બૉયકૉટ, જૉફ્રી (જ. 1940, વેસ્ટ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ) : જાણીતા ક્રિકેટ-ખેલાડી. 1963માં તેમને યૉર્કશાયર માટે ‘કાઉન્ટી કૅપ’ મળી અને તેમણે યૉર્કશાયર વતી રમવાનું શરૂ કર્યું. પછીના વર્ષે તેમણે સમસ્ત ઇંગ્લૅન્ડ વતી ક્રિકેટ ખેલવાનો આરંભ કર્યો.

જૉફ્રી બૉયકૉટ

1964થી ’82 દરમિયાન ઇંગ્લૅન્ડ તરફથી 108 વાર ક્રિકેટ રમ્યા; તેમણે ટેસ્ટ મૅચોમાં 8,114 રન (સરેરાશ 56.83) નોંધાવ્યા; એ રીતે તેમણે ટેસ્ટમાં 8,032 રન નોંધાવવાનો ગૅરી સોબર્સનો વિક્રમ વટાવ્યો. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન તેમણે 48,426 રન (સરેરાશ 56.83 રન) નોંધાવ્યા હતા. 1971–78 દરમિયાન તેમણે યૉર્કશાયરનું સુકાનીપદ પણ સંભાળ્યું. ક્રિકેટના બૅટ્સમૅન તરીકે વિવાદાસ્પદ નીવડ્યા હતા. ક્રિકેટ-ક્ષેત્રે તેમના યોગદાનના મહત્વ વિશે કાઉન્ટીમાં મતભેદ અને વિવાદ ઊભા થયા હતા.

1986માં તેમણે પ્રથમ કક્ષાની ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. અને તે પછી તે ક્રિકેટના નિષ્ણાત અને અધિકૃત કૉમેન્ટેટર તરીકે ખૂબ જાણીતા બન્યા. ‘બૉયકૉટ ઑન ક્રિકેટ’ (1990) નામનું તેમનું પુસ્તક ક્રિકેટરસિકો માટે રસપ્રદ નીવડ્યું છે.

મહેશ ચોકસી