બૉયર, ચાર્લ્સ (જ. 1899, ફ્રાન્સ; અ. 1978) : નામી અભિનેતા. તેમણે સૉર્બોન ખાતે તેમજ પૅરિસ કૉન્ઝરવેટ્વામાં અભ્યાસ કર્યો. ફ્રાન્સની રંગભૂમિ તથા ચિત્રસૃષ્ટિમાં અભિનેતા તરીકે કીર્તિ અને દક્ષતાની સમર્થ પ્રતીતિ કરાવ્યા પછી તેઓ 1934માં હૉલિવુડમાં જઈ વસ્યા.

ચાર્લ્સ બૉયર

ત્યાં તેમના પ્રણયરંગી અભિનયવાળાં ચિત્રો દ્વારા તેઓ ‘મહાન પ્રણયી’ તરીકે પંકાયા. આ પ્રકારનાં તેમનાં ચિત્રો તે ‘મૅયરલિંગ’ (1936) ‘ધ ગાર્ડન ઑવ્ અલ્લાહ’ (1936) તથા ‘અલ્જિયર્સ’ (1938) હતાં. તેમના પ્રણય-ભરપૂર અભિનયને કારણે તેમની બેહદ ચાહનાભરી છબી ઊપસી આવી હતી.

1943માં તેમને ફ્રાન્સ-અમેરિકાના સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાના કાર્ય બદલ ‘સ્પેશિયલ એકૅડેમી એવૉર્ડ’ એનાયત થયો હતો.

મહેશ ચોકસી