બોલ (Bole) : બેસાલ્ટ જેવા – લાવા-પ્રવાહોના થર વચ્ચે આંતરપડ રૂપે રહેલો લૅટરાઇટ કે બૉક્સાઇટ પ્રકારનો નિક્ષેપ-અવશેષ – અવશિષ્ટ નિક્ષેપ. આ પ્રકારનો અવશિષ્ટ નિક્ષેપ જીવાવશેષોની જેમ જળવાયેલો મળતો હોવાથી તેને લૅટરાઇટ અવશેષ કે બૉક્સાઇટ અવશેષ (fossil laterite or bauxite) કહે છે. મોટેભાગે તો તે લાવા-પ્રવાહોની શ્રેણીઓ વચ્ચે તૈયાર થયેલો જોવા મળે છે તેને પ્રસ્ફુટન પાર્થિવ પ્રકારનું થયું હોવાના પુરાવારૂપ ગણવામાં આવે છે. તે અયનવૃત્તીય કે ઉપઅયનવૃત્તીય આબોહવાની પેદાશ તરીકે તૈયાર થાય છે. ક્વચિત્ આ પ્રકારનો નિક્ષેપ બીજો લાવાથર તેની ઉપર જામે તે અગાઉ લાંબા ગાળા માટે ખુલ્લો રહે તો ત્યાંથી સ્થાનાંતરિત થઈ અન્યત્ર જમા થાય છે, જોકે ઘણા અંતર સુધી તેનું સ્થાનાંતર થવાનું શક્ય હોતું નથી. આ કારણે તે બૉક્સાઇટ-મૃદ જેવા અન્ય જળકૃત દ્રવ્યજથ્થા સાથે મિશ્ર થયેલો મળે છે. તેમાં ક્યારેક બૉક્સાઇટ અને લૅટરાઇટના ગોલકો પણ વિકસે છે, તેથી તેમને વટાણાકાર (pisolitic) બોલ જેવું નામ આપી શકાય છે, પરંતુ વાસ્તવિક વટાણાકાર રચનાની માફક આ ગોલકો બન્યા હોવાનો કોઈ પુરાવો તેમાંથી મળતો નથી.

આ પ્રકારનો નિક્ષેપ નર્મદા નદી પરના નવાગામ ખાતેના સરદાર સરોવર બંધના પ્રારંભિક નિર્માણકાર્ય વખતે લાવાના થરમાંથી મળેલો, તેને ત્યાંથી સંપૂર્ણપણે ખોદી કાઢીને તે પોલાણને સિમેન્ટ-કૉંક્રીટથી ભરી પૂરી દેવામાં આવેલું. આવા નિક્ષેપો જળદાબ હેઠળ ક્યારેક નુકસાનકારક નીવડતા હોવાની દહેશત રહેતી હોય છે.

ગિરીશભાઈ પંડ્યા