બોલન ઘાટ : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી બ્રાહુઇ (Brāhui) હારમાળાના મધ્યભાગમાંથી પસાર થતો નીચાણવાળો ભૂમિમાર્ગ. ભૌગોલિક સ્થાન : 30° ઉ. અ. અને 66° પૂ. રે. તે સમુદ્રસપાટીથી 1,793 મીટરની ઊંચાઈ ધરાવે છે અને તેની કુલ લંબાઈ 89 કિમી. જેટલી છે. આ ઘાટ અહીં શિયાળા અને ઉનાળાની ઋતુઓ દરમિયાન પ્રવર્તતા તાપમાનની વિષમતા માટે જાણીતો બનેલો છે. શિયાળામાં અતિશય ઠંડા પવનોને કારણે તથા ઉનાળામાં ઊંચા તાપમાનને કારણે અહીં ક્યારેક જાનહાનિ પણ થાય છે. સામાન્ય રીતે અહીંની આબોહવા પ્રમાણમાં શુષ્ક રહે છે; તેમ છતાં થોડાઘણા પ્રમાણમાં ભેજ મળી રહેવાને કારણે અહીં ટૂંકું ઘાસ ઊગી નીકળે છે. આ ઘાટમાં જોવા મળતા ખડકો પીળા, કથ્થાઈ કે તપખીરિયા રંગના હોય છે.

આ ઘાટ પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેના સરહદી વિસ્તાર વચ્ચે અવરજવરનું કુદરતી પ્રવેશદ્વાર (પ્રવેશમાર્ગ) બની રહેલો છે. તે ક્વેટાના ઉચ્ચપ્રદેશ અને સિબીના મેદાની વિસ્તારને પાકા રસ્તા અને રેલમાર્ગ દ્વારા સાંકળે છે. આ ઘાટનો પ્રારંભ રિન્ડીથી થાય છે અને દક્ષિણે કોલપુર પાસે આવેલા દરવાજાના સ્થળે પૂરો થાય છે. તેના માર્ગમાં ઊંડી ખીણો અને કોતરો પણ આવેલાં છે. તેનો સૌથી પહોળો ભાગ માચની દક્ષિણે આવેલા લાલેજીના મેદાનનો છે. અહીં તેની પહોળાઈ આશરે 126 કિમી. જેટલી છે, જ્યારે તે માર્ગ માચ પાસે ચૂનાખડકોમાંથી પસાર થાય છે ત્યારે અત્યંત સાંકડો બની રહે છે. આ ઘાટની બોલાન નદી પર નરી-બોલાન નહેર યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. તેને કારણે સિબીના મેદાનની 9,700 હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળી રહે છે. અહીં બલૂચ જાતિના લોકો વસે છે. તેમની ભાષા બલૂચી અને બ્રુહઇ છે.

ઐતિહાસિક મહત્વ : સૈકાઓ પહેલાં ભારત અને ઉત્તર એશિયાના વેપારીઓ, વણઝારા તેમજ લૂંટારુ ટોળકીઓ આ માર્ગનો ઉપયોગ કરતાં હતાં. સંરક્ષણની ર્દષ્ટિએ આ ઘાટનું વ્યૂહાત્મક મહત્વ ઘણું છે. 1879માં બ્રિટિશ અધિકારી ગંડામકે અફઘાનિસ્તાન સાથે સંધિ કરીને તેના પર પ્રભુત્વ મેળવ્યું હતું. માચ પાસે કોલસાનાં ક્ષેત્રો શોધી કાઢવામાં આવેલાં હોવાથી આર્થિક ર્દષ્ટિએ પણ તેનું મહત્વ વધ્યું છે. 1890માં અહીંની બોલાન નદીમાં પૂર આવવાથી જાનહાનિ પણ થઈ હતી.

નીતિન કોઠારી