બોઝ, સુભાષચંદ્ર (નેતાજી) (જ. 23 જાન્યુઆરી 1897, કટક, ઓરિસા; અ. 18 ઑગસ્ટ 1945, તાઇપેઇ, ફૉર્મોસા ?) : ભારતના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની. સુભાષચંદ્રનો જન્મ ધનિક પરિવારમાં થયો હતો. તેમના પિતા જાનકીનાથ બંગાળના ચોવીસ પરગણા જિલ્લાના મહાનગરના વતની અને કટકમાં સરકારી વકીલ હતા. માતા પ્રભાવતી રામકૃષ્ણ પરમહંસનાં ભક્ત હતાં. સરકારી અમલદાર હોવા છતાં એક મિશનરી સ્કૂલમાં ઇનામવિતરણ બાદ વિદ્યાર્થીઓને માતૃભૂમિની મુક્તિ માટે સાહસો ખેડવાનો, અન્યાયનો પ્રતિકાર કરવાનો તથા સ્વરાજ મેળવ્યા બાદ સુરાજ્ય માટે લડત આપવાનો બોધ જાનકીનાથે આપ્યો હતો. તેમનો નિર્ભીકતાનો ગુણ સુભાષને વારસામાં મળ્યો હતો. કટકની પી.ઇ. મિશનરી સ્કૂલમાં ભારતીયો પ્રત્યે ભેદભાવ થતો. તે અસહ્ય લાગવાથી તે શાળા છોડીને સુભાષચંદ્ર રેવનશા કૉલેજિયેટ સ્કૂલમાં દાખલ થયા. ત્યાંના હેડમાસ્ટર વેણીમાધવ દાસે સુભાષને પીડિતોની સેવા કરવાનો બોધ આપ્યો હતો. કટકમાં આ દરમિયાન કૉલેરાના રોગચાળાથી લોકો મોટી સંખ્યામાં મરવા લાગ્યા ત્યારે વેણીમાધવના પ્રભાવથી સુભાષબાબુએ સાથીઓની સહાયથી ગરીબ વિસ્તારોમાં ફરી દર્દીઓને દવાઓ વહેંચી અને ગંદા વિસ્તારો સાફ કરી આપ્યા.

સુભાષચંદ્ર બોઝ

તેમના મનમાં આધ્યાત્મિકતા અને દેશભક્તિ – આ બંને બાજુનું ખેંચાણ રહેતું. માતાના ધાર્મિક સંસ્કાર તેમને મળ્યા હતા અને વિવેકાનંદનાં પુસ્તકો તેમણે વાંચ્યાં હોવાથી આત્મજ્ઞાનની તીવ્ર ઇચ્છા જાગ્રત થઈ. તેથી ગુરુની શોધમાં ગૃહત્યાગ કરી, ધાર્મિક સ્થળોમાં સંતો અને યોગીઓને મળ્યા; પરંતુ સંતોષકારક ગુરુ ન મળવાથી છ મહિને પાછા ફર્યા.

વીસમી સદીના પ્રથમ દાયકામાં માતૃભૂમિની મુક્તિના યજ્ઞમાં ફાંસીને માંચડે ચડતા ખુદીરામ બોઝ, કનાઈ દત્ત, સત્યેન બોઝ જેવા ક્રાંતિકારીઓથી પ્રભાવિત થઈને તેમનામાં અપૂર્વ દેશભક્તિનો સંચાર થયો. 1913માં કલકત્તા યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં તેઓ બીજા ક્રમે ઉત્તીર્ણ થયા. પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કરીને કલકત્તા યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા તેમણે 1919માં પ્રથમ વર્ગમાં પસાર કરી. ત્યારબાદ ઇંગ્લૅન્ડ જઈને તેઓ આઇ.સી.એસ. થયા; પરંતુ દેશસેવા કરવાની તીવ્ર ઇચ્છા હોવાથી તેમણે સરકારી નોકરીમાં જોડાતા પહેલાં એપ્રિલ 1921માં રાજીનામું આપી યુવાન વયે સત્તા અને સંપત્તિના ત્યાગનું જ્વલંત ઉદાહરણ દેશના કરોડો યુવાનો સમક્ષ રજૂ કર્યું.

