બોઝાંક, બર્નાર્ડ (જ. 14 જૂન 1848, એલનવિક, નૉર્થમ્બર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1923, લંડન) : બ્રિટનના અગ્રણી તત્વચિંતક. શરૂઆતનું શિક્ષણ જાણીતી હૅરો સ્કૂલમાં તથા ઉચ્ચ શિક્ષણ બૉલીઓલ કૉલેજમાં લીધું. તત્વજ્ઞાનના વિષયમાં ખૂબ રુચિ હોવાથી અનુસ્નાતક સ્તરે તે વિષયમાં તેમણે વિશેષ પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું. 1870–81 દરમિયાન યુનિવર્સિટી કૉલેજ, ઑક્સફર્ડમાં શરૂઆતમાં ફેલો અને ત્યારબાદ ટ્યૂટરના પદ પર કામ કર્યું. દર્શનશાસ્ત્ર પર લખાણ કરવાના હેતુસર અને ફાજલ સમયમાં એથિકલ સોસાયટી અને ચૅરિટી ઑર્ગનાઇઝેશન સોસાયટીના કામમાં સક્રિય રહેવાના ઇરાદાથી 1881માં ઑક્સફર્ડમાંથી રાજીનામું આપી તેઓ લંડન જઈ વસ્યા. 1903–08 દરમિયાન સ્કૉટલૅન્ડની સેન્ટ ઍન્ડ્રુઝ યુનિવર્સિટીમાં તેમણે મૉરલ ફિલૉસૉફીના પ્રોફેસરના પદ પર અને 1911–12માં એડિનબરો યુનિવર્સિટીમાં ગિફૉર્ડ લેક્ચરરના પદ પર રહીને સેવાઓ આપી.

ઑક્સફર્ડના તેમના સહાધ્યાયી અને ગાઢ મિત્ર એફ.એચ. બ્રૅડલેની જેમ બોઝાંક પણ તે સમયે ઇંગ્લૅન્ડમાં જે આદર્શવાદી વિચારસરણીની બોલબાલા હતી તેના હિમાયતી રહ્યા હતા. આ વિચારસરણીનાં બીજ પ્લેટો અને હેગલના વિચારોમાં જોઈ શકાય છે. બોઝાંકે ઇંગ્લૅન્ડમાં હેગલની વિચારસરણીને પુન:સ્થાપિત કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો; એટલું જ નહિ, પરંતુ હેગલના સિદ્ધાંતોને તે જમાનાની સામાજિક અને રાજકીય સમસ્યાઓના નિરાકરણના ઉપાય તરીકે સ્વીકૃત કરાવવામાં પણ તેમના પ્રયાસો નોંધપાત્ર રહ્યા હતા. જોકે બોઝાંકનાં શરૂઆતનાં લખાણો પર હેગલ કરતાં ઓગણીસમી સદીના જર્મન તત્વજ્ઞ રૂડોલ્ફ લૉટ્ઝનો વિશેષ પ્રભાવ રહ્યો હોય એમ લાગે છે. 1884માં બોઝાંકે લૉટ્ઝના બે ગ્રંથો ‘લૉજિક’ (Logik) અને ‘મેટાફિઝિક’(Metaphysik)ના અંગ્રેજી અનુવાદોનું સંપાદન કર્યું હતું. લૉટ્ઝના જ બે અન્ય ગ્રંથો ‘નૉલેજ ઍન્ડ રિયાલિટી’ (1885) અને ‘લૉજિક’(1888)ના મૂળભૂત સિદ્ધાંતોનું વિવેચન બોઝાંકે પોતાના બે ગ્રંથો ‘ઇસેન્શિયલ્સ ઑવ્ લૉજિક’ (1895) અને ‘ઇમ્પ્લિકેશન્સ ઍન્ડ લિનિયર ઇન્ફરન્સ’(1920)માં વિસ્તારથી કર્યું છે.

નીતિશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર અને તત્વજ્ઞાન – આ ત્રણ વિષયો પર બોઝાંકે કરેલાં લખાણો પરથી તેમના પર હેગલના વિચારોનો કેટલો ઊંડો પ્રભાવ હતો તેનો ખ્યાલ કરી શકાય છે. બોઝાંકના જમાનામાં ઇંગ્લૅન્ડમાં ભૌતિકવાદ તરફ જે વધુ પડતો ઝોક હતો તે વખોડી કાઢવામાં પણ તેમની ભૂમિકા મહત્વની રહી છે.

તેમના મુખ્ય ગ્રંથોમાં ‘હિસ્ટરી ઑવ્ એસ્થેટિક્સ’ (1890), ‘ફિલૉસોફિકલ થિયરી ઑવ્ ધ સ્ટેટ’ (1899), ‘થ્રી લેક્ચર્સ ઑન એસ્થેટિક્સ’ (1915), ‘ધ સોશિયલ ઍન્ડ ઇન્ટરનૅશનલ આઇડિયલ્સ’ (1917), ‘સમ સજેશન્સ ઇન એથિક્સ’ (1918) અને ‘થ્રી ચૅપ્ટર્સ ઑન ધ નેચર ઑવ્ માઇન્ડ’ (1923) વિશેષ ઉલ્લેખનીય છે.

બર્નાર્ડ બોઝાંકની વિચારસરણી પર બ્રિટિશ તત્ત્વચિંતકો જી. ઈ. મૂર (1873–1958) તથા બર્ટ્રાન્ડ રસેલે (1873–1970) કરેલી ટીકાને લીધે ત્યારપછીના ગાળામાં વિચારક અને તત્વજ્ઞ તરીકેની બોઝાંકની લોકપ્રિયતામાં ઓટ આવતી ગઈ. તેમનાં પત્ની હેલન બોઝાંકે પોતાના પતિનું જીવનચરિત્ર ‘બર્નાર્ડ બોઝાંક’ શીર્ષક હેઠળ 1924માં પ્રસિદ્ધ કર્યું હતું.

આનંદ પુ. માવળંકર