બૉનીનો, એમા (જ. 1949, તુરિન, ઇટાલી) : ઇટાલીનાં મહિલા રાજકારણી. તેમનો જન્મ ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. 28 વર્ષની વયે તેઓ સગર્ભા બન્યાં અને ગર્ભપાત કરાવવા વિચાર્યું, પણ ઇટાલીમાં તે વખતે ગર્ભપાત-વિરોધી કાયદો અમલમાં હતો.

ચોરીછૂપીથી ગેરકાયદે કરાવાતા ગર્ભપાતનાં સ્થળોની ગંદકીથી ખદબદતી અને રોગજનક દુર્દશા પ્રત્યે ધ્યાન દોરવા તેમણે પોતાના ગર્ભપાતની જાહેરાત કરી; આથી તેમને કેદ કરવામાં આવ્યાં.

તેના વિરોધમાં તેઓ ભૂખહડતાળ પર ઊતર્યાં; છેવટે તેઓ ગર્ભપાત-વિરોધી કાયદામાં ફેરફાર કરાવીને જ રહ્યાં. ત્યારપછી તેઓ એક રૅડિકલ પાર્ટીમાં જોડાયાં અને છૂટાછેડાનો કાયદો લાવવા માટે ઝુંબેશ ચલાવી અને તેમાં પણ સફળ થયાં.

1995માં તેઓ મત્સ્ય-ઉદ્યોગ, ગ્રાહકસેવા તથા માનવતાલક્ષી સહાય માટેનાં યુરોપિયન કમિશનર નિમાયાં.

મહેશ ચોકસી