બૉસ્ટન, રાલ્ફ (જ. 1939, બૉરેલ, મૅસેચુસેટ્સ) : અમેરિકાના રમતવીર. 1960ના દશકામાં લાંબા કૂદકાના તેઓ અગ્રણી ખેલાડી બની રહ્યા. તેમણે 3 ચંદ્રક મેળવવાનો એક લાક્ષણિક વિક્રમ સ્થાપ્યો. 1960માં રોમ ખાતેની ઑલિમ્પિક રમતોમાં સુવર્ણચંદ્રક; 1964માં ટોકિયો ખાતેની રમતોમાં રજતચંદ્રક અને 1968માં મેક્સિકો ખાતેની રમતોમાં કાંસ્ય-ચંદ્રક એમ લગાતાર 3 વાર ઑલિમ્પિકોમાં ચંદ્રક-વિજેતા બન્યા હતા. 8.2 મી. જેટલો લાંબો કૂદકો લગાવનાર તેઓ સૌપ્રથમ ખેલાડી હતા.

મહેશ ચોકસી