બૉલ, ચાર્લ્સ ઑલિન

January, 2001

બૉલ, ચાર્લ્સ ઑલિન (જ. 1893, ઍબિલિન, કૅન્સાસ; અ. 1970) : નામાંકિત અને નિષ્ણાત આહારવિષયક ટૅકનૉલૉજિસ્ટ. 1919થી 1922 દરમિયાન તેઓ જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ સ્કૂલમાં હતા ત્યારે જ નૅશનલ કૅનર્સ એસોસિયેશન માટે, કૅનમાં ભરેલી ખાદ્ય સામગ્રીને જીવાણુરહિત બનાવવાની પ્રક્રિયાની શોધ કરી હતી. 1922થી 1941 દરમિયાન ઇલિનૉઇસ તથા ન્યૂયૉર્ક ખાતે આવેલી અમેરિકન કૅન કંપની માટે કામગીરી સ્વીકારી; ત્યાં તેમણે પોતાની આવી અનેકવિધ શોધ બદલ 29 ઉપરાંત પૅટન્ટ મેળવી; તેમાં ‘હીટ-ફૂલ-ફીલ-કૅનિંગ’ પદ્ધતિ(1936)નો તેમજ ખુલ્લા કૅનને પણ જીવાણુરહિત બનાવવાની પદ્ધતિનો તથા તે માટેનાં સાધનો(1937)નો અને દૂધનું કૅનિંગ કરવાની પદ્ધતિ(1938–39)નો સમાવેશ થાય છે. ત્યારબાદ 1949થી 1963 દરમિયાન તેમણે રૂટનર્સ યુનિવર્સિટી ખાતે આહારવિજ્ઞાન (food science) વિશે અધ્યાપન કર્યું.

મહેશ ચોકસી