બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

January, 2001

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ લક્ષ આપીને માનવમાત્રની આધ્યાત્મિક સમાનતા પ્રવર્તાવી. પોતાના સેંકડો સમર્પિત સાધુશિષ્યો દ્વારા તેમણે સામાજિક ક્રાંતિ કરી. પ્રેમ અને અહિંસાનાં શસ્ત્રોથી તેમણે સમાજને વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો વગેરેમાંથી મુક્ત કર્યો.

પ્રમુખસ્વામી મહારાજ

શ્રી સહજાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને પોતાના અક્ષરધામના અવતાર તરીકે ઓળખાવ્યા. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્યમાં પ્રાગજી ભક્તનું સ્થાન મોખરે હતું. પ્રાગજી ભક્તને શ્રીજી મહારાજનો સાક્ષાત્ સંબંધ છે તેની પ્રતીતિ અનેક સંતોને થઈ. તેમાં શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી પ્રમુખ હતા. પ્રાગજી ભક્તે શાસ્ત્રીમાં ગુણાતીત રસનું ઉત્તમ પાત્ર જોઈ લીધું, અને અંતસમયે પ્રાગજી ભક્તે વડતાલ સ્થાનના શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી દ્વારા શ્રીજીમહારાજના પ્રાગટ્યનો સંકેત કરી દીધો.

સ્વામીશ્રી યજ્ઞપુરુષદાસજી શાસ્ત્રીજીએ બોચાસણ, સારંગપુર, ગોંડળ, અટલાદરા (વડોદરા) અને ગઢડામાં ભવ્ય મંદિરો કરી દીધાં. તેમના સહસાથીઓ–યોગીજી મહારાજ અને નિર્ગુણદાસ સ્વામીના સહકારથી શુદ્ધ ઉપાસના અક્ષરપુરુષોત્તમનું દેશપરદેશમાં પ્રવર્તતું ગયું. શાસ્ત્રીજી મહારાજ પોતાના સ્વરૂપ તરીકે યોગીજી મહારાજને ઓળખાવતા હતા.

સં. 2007, વૈશાખ સુદ 10ના દિવસે ગઢપુર મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ નક્કી થયો. તે પૂર્વે વૈશાખ સુદ 4ના રોજ તેમણે દેહલીલા સંકેલી; પરંતુ ગઢપુર આવી મૂર્તિઓને સ્પર્શ કરી કહ્યું, ‘મેં મારું કાર્ય પૂરું કર્યું, આરતી જોગી ઉતારશે.’ આ રહસ્ય પાછળથી સૌને સમજાયું.

શાસ્ત્રીજી મહારાજે સત્સંગના પ્રાંગણમાં પરમપૂજ્ય પ્રમુખસ્વામીને જ્યારે તેડાવ્યા ત્યારે કહ્યું હતું : ‘હું આના જીવને ઓળખું છું’. પછી તેમને સંસ્થાના પ્રમુખ બનાવ્યા.

‘બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે’. આ ધ્યેયમંત્ર સાથે છેલ્લાં 93 વર્ષોથી અનેકવિધ દિશાઓમાં સમાજસેવાઓનો યજ્ઞ ચલાવી રહેલી બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા એક આધ્યાત્મિક સામાજિક સંસ્થા છે. ભગવાન સ્વામિનારાયણે ચીંધેલા વૈદિક રાહે કાર્ય કરતી આ સંસ્થા એટલે સર્વધર્મસમાદર અને આંતરધર્મ–સંવાદિતામાં માનતો શાંતિચાહક સમાજ. ઈ. સ. 1907માં શાસ્ત્રીજી મહારાજે એની સ્થાપના કરેલી.

વિશ્વભરમાં 18 દેશોમાં 6,814 સત્સંગકેન્દ્રો (યુવાકેન્દ્રો, બાળ-સંસ્કાર-કેન્દ્રો, મહિલાપ્રવૃત્તિ-કેન્દ્રો, સંસ્કારધામ–મંદિરો) અને લાખો અનુયાયીઓનો વિરાટ પરિવાર ધરાવતી આ સંસ્થાની બહુવિધ સેવાપ્રવૃત્તિઓનો વ્યાપ આદિવાસીઓથી અમેરિકાવાસીઓ સુધી વિસ્તરેલો છે. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના વિશ્વભરમાં વ્યાપ્ત અભિયાનનું પીઠબળ અને પ્રેરકબળ હતા પ્રમુખસ્વામી મહારાજ. ભગવાન સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક ઉત્તરાધિકારી પ્રમુખસ્વામી મહારાજ દૂરગામી ર્દષ્ટિ ધરાવનાર પ્રગતિશીલ વિરલ સંત હતા. હાલ મહંતસ્વામી મહારાજના માર્ગદર્શનમાં સંસ્થા શૈક્ષણિક તેમજ આરોગ્ય અને આધ્યાત્મિક ક્ષેત્રે સતત કાર્યરત છે.

