બોટાદકર, દામોદર ખુશાલદાસ (જ. 27 નવેમ્બર 1870, બોટાદ; અ. 7 સપ્ટેમ્બર 1924) : જાણીતા ગુજરાતી કવિ. સાત વર્ષની ઉંમરે પિતાનું શિરચ્છત્ર ગુમાવ્યું. પરિણામે છ ધોરણથી વધુ અભ્યાસ કરી શક્યા નહિ. માસિક અઢી રૂપિયાના પગારથી પ્રાથમિક શિક્ષકની નોકરી શરૂ કરી. કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા અનેક વ્યવસાય પર હાથ અજમાવેલ. કવિતા લખવાની પ્રેરણા બાળપણથી જ થઈ હતી. 20 વર્ષ સુધીમાં ‘લાલસિંહ સાવિત્રી નાટક’, ‘રાસવર્ણન’, ‘ગોકુળગીતા’, ‘સુબોધ કાવ્યસંગ્રહ’ પ્રગટ થઈ ચૂક્યાં હતાં. 1893માં વેરાવળની હવેલીવાળા વૈષ્ણવ ગોસ્વામી મહારાજ શ્રીનૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. ત્યાં એક શાસ્ત્રી પાસે સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરવાની તક મળી. અંગ્રેજી કવિતાના સંસ્કારવાળી નવી શૈલીની કવિતા વાંચવાનો લાભ પણ મળ્યો. ‘અમરકોશ’ આખો મુખે કર્યો. ‘પુષ્ટિમાર્ગપ્રકાશ’નું તંત્રીપદ પણ સંભાળ્યું. ‘ચંદ્ર’ અને ‘બુદ્ધિપ્રકાશ’માં તેમની કાવ્યરચનાઓ પ્રસિદ્ધ થઈ. મુંબઈ-નિવાસે નવીન કવિતાના પ્રદેશમાં પ્રવેશ કરાવ્યો, પરંતુ દમનો વ્યાધિ લાગુ પડતાં મુંબઈ છોડવાની ફરજ પડી. 1907માં વતન પાછા આવી પુન: શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. આ જ અરસામાં ‘શાહ’ અટક તજી ‘બોટાદકર’ અટક ધારણ કરી.

દામોદર ખુશાલદાસ બોટાદકર

તેમણે કુલ 5 કાવ્યસંગ્રહો આપ્યા છે. ‘કલ્લોલિની’ (1913), ‘સ્રોતસ્વિની’ (1918), ‘નિર્ઝરિણી’ (1921), ‘રાસતરંગિણી’ (1923) તથા મરણોત્તર ‘શૈવલિની’ (1925). આ કવિએ પ્રણયભાવનાં વિવિધ સ્વરૂપોનું આલેખન ઉમળકાભેર કર્યું છે. વાત્સલ્ય, માતૃપ્રેમ, ભાઈ-બહેનનો પ્રેમ, દિયર-ભોજાઈનો પ્રેમ, દાંપત્ય, પતિભક્તિ, આતિથ્ય, સમર્પણ વગેરે ગૃહ-જીવનના – નારીજીવનના વિવિધ ભાવોને કોમળતાથી તળપદી ભૂમિકા પર, ગ્રામજીવનના પરિવેશમાં નિરૂપિત કર્યા છે. ‘રાસતરંગિણી’ના રાસોએ ગુજરાતણોને ખૂબ ઘેલું લગાડેલું. ‘અવસર’, ‘ઊર્મિલા’, ‘એભલ વાળો’ જેવાં ખંડકાવ્યો, ‘ઉષા’ અને ‘શત્રુંજય’ જેવાં પ્રકૃતિકાવ્યો; ‘માતૃગુંજન’ અને ‘ભાઈબીજ’ જેવા રાસ ગુજરાતી કવિતાને તેમનું વિશિષ્ટ અર્પણ છે. અન્યોક્તિ અને અર્થાન્તરન્યાસ તેમના પ્રિય અલંકારો છે. સંસ્કૃત અક્ષરમેળ વૃત્તો પર તેમનો પ્રશસ્ય કાબૂ છે. ગૃહ-જીવનનાં ઋજુમધુર સંવેદનયુક્ત કાવ્યો અને ભાવસમૃદ્ધ રાસોને કારણે ગુજરાતી કવિતામાં તેમનું પ્રદાન સ્મરણીય છે.

વીણા શેઠ