બોગાર્ટ, હમ્ફ્રી (જ. 23 જાન્યુઆરી 1899, ન્યૂયોર્કનગર; અ. 14 જાન્યુઆરી 1957, હૉલીવુડ) : હૉલિવુડના અભિનેતા. દાક્તર પિતાના આ પુત્રને જ્યારે દાક્તરીના અભ્યાસ માટે મોકલવામાં આવ્યા ત્યારે શિસ્તભંગની શિક્ષા રૂપે તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધના સમયે તેઓ નૌકાદળમાં જોડાયા. ત્યાં તેમના ઉપલા હોઠ ઉપર ઈજા થઈ – ઘા પડ્યો, જે તેમને વિશેષ ઓળખ આપનારો આશીર્વાદ નીવડ્યો. વિશ્વયુદ્ધ બાદ તેઓ એક નાટ્યઘરમાં પટાવાળા તરીકે રહ્યા. 1922માં તેમણે મંચ ઉપર અભિનય શરૂ કર્યો. 1930માં દસ મિનિટની એક લઘુ ફિલ્મમાં કામ કરી હૉલિવુડમાં પ્રવેશ કર્યો. 1935માં તેમનું નસીબ ચમક્યું.

હમ્ફ્રી બોગાર્ટ

‘ધ પેટ્રિફાઇડ ફૉરેસ્ટ’માં ડાકુની ભૂમિકા મળી. નાયકની ભૂમિકામાં લેસ્લી હાવર્ડ હતા. આ ફિલ્મને અદભુત સફળતા મળતાં તેઓ ‘સ્ટાર’ બની ગયા. 1936થી 1940 દરમિયાન તેમણે 28 ફિલ્મોમાં કામ કર્યું. મોટાભાગે તેઓ ખલનાયકની ભૂમિકા ભજવતા. 1941ની ‘હાઈ સિયેરા’ અને ‘ધ માલ્તેઝ ફાલ્કન’ની ભૂમિકાએ તેમને ભારે યશ અપાવ્યો. તેમની સાથે કામ કરતી અભિનેત્રી લૉરેન બાકોલ સાથે તેમણે લગ્ન કર્યાં. તે તેમની ચોથી પત્ની હતી. અગાઉની ત્રણ હેલન મેન્કેન, મેરી ફિલિપ્સ અને માયો મેથૉટ પણ અભિનેત્રીઓ જ હતી. 1947માં તેમણે પોતાની કંપની સ્થાપી. માર્ચ 1956માં તેમને કૅન્સરનું ઑપરેશન કરાવવું પડ્યું. બીજે વર્ષે નિદ્રાવસ્થામાં તેમનું અવસાન થયું.

પીયૂષ વ્યાસ