બોગાર્ડ, ડર્ક (સર) (જ. 1921, લંડન, ઇંગ્લૅન્ડ) : ફિલ્મ-અભિનેતા તથા લેખક. તેમણે ગામોગામ ફરીને નાટક ભજવતી મંડળીમાં જોડાઈ અભિનય-કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી એકાદ ગૌણ પાત્રમાં અભિનય આપીને ‘કમ ઑન જ્યૉર્જ’(1940)થી ફિલ્મ-કારકિર્દીની શરૂઆત કરી.

યુદ્ધકાળ દરમિયાન તેમાં સેવા બજાવ્યા પછી, રૅન્ક ફિલ્મ્સે તેમની સાથે લાંબી મુદત માટે કરાર કર્યા અને એ સંસ્થામાં તેઓ ઘણાં  વર્ષો અનેક નાનાં-નાનાં પાત્રોમાં અભિનય આપતા રહ્યા. એમાં ‘ડૉક્ટર ઇન ધ હાઉસ’ શ્રેણીની ફિલ્મોમાં તેમનો હાસ્યરસિક અભિનય વિશેષ ધ્યાનપાત્ર બની રહ્યો.

ડર્ક બોગાર્ડ

1955 તેમજ 1957માં તેઓ બ્રિટનના સૌથી સફળ બૉક્સ ઑફિસ અભિનેતાનું સ્થાન પામ્યા. તેમની મહત્વની ફિલ્મોમાં ‘એ ટેલ ઑવ્ ટૂ સિટિઝ’ (1958), ‘વિક્ટિમ’ (1961), ‘ધ સર્વન્ટ’ (1963), ‘ડેથ ઇન વેનિસ’ (1971) તથા ‘પ્રૉવિડન્સ’નો સમાવેશ થાય છે.

તેમણે આત્મચરિત્ર લખ્યું છે. તેમની નવલકથામાં ‘એ જેન્ટલ ઑક્યુપેશન’ (1980) તથા ‘એ પીરિયડ ઑવ્ એડ્જસ્ટમેન્ટ’(1994)નો સમાવેશ થાય છે. 1992માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો હતો.

મહેશ ચોકસી