વિસ્તારોની રચના થયેલી છે. વળી આ ઉચ્ચપ્રદેશના ઉત્તર ભાગમાં બોલિવિયા–પેરુની સીમા વચ્ચે આશરે 3,815 મીટરની ઊંચાઈએ ટીટીકાકા નામનું વિશાળ સરોવર આવેલું છે. તે દુનિયાનું સૌથી વધુ ઊંચાઈ પર આવેલું સરોવર ગણાય છે. તે જળપરિવહન તથા મત્સ્ય-પ્રવૃત્તિ માટે ઉપયોગી બની રહેલું છે. આ ઉચ્ચપ્રદેશમાં આબોહવા-આધારિત ચીલાચાલુ સ્વાવલંબી ખેતી થાય છે; જોકે હમણાં અહીં સિંચાઈનો વિકાસ કરવામાં આવ્યો છે. બટાટા, જવ, મકાઈ તથા અન્ય દેશી કૃષિપાકોનું વાવેતર થાય છે, સાથે સાથે ઘેટાં-બકરાં, લામા, આલ્પાકા, ગ્વાનેકો, વિકુના વગેરે પ્રાણીઓનો ઉછેર પણ કરવામાં આવે છે.

ઉચ્ચપ્રદેશના દક્ષિણ ભાગમાં પોટોસી તથા ઓરુરો શહેરો ખાણ-ઉદ્યોગને કારણે વિકાસ પામ્યાં છે. અહીં કલાઈ, ઍન્ટિમની, ટંગસ્ટન, સીસું, જસત, તાંબું, બિસ્મથ, સોનું વગેરેનું ઉત્ખનન થાય છે. પાટનગર લા પાઝ, પોટોસી તથા ઓરુરો જેવાં શહેરો પાન અમેરિકન ધોરી માર્ગથી પડોશી દેશો સાથે સંકળાયેલાં રહે છે. ઉચ્ચપ્રદેશ-નિવાસી ઇન્ડિયનો હસ્તકારીગરીની ચીજવસ્તુઓ બનાવવાનું કૌશલ્ય ધરાવે છે. લા પાઝમાં રિફાઇનરી, પેટ્રો-કેમિકલ્સ, રાચરચીલું, કાપડ, સિમેન્ટ, પગરખાં, ખાદ્ય ચીજો, મોટરવાહન વગેરેને લગતા ઉદ્યોગોનો વિકાસ થયો છે, જ્યારે પોટોસી અને ઓરુરોમાં ખાણકાર્ય માટેનાં જરૂરી સાધનો અને ઉપકરણોને લગતા તેમજ ધાતુશુદ્ધીકરણ ઉદ્યોગો સ્થપાયા છે. અહીં જળવિદ્યુતની સુવિધા છે, તે ઉપરાંત ખનિજતેલ અને કુદરતી વાયુનો ઉપયોગ કરીને તાપવિદ્યુતનું ઉત્પાદન લેવાય છે.

પાટનગર લા પાઝને બાદ કરતાં ઉચ્ચપ્રદેશના અન્ય ભાગોમાં ઇન્ડિયન જાતિના લોકોનું પ્રમાણ વધુ છે. ઇન્કા સામ્રાજ્યના સમયથી તેમણે અહીં સ્થાયી વસવાટ કરેલો હોવાથી આ ઉચ્ચપ્રદેશ દેશનું રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક તથા અન્ય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનેલો છે. આમ છતાં છેલ્લા બે દાયકાથી આ પ્રદેશની વસ્તીનું પૂર્વનાં મેદાનો તથા ખીણપ્રદેશોમાં સ્થળાંતર થઈ રહ્યું છે. લા પાઝની વસ્તી 19 લાખ (1992) જેટલી છે, તે દેશનું સૌથી મોટું શહેર છે તથા દુનિયાભરમાં સૌથી વધુ ઊંચાઈ (3,632 મીટર) પર આવેલા પાટનગર તરીકે તે ખ્યાતિ ધરાવે છે. ઔદ્યોગિક મથક હોવા ઉપરાંત તે દેશની અનેકવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ છે. સુક્રે (Sucre) પણ દેશનું સત્તાવાર પાટનગર છે.

બીજલ પરમાર