શરૂઆતમાં માર્ગદર્શન માટે ગાંધીજીને તથા તેમના સૂચનથી દેશબંધુ ચિત્તરંજન દાસને મળ્યા અને તેમને પોતાના રાજકીય ગુરુ તરીકે સ્વીકાર્યા. અસહકારની ચળવળ(1920–22)માં જોડાઈ કૉલકાતામાં પ્રિન્સ ઑવ્ વેલ્સના સંપૂર્ણ બહિષ્કાર વખતે તેમની અપૂર્વ સંગઠનશક્તિનો પરિચય કરાવ્યો. દેશબંધુએ સ્થાપેલી નૅશનલ કૉલેજના આચાર્ય પણ બન્યા. દાસબાબુ કલકત્તા કૉર્પોરેશનના મેયર બન્યા ત્યારે સુભાષચંદ્રને તેના મુખ્ય વહીવટી અધિકારી નીમ્યા. તેમણે કર્મચારીઓ માટે ખાદીનો પહેરવેશ ફરજિયાત બનાવી શિક્ષણ તથા આરોગ્યની સેવાઓ વિકસાવી. સ્વાતંત્ર્યની ચળવળોમાં ભાગ લઈ તેઓ 1941 સુધીમાં અગિયાર વાર જેલમાં ગયા હતા.

તેમણે કલકત્તા કૉર્પોરેશનના મેયર, બંગાળ પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના પ્રમુખ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના મહામંત્રી અને અખિલ હિંદ ટ્રેડ યુનિયન કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે સેવા આપી. ત્યારબાદ, 1938માં 41 વર્ષની યુવાનવયે તેઓ કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાયા. હરિપુરા(જિ. સૂરત)માં મળેલા કૉંગ્રેસના અધિવેશન વખતે તેમનું અભૂતપૂર્વ સ્વાગત થયું. બીજે વરસે ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભિ સીતારામૈયાને હરાવી તેઓ ફરીથી કૉંગ્રેસના પ્રમુખ બન્યા. તે સમયે ઉદ્દામવાદી સુભાષબાબુ ગાંધીજી કરતાં વધારે લોકપ્રિય હતા. પ્રમુખ તરીકે સુભાષચંદ્રના વિજયે પુરવાર કર્યું કે સ્વાતંત્ર્યપ્રાપ્તિનો ગાંધીજીનો માર્ગ બધા કૉંગ્રેસીઓને સ્વીકાર્ય નહોતો.

આ દરમિયાન આંતરરાષ્ટ્રીય રાજકારણનો અભ્યાસ કરીને તેમણે 1939માં કૉંગ્રેસ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે કૉંગ્રેસે સ્વતંત્રતાની માગણી કરતું આખરીનામું બ્રિટિશ સરકારને આપીને તેની પ્રાપ્તિ વાસ્તે દેશવ્યાપી ચળવળ શરૂ કરવી. ગાંધીવાદીઓ તે માટે કબૂલ થયા નહિ. વળી કાગ્રેસની કારોબારી સમિતિના સભ્યોએ રાજીનામાં આપી દીધાં. આવા મતભેદોને કારણે સુભાષચંદ્રે એપ્રિલ 1939માં કૉંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને કૉંગ્રેસમાં ફૉરવર્ડ બ્લૉક સ્થાપ્યો. એ વરસના ઑગસ્ટમાં બંગાળ પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના પ્રમુખપદેથી તેમને દૂર કરવામાં આવ્યા અને ત્રણ વરસ માટે કૉંગ્રેસનો કોઈ પણ હોદ્દો ધરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

