બૉરોમીની, ફ્રાન્સેસ્કો

January, 2001

બૉરોમીની, ફ્રાન્સેસ્કો (જ. 1599, બિસૉન, ઇટાલી; અ. 1667) : ઇટાલીના પ્રસિદ્ધ બરોક સ્થપતિ અને શિલ્પી. ઇટાલીના અન્ય પ્રસિદ્ધ બરોક સ્થપતિ બર્નિનીના તે સમકક્ષ શક્તિશાળી સ્પર્ધક હતા. બંનેએ માર્દેનો પાસે તાલીમ લીધી હતી. બૉરોમીનીની સ્થાપત્યરચનાઓ ઘણી જ સંકુલ અને સ્વૈરવિહારી છે. માનવશરીરનાં પ્રમાણમાપનું સ્થાપત્ય-રચનાઓમાં પ્રતિબિંબ પડવું જોઈએ તેવી રેનેસાંકાળની માન્યતા તેમજ કાર્યપદ્ધતિનો બૉરોમીનીએ કારકિર્દીના આરંભથી જ ત્યાગ કર્યો હતો.

બૉરોમીનીના સ્થાપત્યમાં બહિર્ગોળ અને અંતર્ગોળ આકારોની લગાતાર ભરમાર જોવા મળે છે; આને કારણે સ્થાપત્ય-કૃતિ દૂરાકૃષ્ટ આકારવાળી સ્થિતિસ્થાપકતાનો ભાવ જન્માવે છે. દા.ત., સેંટ કાર્લો એલેક્વાટ્રૉ ફૉન્તાને (1641) ચર્ચનો પ્લાન વર્તુળાકાર કે લંબગોળ નહિ, પણ અંડાકાર છે. ઘુમ્મટ નીચે ઊભા રહી ડોકું ઊંચું કરી ઘુમ્મટ જોતાં ઘુમ્મટ પણ પથરાઈ ગયેલો દેખાય છે. સેંટ આઇવો ચર્ચના ઘુમ્મટનો પ્લાન પણ તારક-ષટ્કોણ છે, જેમાં એકાંતરે 3 ખૂણા અર્ધવર્તુળ આકારના અને 3 ખૂણા દ્વિકોણી અર્ધવર્તુળ આકારના છે.

અત્યંત લાગણીશીલ અને અસ્થિર મિજાજ ધરાવતા બૉરોમીનીએ આપઘાત દ્વારા જિંદગીનો અંત આણ્યો. મહાન સ્થાપત્યકલાકાર લેખાતા આ સર્જકનો પ્રભાવ તેમના મૃત્યુ પછી જ વિશેષ જોવા મળ્યો અને તે પણ રોમ કરતાં ઉત્તર ઇટાલી અને મધ્ય યુરોપમાં વિશેષ ઝિલાયો.

અમિતાભ મડિયા