બોઝ, સત્યેન્દ્રનાથ (2) (જ. 1 જાન્યુઆરી 1894, કૉલકાતા; અ. 2 ફેબ્રુઆરી 1974, કૉલકાતા) : ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ભૌતિકવિજ્ઞાની. પિતા સુરેન્દ્રનાથ રેલવેમાં ઉચ્ચ અધિકારી હતા. આથી તેમનું બાળપણ અને અભ્યાસકાળ સુવિધાપૂર્ણ રહ્યાં.
કૉલકાતાની હિન્દુ કૉલેજ જ્યાં એમણે શિક્ષણ લીધું હતું ત્યાં એમના શિક્ષકે તે મહાન ગણિતજ્ઞ બનશે તેવી આગાહી કરી હતી. આ શિક્ષકે બોઝને ગણિતમાં 100માંથી 110 ગુણ આપ્યા હતા! કારણ કે તેમણે બધા જ દાખલા બે-ત્રણ રીતે સાચા ગણ્યા હતા.
શાલેય શિક્ષણ પૂરું કરી બોઝ 1909માં કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં દાખલ થયા. 1915માં તેઓ એમ.એસસી. થયા અને 1916માં કલકત્તા યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. કલકત્તા યુનિવર્સિટીના ઉપ-કુલપતિ આશુતોષ મુખરજી બોઝની બુદ્ધિ-પ્રતિભા અને હિંમતનાં ભારોભાર વખાણ કરતા હતા.
શાળાના અભ્યાસ દરમિયાન તેમણે ટેલિસ્કોપ બનાવીને શાળાને ભેટ આપ્યું હતું; આ સાથે તેમણે કોલગૅસનો દીવો પણ બનાવ્યો હતો.
અનુસ્નાતક કક્ષાએ બોઝ ગણિત અને ભૌતિકવિજ્ઞાન ભણાવતા હતા. સમ્રગ ભારતમાં સૌપ્રથમ વાર આધુનિક ગણિતનો વિષય અહીં શરૂ કરવામાં આવ્યો હતો, આ સમયે આઇન્સ્ટાઇને સાપેક્ષવાદ ઉપર કેટલાક લેખો જર્મન ભાષામાં પ્રસિદ્ધ કર્યા હતા. આઇન્સ્ટાઇનની મંજૂરી સાથે બોઝે આ લેખોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. કલકત્તા યુનિવર્સિટીએ આ અનૂવાદિત લેખોનું પુસ્તક પ્રગટ કર્યું. 1921માં કલકત્તા યુનિવર્સિટી છોડી બોઝ ઢાકા યુનિવર્સિટીમાં રીડર તરીકે જોડાયા.
બંધ પ્રણાલી જ્યારે અચળ તાપમાને હોય ત્યારે જુદી જુદી આવૃત્તિઓની વિકિરણ-ઊર્જાનું વિતરણ કરે છે. આ ઊર્જા માટેનું પ્લાંકનું સૂત્ર, બોઝે પોતાની રીતે તારવ્યું. બ્રિટિશ સામયિકના તંત્રી ઑલિવર લૉજે તેમના આ લેખનો અસ્વીકાર કર્યો અને આ લેખ તેમણે આઇન્સ્ટાઇનને મોકલી આપ્યો. આઇન્સ્ટાઇને તેને અમૂલ્ય અને સીમા-ચિહ્નરૂપ ગણાવ્યો. કાળા પદાર્થ વડે ઉત્સર્જિત થતા વિકિરણને ફોટૉન ગૅસ તરીકે ઓળખાવનાર બોઝ પ્રથમ હતા. બોઝના સંશોધનથી એટલું ફલિત થયું કે ફોટૉન કણ છે અને સમાન કણો માટે અલગ સાંખ્ય-યાંત્રિકી (statistics) હોય છે. ફોટૉન બોઝ-આઇન્સ્ટાઇન સાંખ્યિકીને અનુસરે છે.
1924માં બોઝ અભ્યાસાર્થે પૅરિસ ગયા. માદામ ક્યૂરી, મૉરિસ અને લુઈ દ બ્રોગ્લી, લૅંગેવિન અને અન્ય વિજ્ઞાનીઓ સાથે સંશોધન-કાર્ય આગળ ધપાવ્યું. 1925–26માં બોઝે ‘થર્મલ ઇક્વિલિબ્રિયમ ઇન ધ રેડિયેશન ફીલ્ડ ઇન પ્રેઝન્સ ઑવ્ મૅટર’ ઉપર બીજો લેખ તૈયાર કર્યો, જેનો આઇન્સ્ટાઇને જર્મન ભાષામાં અનુવાદ કરીને પ્રસિદ્ધ કર્યો. બોઝ બર્લિન ગયા ત્યારે આઇન્સ્ટાઇને ઉમળકાભેર તેમને આવકાર્યા અને બર્લિનમાં પ્લાંક, શ્રૉડિંજર, પાઉલી, હેઝનબર્ગ, સોમરફીલ્ડ અને આઇન્સ્ટાઇન જેવા પ્રતિષ્ઠિત ભૌતિકવિજ્ઞાનીઓના મંડળના મુલાકાતી સભ્ય તરીકે તેમને નિમંત્ર્યા.