સપ્ટેમ્બર 1939માં યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. ચૂંટાયેલી પ્રાંતિક સરકારોની સંમતિ લીધા વિના, ગવર્નર-જનરલે ભારતને યુદ્ધમાં જોડાયેલું જાહેર કર્યું. તેના વિરોધમાં પ્રાંતોની કૉંગ્રેસનાં પ્રધાનમંડળોએ રાજીનામાં આપ્યાં; પરંતુ યુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારને મુશ્કેલીમાં મૂકવા ગાંધીજી તૈયાર નહોતા; તેથી ફૉરવર્ડ બ્લૉક અને કિસાન સભાના સંયુક્ત ઉપક્રમે રામગઢ(બિહાર)માં માર્ચ 1940માં એક પરિષદ બોલાવી. તેમાં એવો ઠરાવ કરવામાં આવ્યો કે બ્રિટિશ સામ્રાજ્ય ટકાવી રાખવા માટે ભારતે શાહીવાદી યુદ્ધમાં માણસો, નાણાં તથા વસ્તુઓની મદદ કરવી નહિ. જૂન 1940માં ઑલ ઇન્ડિયા ફૉરવર્ડ બ્લૉકની નાગપુરમાં મળેલી બેઠકમાં ઉપર્યુક્ત ઠરાવ મંજૂર રાખવામાં આવ્યો. ફૉરવર્ડ બ્લૉકે દેશમાં તાત્કાલિક કામચલાઉ રાષ્ટ્રીય સરકાર સ્થાપવાની માગણી કરી. આ દરમિયાન છેલ્લા દસ મહિનામાં સુભાષચંદ્રે દેશનો પ્રવાસ કરીને એક હજાર સભાઓ સંબોધીને યુદ્ધવિરોધી પ્રચાર કર્યો હતો. તે સમયે તેમની લોકપ્રિયતા સૌથી વધારે હતી.

જુલાઈ 1940માં સુભાષબાબુ અને તેમના અનેક સાથીઓની ધરપકડ કરીને જેલમાં પૂરવામાં આવ્યા; પરંતુ અંગ્રેજો વિશ્વયુદ્ધ લડતા હોય ત્યારે આઝાદી મેળવવાની અમૂલ્ય તક જતી કરવા તેઓ તૈયાર ન હોવાથી સરકારને જણાવ્યું કે તેમને છોડવામાં નહિ આવે તો તેઓ આમરણાંત ઉપવાસ કરશે. સાત દિવસના ઉપવાસ બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ 17 જાન્યુઆરી, 1941ની રાત્રે કૉલકાતાના પોતાના નિવાસસ્થાનેથી, સરકારની નજરકેદમાંથી નાસી ગયા. પેશાવર, કાબુલ અને મૉસ્કો થઈને માર્ચમાં બર્લિન પહોંચી હિટલરને મળ્યા. બ્રિટનની મુશ્કેલી તે ભારત માટે અમૂલ્ય તક છે એમ સમજીને અને વ્યૂહાત્મક રીતે ‘દુશ્મનનો દુશ્મન એ મિત્ર’ એ ર્દષ્ટિથી પ્રથમ જર્મની અને પછી જાપાન સાથેની મૈત્રી માટે વાટાઘાટ કરી. બર્લિન રેડિયો પરથી તેમણે ભારતીયોને ગુલામીની બેડીઓ તોડવા માટે પોતાનું સર્વસ્વ હોમી દેવા જણાવ્યું. તેમનાં પ્રવચનોએ દેશના લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જગાડ્યો. પૂર્વ એશિયામાં જાપાન નોંધપાત્ર વિજયો મેળવતું હોવાથી, તેની મદદથી ભારતને સ્વતંત્ર કરવાની યોજના વિચારીને તેમણે દૂર પૂર્વમાં જવા વિચાર્યું. આ દરમિયાન બૅંગકૉકમાં મળેલી ભારતીયોની પરિષદે તેમને પૂર્વ એશિયામાં જવાનું નિમંત્રણ પાઠવ્યું.

