બોગોટા : દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 4° 40´ ઉ. અ. અને 74° 0´ પ. રે. તે મધ્ય કોલંબિયામાંથી પસાર થતી ઍન્ડીઝ પર્વતમાળાના ઉચ્ચપ્રદેશ પર આશરે 2,640 મીટરની ઊંચાઈએ આવેલું છે. આજુબાજુ પથરાયેલા ઉગ્ર ઢોળાવવાળા પર્વતો શહેરને રક્ષણ આપે છે તેમજ અનેરું પ્રાકૃતિક સૌંદર્ય બક્ષે છે. અહીંનાં ત્રણ શિખરો પૈકી એક મથાળે ઈસુ ખ્રિસ્તના બાવલાવાળું, બીજું ક્રૉસવાળું અને ત્રીજું ઝગમગતા શ્વેત મઠવાળું છે. શહેર અને અહીંના જાણીતા નિરીક્ષણમથક મૉન્સેરેટ વચ્ચે તારનાં દોરડાં (ropeway) પર સરકતી મોટરગાડીઓ અવરજવરની સુવિધા પૂરી પાડે છે. પર્વતની તળેટીમાં દક્ષિણ અમેરિકી જનરલ સાઇમન બોલિવારની એક ઇમારત હતી, તે હવે બોલિવારની તથા દક્ષિણ અમેરિકાના સ્વાતંત્ર્ય માટેના સંઘર્ષોની ચીજવસ્તુઓની સ્મૃતિ રૂપે સંગ્રહાલયમાં ફેરવાઈ છે.

શહેરના મધ્ય ભાગમાં પ્લાઝા બોલિવાર નામનો એક મોટો ચોક છે. ચોકની નજીકની શેરીઓમાં લોખંડની જાળીઓવાળાં, કોતરણીથી સજાવેલાં લાકડાનાં કમાડોવાળાં તથા કથ્થાઈ નળિયાંનાં છાપરાંવાળાં મકાનો આવેલાં છે. આ ઉપરાંત શહેરની મધ્યમાં અદ્યતન કાર્યાલયો માટે બનાવેલી ગગનચુંબી ઇમારતો તથા હોટેલોની આજુબાજુ જૂનાં મકાનો પણ હજી જોવા મળે છે. આ મધ્ય ભાગમાં જ કૅપિટોલ, પ્રમુખનો મહાલય તથા ઘણાં સંગ્રહાલયો છે. આ વિસ્તારના અગાઉના ઇન્ડિયનોએ બનાવેલો, સૈકાઓજૂનો વિશાળ સુવર્ણભંડાર પણ ‘ગોલ્ડ મ્યુઝિયમ’ રૂપે અહીં જળવાયેલો છે.

બોગોટામાં ‘બેરિયોઝ’ નામે ઓળખાતી ઝૂંપડપટ્ટીમાં ગરીબ લોકોનો ઘણો મોટો વર્ગ વસે છે; મધ્યમ વર્ગના લોકો પોતપોતાની

રાત્રિની વીજ-રોશનીમાં બોગોટા નગર – એક ઝાંખી

જરૂરિયાત મુજબની સગવડોવાળાં મકાનોમાં રહે છે, જ્યારે સ્થિતિસંપન્ન લોકો વૈભવી આવાસોમાં એશઆરામવાળું જીવન જીવે છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં સિમેન્ટ, રસાયણો, ખાદ્ય પદાર્થો તથા કાપડ-ઉદ્યોગનો સમાવેશ થાય છે.

આ પ્રદેશના ચિબચા ઇન્ડિયનો પર વિજય મેળવીને સ્પૅનિશ લશ્કરી અગ્રણી ગોન્ઝેલો જિમ્નેઝ દ ક્વેસેડાએ 1538માં બોગોટાની સ્થાપના કરેલી. બોગોટા નામ અહીંના બૅકાટા નામે ઓળખાતા ચિબચા નગરની યાદમાં અપાયેલું છે. આ શહેર ન્યૂ ગ્રેનેડાના નામે ઓળખાતી સ્પૅનિશ વસાહતોનું પાટનગર રહેલું અને 1821માં તે કોલંબિયા પ્રજાસત્તાક, ઇક્વેડોર, પનામા તથા વેનેઝુએલાનો સમાવેશ કરતું ગ્રૅનકોલંબિયાનું પાટનગર બન્યું. તે પછી આ શહેર વિકસતું ગયું. 1963થી 1973ના ગાળા દરમિયાન આ શહેરની વસ્તી બમણી થઈ ગયેલી હોઈ વાહનવ્યવહારની અવરજવરમાં તકલીફો, આવાસોની તંગી અને ગુનેગારીના પ્રમાણમાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે. આ શહેરની વસ્તી 1992 મુજબ 49,21,000 જેટલી હતી. 1999ના જાન્યુઆરીની 25મી તારીખે થયેલા ભયંકર ભૂકંપમાં આ વિસ્તારની ખૂબ તારાજી થઈ છે.

ગિરીશભાઈ પંડ્યા