બૉમ્બ : વિસ્ફોટ દ્વારા વિનાશ વેરતું શસ્ત્ર. તે વિસ્ફોટક દ્રવ્ય, સળગી ઊઠે તેવા પદાર્થો, અથવા વાયુ ધરાવતું એવું પાત્ર હોય છે કે જેને સીધું પડવા દઈને, દૂર ફેંકીને અથવા એક જગાએ ગોઠવીને તેની સાથે જોડેલી વિસ્ફોટક કળ (exploding device) વડે ફોડી શકાય છે. બૉમ્બની ડિઝાઇન તેના વપરાશ – આતંકવાદીઓ કે ખૂનીઓ અથવા ચોરીછૂપીથી છાપો મારનારાઓ દ્વારા વપરાતાં ઘરગથ્થુ સાધનો તેમજ યુદ્ધમાં લેવાતાં વિકસિત શસ્ત્રો – પ્રમાણે વિવિધ પ્રકારની હોય છે. હાથે ફેંકવાની ગ્રેનેડનો પૂર્વજ એવો મૂળ બૉમ્બ બંદૂકનો દારૂ (gun powder, black powder) ભરેલું એક સાદું પાત્ર હતો. ફેંકનાર દ્વારા તેના પલીતાને ચાંપીને તે ફોડવામાં આવતો.

આકૃતિ 1 : બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલો સૌથી ભારે બૉમ્બ :
10 ટન વજનનો બ્રિટિશ ગ્રાન્ડ સ્લૅમ અથવા ભૂકંપ બૉમ્બ

સોળમી સદીમાં ડચ લોકોએ ‘મૉર્ટર બૉમ્બ’ તરીકે ઓળખાતો વધુ વિકસિત બૉમ્બ શોધ્યો હતો. તેમાં લોખંડના એક નળામાં બંદૂકનો દારૂ ભરવામાં આવતો અને મૉર્ટરની નળીના પાયામાં આવેલા નોદક દ્રવ્ય(propelling charge)ના પ્રસ્ફોટ દ્વારા તેના પલીતાને સળગાવીને તેને ફોડવામાં આવતો. પલીતાની લંબાઈમાં ફેરફાર કરીને બૉમ્બના પ્રસ્ફોટનના સમયમાં વધઘટ કરી શકાતી અને એ રીતે તેને હવામાં પણ ફોડી શકાતો. હાલ ભમરિયા ખાંચાવાળો શાર (rifled bore) ધરાવતી તોપમાંથી છોડવામાં આવતા તોપગોળા(shell)નો તે પુરોગામી હતો. 1849માં ઑસ્ટ્રિયન દળોએ વેનિસમાંના બળવાને દાબી દેવા હવાઈ બૉમ્બનો પ્રથમ ઉપયોગ કર્યો હતો. તેમણે ગરમ હવાના બલૂન સાથે ધીમેથી સળગતા પલીતાવાળા નાના બૉમ્બ જોડ્યા હતા.

વીસમા સૈકામાં હવાઈ બૉમ્બ એ અગત્યનું શસ્ત્ર બની રહ્યું. 1911માં ઇટાલીએ તુર્કી સામેની લડાઈમાં ગ્રેનેડ પ્રકારના બૉમ્બ હવાઈ જહાજ દ્વારા સૌપ્રથમ ફેંકેલા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) દરમિયાન વિકસિત હવાઈ જહાજ પ્રાપ્ય બનતાં નવા નવા પ્રકારના બૉમ્બ વિકસ્યા. 1915માં જર્મનીએ ઝેપેલિન દ્વારા બબ્બે ટનના બૉમ્બ ઝીંકી બ્રિટિશ ટાપુઓ પર હવામાંથી વિનાશ વેરેલો. 21મી જુલાઈ 1921ના  રોજ હવાઈ બૉમ્બમારાના વિકાસમાં એક નવું અગત્યનું સોપાન જોવા મળ્યું. તે દિવસે જનરલ બિલી મિચેલના સૂચનનો ઉપયોગ કરી કબજે લેવાયેલ જર્મન જહાજ ઑસ્ટફ્રીસ્લૅન્ડને યુ.એસ. બૉમ્બરો દ્વારા 100 કિગ્રા.ના બૉમ્બ ફેંકી ડુબાડી દેવામાં આવ્યું.

દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન હવાઈ બૉમ્બમારાની પદ્ધતિનો વધુ વિકાસ થયો અને પ્રથમ જર્મનીએ અને ત્યારબાદ મિત્રરાજ્યોએ વિનાશકારી શક્તિનું નિદર્શન કર્યું. જેમ જેમ હવાઈ જહાજનું કદ અને તેની ક્ષમતા વધ્યાં તેમ તેમ બૉમ્બના કદમાં પણ વધારો થતો ગયો. બ્રિટિશરોએ યુદ્ધમાં 9,900 કિગ્રા. (લગભગ 10 મૅટ્રિક ટન) વજનનો ભારેમાં ભારે કહી શકાય તેવો ‘ગ્રાન્ડ સ્લૅમ’ અથવા ‘ભૂકંપ’ (earthquake) બૉમ્બનો ઉપયોગ કર્યો. ભૂગર્ભમાં આવેલી ફૅક્ટરીઓ, ભારે સુરક્ષિત મકાનો અને સબમરીન કે યુ-બોટનાં આશ્રયસ્થાનો ભેદવા માટે બનાવેલો હોવાથી તે જમીનમાં 30 મીટર (110 ફૂટ) સુધી ઊતરી જતો. ‘ટૉલ બૉય’ તરીકે ઓળખાતો બ્રિટિશ બૉમ્બ ભારે કૉંક્રીટના સ્લૅબ તોડવા તથા વૉલિસ સ્કિપિંગ બૉમ્બ તરીકે ઓળખાતો બૉમ્બ જર્મનીમાંના બંધો તોડવાના ઉપયોગમાં લેવાયો હતો. યુદ્ધના અંતિમ તબક્કામાં જર્મનીએ ઇંગ્લિશ ખાડી પસાર કરી જાય તેવા V-1 પ્રકારના લક્ષ્યનિર્દિષ્ટ (guided) બૉમ્બ ઇંગ્લૅન્ડ પર ફેંકેલા. આ બૉમ્બ દૂરનિયંત્રિત પક્ષ (fins) ધરાવતા અને રેડિયો-સંકેતો હેઠળ કામ કરતા હતા. જાપાને પર્લ હાર્બર પર હુમલો કર્યો ત્યારે યુદ્ધપોતના તૂતકના કેટલાક સેમી. જાડા બખ્તરને ભેદી શકે તેવા બૉમ્બ વાપરેલા. બીજા યુદ્ધના અંત સુધી હવાઈ જહાજમાંથી ફેંકાતા બૉમ્બ એ લડાઈ માટેનું અંતિમ શસ્ત્ર ગણાતું હતું.

1945માં અતિવિનાશક એવા પરમાણુ-બૉમ્બ વિકસાવવામાં આવ્યા. હિરૉશિમા અને નાગાસાકી પર આ બૉમ્બ ઝીંકાવાને કારણે જાપાને શરણાગતિ સ્વીકારી લેતાં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો.

સામાન્ય રીતે બૉમ્બ એ વિસ્ફોટકો અને રસાયણો ભરેલું ધાતુનું ખોખું અથવા નળો હોય છે અને તેને ફેંકવા માટે અથવા તેમાંની સામગ્રીને દૂર સુધી ફેંકી શકવા માટે જરૂરી વ્યવસ્થા ધરાવતો હોય છે. કેટલાક બૉમ્બ એટલા નાના હોય છે કે તેમને હાથ વડે લઈ જઈ શકાય. આતંકવાદીઓ આવા બૉમ્બ વાપરે છે. લડાઈમાં નાના બૉમ્બ ગ્રેનેડ તરીકે ફેંકી શકાય છે. જોકે મહદ્અંશે બૉમ્બ મોટા કદના અને વિમાનમાંથી ફેંકી શકાય તેવા હોય છે. વિમાનમાંથી ફેંકાતા બૉમ્બ ગુરુત્વાકર્ષીય બૉમ્બ કહેવાય છે, કારણ કે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ હેઠળ નીચે આવે છે. હવામાંથી ફેંકાતા બૉમ્બ પક્ષ (fins) અથવા પાંખિયાં ધરાવે છે. તેથી તે સ્થિર બને છે અને સૂચનાનુસાર માર્ગ ગ્રહણ કરી શકે છે. નીચે ઊડતાં વિમાનોમાંથી ફેંકાતા બૉમ્બ મંદન-કળ (retardation device) ધરાવે છે, જે ખૂલીને બૉમ્બને ધીમો પાડે છે. આને કારણે બૉમ્બ ફૂટે તે પહેલાં તેને ફેંકનાર વિમાન દૂર જતું રહે છે. આ માટે હવાઈ છત્રી(parachute)નો પણ ઉપયોગ થાય છે.

બૉમ્બને ફોડવા માટે જામગરી (fuse) તરીકે ઓળખાતી નાની કળ હોય છે. સંપર્ક-જામગરી(contact fuse)વાળા બૉમ્બ લક્ષ્યને અફળાય ત્યારે ફૂટે છે. સામીપ્ય-જામગરી (proximity fuse) ધરાવતા બૉમ્બ જમીનથી થોડે અધ્ધર હોય ત્યારે ફૂટે છે. આવા ફ્યૂઝનો એક પ્રકાર જમીનથી અંતર માપવા માટે રડારનો તો એનો બીજો પ્રકાર બૉમ્બ નીચે આવે ત્યારે હવાના વધતા દબાણનો આધાર લે છે.

