બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર ગતિમાન ઘોડા અને મોટરકાર તેમનાં ચિત્રોના મુખ્ય વિષય બન્યા. આ ઉપરાંત તેમની કલાનો અમૂર્તતા તરફનો ઝોક તેમને કૅન્ડિન્સ્કી અને દાદા-શૈલી તરફ લઈ ગયો; પરંતુ તેમનું સૌથી મોટું અર્પણ તો ફ્યૂચરિસ્ટ શિલ્પના નિર્માણમાં રહ્યું છે.

1912માં તેમણે ‘ટૅકનિકલ મૅનિફેસ્ટો ઑવ્ ફ્યૂચરિસ્ટ સ્કલ્પ્ચર’ બહાર પાડ્યો અને તેમાં એકૅડેમિક (રૂઢ) શિલ્પકલા પર અંગત પ્રહાર કર્યો. તેમણે નગ્ન શિલ્પ પર નિષેધ ફરમાવ્યો. હકીકતમાં એકૅડેમિક ઉપરાંત રૉદાં, બૉર્દેલ અને મૈલોલ જેવા પ્રભાવવાદી (impressionistic) શિલ્પીઓની કૃતિઓમાં પણ મનુષ્યનું નિરૂપણ નગ્ન જ હતું. તેમણે એ વાતને અનુમોદન આપ્યું કે શિલ્પીને અભિવ્યક્તિ માટે કોઈ પણ પ્રકારનું વિકૃતીકરણ કે ભાંગફોડ કરવાનો અધિકાર છે. આ ઉપરાંત શિલ્પીને કાચ, પૂંઠાં, સિમેન્ટ, ઘોડાના વાળ, ચામડાં, કાપડ, અરીસા, વીજળીના ગોળા ઇત્યાદિ સામગ્રીનો શિલ્પના માધ્યમ તરીકે ઉપયોગ કરવાનો અધિકાર છે. શિલ્પ પોતે પર્યાવરણનું એક અંગ છે.

પશ્ચિમના આધુનિક શિલ્પના ઇતિહાસમાં તેમનું નામ એટલા માટે મોખરે છે કે 1912ના આ ઢંઢેરા દ્વારા તેમણે ત્યારપછી સર્જાનારાં રચનાવાદી (constructivist) શિલ્પ, દાદા-શિલ્પ, પરાવાસ્તવવાદી સંયોજન (surrealist assemblage) શૈલીનાં ગતિમાન શિલ્પ અને છેક 1960 પછીના પૉપ શિલ્પીઓની ‘પર્યાવરણ રચના’ની આગાહી કરી હતી.

તેમણે પોતાના શિલ્પસર્જન દ્વારા પોતાના આ વિચારોનું વ્યવહારમાં અનુમોદન કર્યું. ‘અવકાશમાં સાતત્યનાં અનન્ય રૂપો’ એ (Unique Forms of Continuity in Space) શિલ્પને તેમની સર્જકતાની ઉત્તમ કૃતિ ગણવામાં આવે છે. કાંસામાં બનેલ એક માનવ–આકૃતિ પૂરવેગે દોડી રહેલી હોય તેવી પ્રતીતિ દર્શકને આ શિલ્પ જોતાં થાય છે.

માનવશરીરની બે સ્થિર અવસ્થાઓ વચ્ચેની કામચલાઉ ગતિની અવસ્થાને અહીં કંડારવામાં આવી છે. ગતિશીલ હાથ-પગ ઉપરાંત પવનમાં ઊડતાં વસ્ત્રો પ્રશિષ્ટ ગ્રીક શિલ્પ ‘વિક્ટરી ઑવ્ સૅમોથ્રેસ’ની યાદ આપે છે.

1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં તેમણે મારીનેતીની દોરવણી હેઠળ પોતાની કલાનો ફાસિસ્ટ પ્રચારમાં ઉપયોગ કરવો શરૂ કર્યો. 1916માં પ્રથમ વિશ્વ-યુદ્ધમાં તેઓ મૃત્યુ પામ્યા.

અમિતાભ મડિયા