બર્લિનના એક વર્ષના રોકાણ બાદ બોઝ ઢાકા પાછા ફર્યા. તેઓ પીએચ.ડી. ન હતા, પણ બોઝની તરફેણ કરતા આઇન્સ્ટાઇનના પત્રને કારણે તેઓ ઢાકા યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક અને તે વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. ત્યાં ડૉ. કે. એસ. કૃષ્ણન્ અને ડૉ. એસ. આર. ખાસ્તગીર સાથે સંશોધનકાર્ય કર્યું. ત્યારબાદ તેઓ 1945માં કૉલકાતાની યુનિવર્સિટી વિજ્ઞાન કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના ખેરા પ્રાધ્યાપક તરીકે જોડાયા. 1956માં આ પદેથી નિવૃત્ત થયા અને તરત જ વિશ્વભારતી યુનિવર્સિટીના કુલપતિપદે નિમાયા.
બોઝે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક – એમ બંને ક્ષેત્રે સંશોધન-લેખો લખ્યા છે. X-કિરણો અને સ્ફટિકશાસ્ત્રના ક્ષેત્રે પ્રાયોગિક સંશોધન માટે તેમણે અસરકારક નેતૃત્વ પૂરું પાડ્યું છે. ભૌતિકવિજ્ઞાન ઉપરાંત રસાયણશાસ્ત્રમાં સલ્ફાનેમાઇડ અણુની આંતરિક સંરચનામાં ફેરફાર કરીને તેમણે તેને એક ઔષધ તરીકે વિકસાવ્યું, જેનો પાછળથી આંખના ઔષધ તરીકે ઉપયોગ થવા લાગ્યો.
શિક્ષક તરીકે પાઠ્યપુસ્તકો ઉપરાંત સંશોધનના અસલ લેખોનો તે આધાર લેતા. શિક્ષક તરીકે તેઓ અખૂટ આત્મવિશ્ર્વાસ ધરાવતા હતા. માતૃભાષામાં શિક્ષણ અપાય તે માટે બોઝે પ્રખર હિમાયત અને સંનિષ્ઠ પ્રયત્નો કર્યા હતા. બોઝ સ્વદેશી ચળવળના સાક્ષી અને સંવર્ધક હતા. ચળવળની પ્રવૃત્તિઓને વાચા આપવા માટે તેમના મિત્રોએ બોઝને હસ્તલિખિત બંગાળી સામયિક ‘મનીષા’ના તંત્રીપદે બેસાડ્યા. કૉલકાતાની વિજ્ઞાન કૉલેજમાં તેઓ વિજ્ઞાન અને ગણિત બંગાળી ભાષામાં ભણાવતા હતા. પરિણામે ભારતમાં સૌપ્રથમ વાર બોઝે ‘વિજ્ઞાનપરિચય’ સામયિક બંગાળી ભાષામાં શરૂ કર્યું હતું. 1962માં કલકત્તા યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં દીક્ષાંત પ્રવચનમાં તેમણે સ્વદેશીપણા અને ભારતીયતાનાં દર્શન કરાવ્યાં. 1962માં તેમને જાપાન જવાનું આમંત્રણ મળ્યું. ત્યાં તેમણે જાપાની ભાષામાં શિક્ષણ અપાતું જોયું ત્યારે માતૃભાષા પ્રત્યેનું તેમનું વલણ વધારે મજબૂત થયું.
1924માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના વિભાગીય અધ્યક્ષ અને 1944માં સર્વાધ્યક્ષ થયા. 1958માં લંડનની રૉયલ સોસાયટીના ફેલો થયા. તે જ વર્ષે ભારત સરકારે તેમને ‘પદ્મવિભૂષણ’નો ઇલકાબ આપ્યો. 1948–50 દરમિયાન તેઓ ભારતની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સીઝના અધ્યક્ષ રહ્યા. 1951માં યુનેસ્કોની મહત્વની સમિતિમાં સ્થાન મળ્યું. 1952–58 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા. કલકત્તા યુનિવર્સિટીએ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિકલ સાયન્સીઝને ‘સત્યેન્દ્રનાથ બોઝ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિકલ સાયન્સીઝ’ તરીકે ઓળખાવી.
વિશ્વના તમામ કણોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. જે કણો પૂર્ણગુણાંક પ્રચક્રણ (spin) ધરાવે છે તેને બોઝના નામ પરથી ‘બોઝૉન’ તરીકે અને જે કણો અર્ધપૂર્ણાંક પ્રચક્રણ ધરાવે છે તેમને એનરિકો ફર્મીના નામ ઉપરથી ‘ફર્મીઑન’ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં સુધી આ જગત હશે, ભૌતિકવિજ્ઞાન હશે, દ્રવ્યના કણો હશે અને બોઝૉન હશે ત્યાં સુધી સત્યેન્દ્રનાથ બોઝનું નામ વિશિષ્ટ પ્રકારના આ કણો સાથે સદાકાળ સંકળાયેલું રહેશે.
જાન્યુઆરી 10, 1974ના રોજ કૉલકાતામાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓ મળ્યા. બોઝના ‘ક્વૉન્ટમ સાંખ્યિકી’ સિદ્ધાંતની સુવર્ણજયંતી ઊજવીને તેમના કાર્યને તેમણે મુબારકબાદી આપી. એ પછી માત્ર થોડાક દિવસ બાદ હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું.
પ્રહલાદ છ. પટેલ