આમંત્રણ મળ્યા બાદ હિટલરે તેમને સબમરીનમાં જવાની વ્યવસ્થા કરી આપી. દુશ્મનોથી ઘેરાયેલા મહાસાગરોમાં 90 દિવસની અતિકઠિન યાત્રાને અંતે તેઓ સુમાત્રા પહોંચ્યા. ત્યાંથી વિમાનમાં તોકિયો જઈ વડાપ્રધાન ટોજોને મળ્યા. ટોજોએ કામચલાઉ સરકાર સ્થાપવાની તેમની યોજના સ્વીકારી. નેતાજીએ બ્રિટિશ સરકાર વિરુદ્ધ ભારતના પૂર્વ સીમાડેથી સશસ્ત્ર સંગ્રામ ખેલવાના પોતાના ર્દઢ નિર્ધારની તોકિયો રેડિયો પરથી ઘોષણા કરી. ત્યારબાદ સિંગાપુરમાં પૂર્વ એશિયાના 30 લાખ ભારતીયોના પાંચ હજાર પ્રતિનિધિઓની સભામાં, જાપાનમાં વસતા ભારતીય ક્રાંતિકાર રાસબિહારી બોઝે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું પ્રમુખપદ સુભાષબાબુને સોંપી તેમને નેતાજી તરીકે વધાવી લીધા. નેતાજીએ આઝાદ હિંદ ફોજના વડા તરીકે ટુકડીઓનું નિરીક્ષણ કરી ‘ચલો દિલ્હી’ અને ‘જય હિંદ’ની રણઘોષણા આપી. તેમણે આઝાદ હિંદ ફોજની પુનર્રચના કર્યા બાદ,
21 ઑક્ટોબર, 1943ના રોજ સિંગાપુરમાં ભારતીયોની વિશાળ મેદની વચ્ચે સ્વતંત્ર ભારતની કામચલાઉ સરકાર(આરઝી હકૂમતે આઝાદ હિંદ)ની રચના કરી. નેતાજી આ સરકારના વડા બન્યા. જર્મની, જાપાન, ઇટાલી, રાષ્ટ્રવાદી ચીન, મ્યાનમાર (બર્મા) વગેરે દેશોએ તેને માન્યતા આપી. કામચલાઉ સરકારના પ્રધાનમંડળે ગ્રેટ બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સ સામે યુદ્ધ જાહેર કર્યું. જાપાને આંદામાન અને નિકોબારના ટાપુઓ જીતી આરઝી હકૂમતને સોંપ્યા. તેને અનુક્રમે શહીદ અને સ્વરાજ ટાપુઓ નામ આપવામાં આવ્યાં.

જાન્યુઆરી 1944માં સુભાષબાબુ આઝાદ હિંદ ફોજનું મુખ્યમથક રંગૂન લઈ ગયા. ‘ચલો દિલ્હી’ની ઘોષણા સાથે આઝાદ હિંદ ફોજની સુભાષ બ્રિગેડે ભારતના સીમાડા તરફ કૂચ કરી. અંગ્રેજો સામે ખૂનખાર અને મરણિયો જંગ ખેલીને મોડક, કોહિમા, ફલામ, હાકા વગેરે વ્યૂહાત્મક મહત્વનાં થાણાં કબજે કરવામાં આવ્યાં; પરંતુ ચોમાસું વહેલું શરૂ થયું. તેથી ઇમ્ફાલ અને કોહિમામાં સૈનિકોને ખોરાક ન પહોંચવાથી જંગલનાં ફૂલ અને ઘાસ પર તેમણે જીવવું પડ્યું. ભૂખમરાને લીધે સૈનિકો માખીઓની જેમ મરણ પામ્યા. વળી વિશ્વયુદ્ધમાં જાપાનનો પરાજય થવાથી તેણે શરણાગતિ સ્વીકારી. એમ કહેવાય છે કે નેતાજી સિંગાપુરથી બૅંગકોક અને સાઇગોન થઈને ફૉર્મોસાના તાઇપેઇ મુકામે પહોંચ્યા. ત્યાંથી 18 ઑગસ્ટ, 1945ની રાત્રે નેતાજી અને તેમના સાથી હબીબુર રહેમાનને તોકિયો લઈ જતા વિમાનને આગ લાગી. તેઓ સખત દાઝ્યા, બહાર કૂદી પડ્યા અને થોડા સમય બાદ તેમનું અવસાન થયું.

તેમના અવસાન વિષે વિવાદ પ્રવર્તે છે, જેના સંદર્ભમાં ભારત  સરકારે 2000ની સાલની શરૂઆતમાં ત્રીજા તપાસ પંચની રચના કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

જયકુમાર ર. શુક્લ