સંસ્થાનાં 6,814 કેન્દ્રો પૈકી 2,639 યુવાકેન્દ્રો; 2,859 બાળસંસ્કાર-કેન્દ્રો, 1,316 મહિલા-પ્રવૃત્તિ-કેન્દ્રો છે. આ કેન્દ્રો વિધવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. ઈ. સ. 1981થી 2000 સુધીમાં આ સંસ્થાએ સાત આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક ઉત્સવો આયોજિત કર્યા, જેમાં 3,24,00,000 લોકો સમ્મિલિત થયા હતા. વળી પ્રત્યેક કેન્દ્ર પર સાપ્તાહિક સભાઓ થાય છે. એ રીતે એક વર્ષમાં 3,40,000 સભાઓ થાય છે, જેમાં 40,000 સ્વયંસેવકો સેવા આપે છે. સંસ્થા 1972થી દુનિયાનાં 980 કેન્દ્રો પર સાંસ્કૃતિક પરીક્ષાઓ લે છે, જેમાં અત્યાર સુધીમાં 3,00,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. સંસ્થા દ્વારા આયોજિત કલા, કારીગરી, વક્તૃત્વ, સંગીત, રમતગમત વગેરેની સ્પર્ધાઓમાં 56,000થી વધુ બાળકો, કિશોરો, યુવાનો અને સ્ત્રીઓએ ભાગ લીધો છે. નૈતિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે 27 મોટી પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

સંસ્થા દ્વારા આરોગ્ય-સંભાળ માટે 19 પ્રમુખ પ્રવૃત્તિઓ ચાલે છે, જેની અંતર્ગત 8 ધર્માદા દવાખાનાં અને આરોગ્યકેન્દ્રો, નિ:શુલ્ક નિદાન શિબિરો, આયુર્વેદિક અને આરોગ્ય અંગેની સભાનતા અને જાગૃતિ માટેના પરિસંવાદો, અધિવેશનો અને દર્દીઓને આર્થિક સહાયનો સમાવેશ થાય છે.

શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં 22 મુખ્ય પ્રવૃત્તિઓ છે. સંસ્થા 23 શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે, જેમાં 6,000થી વધુ વિદ્યાર્થીઓ અધ્યયન કરી રહ્યા છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીની સંસ્થાઓ અને છાત્રાલયોનો સમાવેશ થાય છે. 1996થી 2000 સુધીમાં 5,040 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપવામાં આવી છે. વળી 800 શૈક્ષણિક પરિસંવાદોમાં 35,000 વાલીઓ અને 50,000 વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.

આ જ રીતે પર્યાવરણની જાળવણી માટે 21 મુખ્ય પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેની અંતર્ગત 2,170 ગામડાંઓમાં 12,00,000 વૃક્ષો વાવવામાં આવ્યાં છે. 338 ગામડાંઓમાં 5,475 કૂવાઓ ગાળવામાં આવ્યા છે. સ્ત્રીકલ્યાણની મુખ્ય 20 પ્રવૃત્તિઓ અંતર્ગત આયોજિત 9 તાલીમ-શિબિરોમાં 11,742 સ્ત્રીઓને નેતૃત્વ-તાલીમ આપવામાં આવી છે. સંસ્થા સામાજિક ક્ષેત્રે 13 અને રાહતક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. 1974થી 1998 સુધીમાં સંસ્થાએ દુષ્કાળ, પૂર, ધરતીકંપ વગેરે કુદરતી હોનારતોમાં 19 જેટલાં રાહતકાર્યો કર્યાં છે.

આદિવાસી અને પછાત વિસ્તારોના કલ્યાણ માટે સંસ્થાની મુખ્ય 15 પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેની અંતર્ગત 209 ગામડાંઓમાં આદિવાસીઓના સર્વાંગીણ ઉત્થાનના પ્રયાસો થઈ રહ્યા છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ 15 જેટલી પ્રવૃત્તિઓ ચાલે છે. તે માટે 635 યુવાન, શિક્ષિત સાધુઓ કાર્યરત છે. સંસ્થા દ્વારા સંચાલિત 495 મંદિરો પૈકી 45 વિદેશોમાં છે. બધાં જ મંદિરોમાં પ્રાત:પૂજા નિમિત્તે ધ્યાન, ધારણા, શાસ્ત્રપઠન ઇત્યાદિ પ્રવૃત્તિઓ થાય છે.

ભારતની બહારનાં મોટાં હિંદુ મંદિરોમાં જેની ગણના થાય છે તે લંડન ખાતેનું સ્વામિનારાયણ મંદિર

સંસ્થાનાં મંદિરોમાં ગાંધીનગર અને દિલ્હીનું અક્ષરધામ અને લંડનનું શ્રીસ્વામિનારાયણ-મંદિર શિલ્પ-સ્થાપત્યના અનુપમ નમૂના છે. તેમાં પણ અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. પ્રતિદિન હજારો લોકો આ મંદિરોની મુલાકાત લે છે. વાસ્તવમાં આ પરંપરાગત મંદિરો જ માત્ર નથી, પણ અજોડ સંસ્કૃતિસંકુલો છે, જે અદ્યતન માધ્યમો દ્વારા ભારતીય સંસ્કૃતિનાં શાશ્વત મૂલ્યોનું વ્યવહારુ દર્શન કરાવી રહ્યાં છે.

સંસ્થા દ્વારા જે જનજાગૃતિ અભિયાનો થઈ રહ્યાં છે તેમાં પર્યાવરણ-જાગૃતિ, વ્યસનમુક્તિ, સાક્ષરતા, દહેજ-નાબૂદી, આદિવાસી-ઉત્કર્ષ, નર્મદા યોજના જાગૃતિ વગેરે ઉલ્લેખનીય છે.

પ્રસાદ બ્રહ્મભટ્ટ