બૉર્ગ, બૉર્ન (જ. 1956; સૉડર ટ્રાલ્જ, સ્વીડન, ) : નામી ટેનિસ-ખેલાડી. ટેનિસની રમત પર લક્ષ કેન્દ્રિત કરવા 14 વર્ષની વયે તેમણે શાળાનો અભ્યાસ છોડી દીધો. 15 વર્ષની વયે તેઓ સ્વીડિશ ડૅવિસ કપ માટેની ટીમ માટે પસંદગી પામ્યા. 16 વર્ષની વયે તો તેઓ વિમ્બલડનના જુનિયર ચૅમ્પિયન બન્યા. 1976માં તેઓ વિમ્બલડન સિંગલ ટાઇટલના વિજેતા બન્યા. 1976થી 1980 સુધી લગાતાર સળંગ 5 વખત વિજેતા બનીને તેમણે એક વિક્રમ સ્થાપ્યો. 1974થી 1981 દરમિયાન તેઓ ઇટાલિયન ચૅમ્પિયનશિપના પણ 2 વાર અને ફ્રેન્ચ ઓપન સ્પર્ધાના 6 વાર વિજેતા બન્યા. જૉન મૅકનરો સામેની ફાઇનલમાં તેમની હાર થવાથી, વિમ્બલડન ખાતેના તેમના પ્રભુત્વનો 1981માં અંત આવ્યો.

બૉર્ન બૉર્ગ

1983માં તેમણે નિવૃત્તિ લીધી. તેમની આત્મકથા ‘માઇ લાઇફ  ઍન્ડ ગેમ્સ’ 1980માં પ્રગટ થઈ હતી.

મહેશ ચોકસી