બોટાની બે : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના પૂર્વ કિનારે સિડનીથી દક્ષિણે 8થી 10 કિમી. અંતરે આવેલ પેસિફિક મહાસાગરનો ગોળાકાર ફાંટો. તેની ગોળાઈનો વ્યાસ 8 કિમી. જેટલો છે અને તેના પ્રવેશસ્થાન પર તે 1.6 કિમી. જેટલો પહોળો છે. અહીં જ્યૉર્જિસ નદીનું મુખ આવેલું છે.

યુરોપિયનોના ઉતરાણનું આ પ્રથમ સ્થળ ગણાય છે. ‘હિઝ મૅજેસ્ટી સર્વિસિઝ’ના નેજા હેઠળ કરવામાં આવેલાં દરિયાઈ સાહસોના એક ભાગ રૂપે જેમ્સ કુક આ બોટાની બેમાં પ્રવેશેલો. 1770ના એપ્રિલની 29મી તારીખે તે ત્યાંથી કર્નેલ ખાતે ઊતરેલો. કુક સાથેના સમુદ્રસફરી વનસ્પતિવિદ સર જોસેફ બૅંક્સે અભ્યાસ અર્થે અહીંના કિનારેથી ઘણા છોડ એકઠા કરેલા. કુકે બૅંક્સના આ કાર્યની કદર રૂપે અહીંના દરિયાઈ ફાંટાને બોટાની બે નામ આપેલું.

1779માં બૅંક્સે બોટાની બે ખાતે વસાહત સ્થાપવા માટે કરેલી ભલામણ સરકારે 1787માં સ્વીકારી. આ વસાહતના ગર્વનર તરીકે સરકારે આર્થર ફિલિપને પસંદ કરીને મોકલ્યો. 18 જાન્યુઆરી 1788ના રોજ તે અહીં આવી પહોંચ્યો, તેનાં બીજાં જહાજો બે દિવસ બાદ આવ્યાં. તે ઉત્તર કિનારે ઊતરીને પીવાના પાણીની ખોજ કરતો હતો ત્યાં તેને ત્યાંના મૂળ આદિવાસીઓને ભાલાઓથી હુમલો કરવાની પેરવીમાં હોવાનું જણાતાં, તેણે સમય પારખી કેટલાક કીમતી મણકા તેમને આપ્યા અને સંકેતોથી પાણી પીવાની ઇચ્છા દર્શાવી. આદિવાસીઓએ નજીકના ઝરણા તરફ જવા જણાવ્યું. ત્યારપછી ફિલિપને કાયમી વસવાટ માટે અહીં પંકભૂમિ અનુકૂળ ન જણાતાં, જાન્યુઆરીની 26મી તારીખે આજના સિડનીના સ્થળે ગયો.

આ જ ગાળામાં પછીના થોડા દિવસો બાદ ફ્રેન્ચ નૌકાસફરી ઝ્યાં ફ્રાંસ્વા લા પેરોઝ બોટાની બે ખાતે ઊતર્યો. તેનો સહયાત્રી પાદરી લૂઈ રીસેવિયર 17 ફેબ્રુઆરીના રોજ અહીં અવસાન પામ્યો. તેને ફ્રેન્ચમૅન્સ બે ખાતે દફનાવાયો. 1817માં ગવર્નર મૅકેરીએ અહીંના બૅર-ટાપુ અને હેન્રી હેડ ખાતે કિલ્લાઓ બાંધ્યા.

ખનિજતેલ-રિફાઇનરી તથા કિંગ્સફૉર્ડ સ્મિથ હવાઈ મથક બાંધવા માટેની જરૂરી સુવિધાઓ ઊભી કરવા માટે અહીંના કેટલાક પ્રતિકૂળ જળભાગને નવસાધ્ય કરી ભૂમિમાં ફેરવ્યા છે.

ગિરીશભાઈ પંડ્યા