બોઝ, સત્યેન્દ્રનાથ (1) (જ. 30 જુલાઈ 1882, મિદનાપુર, બંગાળ; અ. 21 નવેમ્બર 1908, અલીપુર) : ભારતીય ક્રાંતિકારી. તેમના પિતા અભયચરણ મિદનાપુર કૉલેજિયેટ સ્કૂલના આચાર્ય હતા. સત્યેને 1897માં પ્રવેશ પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને કૉલકાતાની સિટી કૉલેજમાં જોડાયા, પરતુ માંદગીને કારણે તેઓ આખરી પરીક્ષા આપી શક્યા નહિ. તેમના કાકા રાજનારાયણ બંગાળની ક્રાંતિકારી ચળવળના પુરસ્કર્તા હતા. સત્યેન મિદનાપુરમાં ચાલતી ગુપ્ત ક્રાંતિકારી સંસ્થામાં જોડાયા. તેમણે સ્વદેશી માલના પ્રચાર માટે છાત્રભંડાર શરૂ કર્યો; તે સાથે તેઓ વિદ્યાર્થીઓને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાવા આકર્ષતા હતા. તેમાંનો એક ખુદીરામ બોઝ (1889–1908) હતો. 1907માં મિદનાપુરમાં એક રાજકીય પરિષદ યોજાઈ ત્યારે તેમણે મવાળ નેતાઓનો વિરોધ કર્યો હતો. સૂરતમાં ડિસેમ્બર 1907માં અખિલ ભારતીય કૉંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે સત્યેને અરવિંદ ઘોષ અને ટિળકની તરફેણ કરી હતી. 1908માં બંદૂક રાખવા માટે તેમને બે માસની કેદની સજા થઈ હતી. અલીપુર બૉમ્બ કેસમાં મોટી સંખ્યામાં બૉમ્બ બનાવવાના ગુનામાં પણ તેઓ આરોપી હોવાથી તેમને મિદનાપુરની જેલમાંથી અલીપુરની જેલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં અરવિંદ ઘોષ, બારીન્દ્રકુમાર અને હેમચન્દ્ર સહિત ઘણા ક્રાંતિકારીઓને આરોપી તરીકે રાખવામાં આવ્યા હતા. તેમનો સાથી–આરોપી નરેન્દ્ર ગોસાંઈ તાજનો સાક્ષી બન્યો અને પોલીસને બધી ગુપ્ત માહિતી જણાવી દીધી. તેથી કનાઈલાલ દત્ત અને સત્યેને તેનું જેલની હૉસ્પિટલમાં ખૂન કર્યું. તેઓ બંનેને મૃત્યુદંડની સજા કરવામાં આવી. અલીપુરની જેલમાં તેમને ફાંસી આપવામાં આવી. લોકોનાં મોટાં ટોળાં ભેગાં થવાના ડરથી તેમનું શબ તેમનાં કુટુંબીજનોને આપવાને બદલે જેલમાં જ તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.

જયકુમાર ર. શુક્લ