બૉમ્બના બે મુખ્ય વિભાગ પાડી શકાય : (1) પારંપરિક (conventional) અથવા આણ્વિકેતર બૉમ્બ, અને (2) નાભિકીય (nuclear) બૉમ્બ.

આકૃતિ 2 : બૉમ્બના મુખ્ય પ્રકાર

પારંપરિક બૉમ્બ : આ બૉમ્બના વિવિધ પ્રકાર હોય છે; દા.ત., સર્વહેતુક (general purpose) બૉમ્બ, દિશાનિર્દિષ્ટ (guided) બૉમ્બ, બખ્તરભેદી (armour piercing) બૉમ્બ, વિખંડન (fragmentation) બૉમ્બ અને આગપ્રસારક (incendiary) બૉમ્બ.

સામાન્ય હેતુ માટેના બૉમ્બ : આ પ્રકારના બૉમ્બ વિસ્ફોટકો તરીકે RDX (trinitrotrimethylene triamine) અથવા TNT (trinitrotoluene) ધરાવતા હોય છે. તે લક્ષ્યનો નાશ કરવા અથવા જાનમાલની ભારે ખુવારી કરવા વપરાય છે. આ બૉમ્બ પવનનું વિનાશક મોજું (blast), શૂન્યાવકાશી દબાણ (vacuum pressure), વિખંડન અને ધક્કો (shock) એમ ચાર પરિબળોની સંયુક્ત અસર હેઠળ વિનાશ વેરે છે. બૉમ્બ ફૂટતાંની સાથે ઉત્પન્ન થતા વાયુઓને કારણે હવાના દબાણનું ભારે મોજું ઉદભવે છે, જે તેના માર્ગમાં આવતી દીવાલો, મકાનોનાં બારી-બારણાં અને અન્ય સાધનોને તોડીફોડી નાંખે છે. તે પછીના તબક્કે જ્યાં બૉમ્બ ફૂટ્યો હોય ત્યાં લગભગ શૂન્યાવકાશ સર્જાવાને કારણે હવા તે સ્થાને પાછી ધસી આવે છે અને બચી ગયેલા બાંધકામને નષ્ટ કરે છે. બૉમ્બ નાના નાના ટુકડાઓમાં તૂટી જવાને લીધે તેની કરચો ગોળીઓની જેમ ઊડે છે અને આસપાસનાં મકાનોને નુકસાન કરે છે તથા જાનમાલની ખુવારી સર્જે છે. વળી બૉમ્બ ફૂટવાને કારણે જમીન, પાણી અને બાંધકામમાં સર્જાતો ભૂકંપ જેવો ધક્કો જમીનમાંના બાંધકામના તેમજ આશ્રયસ્થાનોના પાયા હચમચાવી નાંખી તેમને તોડી નાંખે છે. સામાન્ય હેતુ માટે વપરાતા આવા બૉમ્બ ઘણુંખરું 100થી 900 કિગ્રા. વજનના અને 1.8 મી.થી 3.8 મી. લંબાઈના હોય છે. 1960નાં પાછળનાં વર્ષોમાં અમેરિકાએ વિયેટનામ યુદ્ધમાં વાપરવા માટે 6,800 કિગ્રા. વજનના આવા બૉમ્બ બનાવેલા.

દિશાનિર્દિષ્ટ બૉમ્બ : આવા બૉમ્બ લક્ષ્ય તરફ ઇલેક્ટ્રૉનિક ઉપકરણોની મદદથી ધસી જાય છે. 1960 અને 1970ના દશકોમાં વિકસાવાયેલા આવા બૉમ્બને કેટલીક વાર સ્માર્ટ બૉમ્બ (smart bomb) પણ કહેવામાં આવે છે. આવા બૉમ્બના એક પ્રકારમાં તો ટેલિવિઝન કૅમેરા હોય છે, જેથી બૉમ્બ પડે ત્યારે બૉમ્બર વિમાનમાંનો પાઇલટ લક્ષ્યને ટીવીના પડદા પર જોઈ શકે છે અને જરૂર પડ્યે તે સુદૂર નિયંત્રણ (remote control) દ્વારા પડતા બૉમ્બને યોગ્ય દિશામાં કે માર્ગે વાળી શકે છે. કેટલાક બૉમ્બ ટીવી કૅમેરા સાથેનો ઇલેક્ટ્રૉનિક પરિપથ (circuit) ધરાવતા હોય છે. તે લક્ષ્યના ચિત્રને યાદ રાખી શકે છે અને બૉમ્બ પોતે લક્ષ્ય તરફ ધસી જાય છે. કેટલાક બૉમ્બ લેસર કિરણો દ્વારા દોરાય છે. બૉમ્બ છોડતાં પહેલાં લક્ષ્ય તરફ લેસર ફેંકવામાં આવે છે. બૉમ્બમાં લેસર પરત્વે સંવેદી એવો સંવેદક (sensor) હોવાથી તે બૉમ્બને યોગ્ય લક્ષ્ય સુધી દોરે છે.

