બોનીફેસ-8 (જ. 1235, અનાગ્નિ, ઇટાલી; અ. 11 ઑક્ટોબર 1303, રોમ) : 1294થી 1303 સુધી રોમના પોપ. 1294માં પોપ તરીકે ચૂંટાયા પછી ફ્રાન્સના રાજા ફિલિપ 4થા સાથે તેમને ઘણી વાર મતભેદો અને ઘર્ષણો થયાં હતાં. બિશપને દોષિત ઠરાવી એમને સજા કરવાની સત્તા રાજાને છે કે નહિ એ અંગે તેમની અને ફિલિપ 4થા વચ્ચે તીવ્ર મતભેદો હતા. બંને વચ્ચે જે સંઘર્ષ ચાલ્યો એના પરિણામ રૂપે બધા જ રાજાઓ અને ખ્રિસ્તીઓ પર પોતાની સત્તા સ્થાપિત કરતો ‘ઉનમ સૅન્ક્ટમ’ (Unam sanctam) નામનો ધાર્મિક હુકમ પોપ બોનીફેસે બહાર પાડ્યો. એ હુકમમાં જણાવાયું હતું કે ‘ઈશ્વરના કોપમાંથી બચવા ઇચ્છતા બધા જ માનવોએ પોપની સત્તાને અધીન રહેવું જોઈએ’. ફિલિપે તેમના પર કેટલાક ગુનાઓના આરોપો મૂક્યા અને એમને પકડવા પોતાના સૈનિકો મોકલ્યા. ફિલિપ તેમને કેદ કરીને એમના પર કામ ચલાવવા ઇચ્છતો હતો. ફિલિપના સૈનિકોએ તેમને એમના જન્મસ્થાન ઇટાલીના અનાગ્નિ નામના સ્થળે કેદ કર્યા. આ આઘાતથી તેમની તબિયત બગડી અને તેમનું મૃત્યુ થયું.
બોનીફેસ પોપ બન્યા તે પૂર્વે તેમનું નામ બેનિડિક્ટ સિટાની હતું. એમણે કાયદાનો અભ્યાસ કર્યો હતો. એમને ધાર્મિક વહીવટનો લાંબો અનુભવ પણ હતો. એ વિદ્વાન હોવા છતાં ક્રોધી અને ક્રૂર હતા તથા કેટલીક વાર અવિચારીપણે ચુકાદા આપતા હતા.
મુગટલાલ પોપટલાલ બાવીસી