બૉસ્ટન ફાઇન આર્ટ્સ મ્યુઝિયમ (1876) : વિશ્વના લલિતકળાના શ્રેષ્ઠતમ નમૂનાઓ ધરાવતું અમેરિકામાંનું સંગ્રહાલય. 1869માં ઍપેનયમ પુસ્તકાલયમાં સંગ્રહાલય રચવાની નેમથી લલિતકળાના સંગ્રાહકો આ યોજનામાં જોડાયા. 1876માં સંગ્રહાલયનો પ્રથમ વિભાગ કૉપ્લે સ્ક્વેર ખાતે શરૂ થયો. 1909માં નિયો-ક્લાસિકલ બિલ્ડિંગમાં પ્રદર્શનનું સ્થળાંતર થયું. ત્રણમજલી ઇમારતમાંના 140 ઓરડાઓ વિવિધ 7 વિભાગોમાં વહેંચાયેલા છે. ચિત્રો, શિલ્પો, ચિનાઈ માટીની વસ્તુઓ, કાપડ અને ગાલીચાઓ, ચાંદીની વસ્તુઓ, મિશ્રધાતુ- (બ્રૉન્ઝ)ની કૃતિઓ, પથ્થરમાંથી કોતરીને ઉપસાવેલ કૃતિઓ (cameo), સિક્કાઓ અને પ્રિન્ટો – આ બધો સંગ્રહ પ્રાચીન ઇજિપ્ત, ગ્રીસ તથા રોમ, યુરોપ, અમેરિકા અને એશિયાની કલામય સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. આ બધામાં એશિયાનો વિભાગ સૌથી વધુ ઉલ્લેખનીય છે. અહીં જાપાની પ્રિન્ટનો વિશ્વનો સૌથી મોટો સંગ્રહ પ્રદર્શિત છે. ઇજિપ્ત ગૅલરી ભવ્ય છે અને તેમાં કેરોની આસપાસના પ્રાચીન રાજ્યના અવશેષોનો ઉત્તમ સંચય છે; તેમાં ઈ.પૂ. 2600ની અંખ-હફની પથ્થર પર ચિત્રિત માનવઆકૃતિ ઈ.પૂ. 2599–1571ની મિસરની રાણી ખા-મેરર-નેબ્તીનું શિલ્પ તેમજ બૅબિલૉન સંસ્કૃતિની કલાત્મક વસ્તુઓ ઉલ્લેખનીય છે. ચિત્રકળા વિભાગ અમેરિકા અને યુરોપની કલાશૈલીઓની શ્રેષ્ઠ કૃતિઓને આવરી લે છે.
સોનલ મણિયાર