બૉહિથિયસ, ઍનિસિયસ મૅન્લિયસ સેવર્નિયસ

January, 2001

બૉહિથિયસ, ઍનિસિયસ મૅન્લિયસ સેવર્નિયસ (જ. 480 આશરે; અ. 524) : રોમના વિદ્વાન તત્વવેત્તા અને રાજકારણી. તેમનો જન્મ રોમના રાજકારણી પરિવારમાં થયો હતો. તેમણે ઍથેન્સ ખાતે અભ્યાસ કર્યો હતો અને ત્યાં તેમણે જે વિદ્યાજ્ઞાન પ્રાપ્ત કર્યું તેના ફળ સ્વરૂપે જ તેઓ ઍરિસ્ટોટલ તથા પૉર્ફિરીની કૃતિઓના અનુવાદ કરવાની ક્ષમતા કેળવી શક્યા. તેમના અનૂદિત ગ્રંથો મધ્યકાલીન યુરોપમાં તર્કશાસ્ત્રનાં અધિકૃત પાઠ્યપુસ્તકો બની રહ્યાં.

રોમ પર ગૉથ પ્રજાએ સત્તા-શાસન મેળવ્યાં ત્યારે 510માં તેઓ રાજ્યના સલાહકાર નિમાયા. ત્યારપછી રાજવી થિયૉડૉરિકના તેઓ પ્રમુખ મંત્રી નિમાયા; પરંતુ 523માં તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો. એક વર્ષની સજા ભોગવ્યા પછી તેમનો વધ કરવામાં આવ્યો. તેમના સજાકાળ દરમિયાન જ તેમણે ‘કૉન્સોલેશન ઑવ્ ફિલૉસૉફી’ નામનો ગ્રંથ લખ્યો. તેમાં સ્વયં તત્વજ્ઞાન માનવ રૂપે આવીને લેખકને દુન્યવી પ્રારબ્ધની પરિવર્તનશીલતા અંગે આશ્વાસન આપે છે. પછીનાં લગભગ હજારેક વર્ષ સુધી ‘કૉન્સોલેશન’ જેવો ગ્રંથ બાઇબલ પછીનો સૌથી વિશેષ વંચાતો ગ્રંથ બની રહ્યો.

મહેશ ચોકસી