બખ્તરભેદી બૉમ્બ : ભારે તોપો અને બખ્તરવાળી યુદ્ધનૌકા તેમજ ભારે બખ્તરવાળાં યુદ્ધજહાજ ઉપર હુમલો કરવા માટે આ બૉમ્બ વિકસાવવામાં આવ્યા હતા. આવા બૉમ્બ ભારે પોલાદી અગ્રભાગ (ટોચકું) ધરાવે છે, જે યુદ્ધનૌકાના બખ્તરને ભેદી અંદર ઘૂસી જાય છે અને પછી ફૂટે છે.

વિખંડન બૉમ્બ : આવા બૉમ્બ ખુલ્લા મેદાનમાં રહેલાં દુશ્મનદળોને મારી કે ઈજા પહોંચાડી શકે છે અથવા વિમાન તેમજ જમીન પર આવેલાં સાધનો, ટ્રકો વગેરેનો નાશ કરી શકે છે. આ બૉમ્બ ધાતુના ઘણા ટુકડા અને સળિયા ધરાવે છે, જે બૉમ્બ ફૂટે એટલે અણીદાર વેગીલી કરચોના રૂપમાં ચારે તરફ ફેંકાય છે. વિખંડન બૉમ્બનો એક પ્રકાર કહી શકાય તેવો ક્લસ્ટર બૉમ્બ (cluster bomb) એક હલકા પાત્રમાં અનેક નાના બૉમ્બ ધરાવે છે. વિમાનમાંથી ફેંકાતાં પાત્ર ફાટે છે અને લઘુ બૉમ્બ (bomblet) એક મોટા વિસ્તારમાં વિખેરાય છે. આમાંના કેટલાક બૉમ્બ લક્ષ્ય સાથે અફળાય ત્યારે ફૂટે છે, જ્યારે કેટલાક ફૂટ્યા વિનાના પડી રહે છે અને જ્યાં સુધી કોઈ વાહન કે વ્યક્તિ તેના સંપર્કમાં આવે નહિ ત્યાં સુધી ફૂટતા નથી.

આગપ્રસારક બૉમ્બ : આ બૉમ્બ આગ લગાડવા માટે વપરાય છે. તેમાં પેટ્રોલનાં સંયોજનો અથવા થર્મિટ (ઍલ્યુમિનિયમ અને આયર્ન ઑક્સાઇડનું મિશ્રણ) ભરેલ હોય છે. તેમનું વજન 1.5થી 450 કિગ્રા. જેટલું હોય છે. નૅપામ બૉમ્બ એ જેલી જેવું ઘટ્ટ બનાવેલું પેટ્રોલ ધરાવે છે. તે ફૂટતાની સાથે ચીકણું (sticky) પેટ્રોલ મિશ્રણ બહાર ફેંકાય છે અને તે તુરત સળગે છે. આવી આગ જલદીથી બુઝાવી શકાતી નથી. ઇંધન હવા (fuel-air) પ્રકારનો બૉમ્બ ઇંધનનું વાદળ ચોતરફ ફેલાવે છે, જે તુરત સળગી ઊઠે છે. વિયેટનામનાં જંગલો બાળી મૂકવા તેમજ દાટેલી સુરંગો (mines) અને સ્પર્શ કરતાં ફૂટે તેવી જાળ (body traps) સાફ કરવા અમેરિકાએ આવા બૉમ્બ વાપરેલા.

પ્રણાલિકાગત બૉમ્બના અન્ય પ્રકારોમાં રાસાયણિક (chemical) બૉમ્બ, ગહનભેદી બૉમ્બ (depth bombs), પત્રિકાપ્રસાર (leaflet) બૉમ્બ અને પ્રદ્યોતક (photoflash) બૉમ્બનો સમાવેશ થાય છે. રાસાયણિક બૉમ્બ ધુમાડો કે ઝેરી વાયુઓ ફેલાવે છે. ગહનભેદી બૉમ્બ પાણી નીચે ફૂટે છે અને સબમરીનનો નાશ કરવા વપરાય છે. પત્રિકાપ્રસાર બૉમ્બ દુશ્મનના પ્રદેશમાં ત્યાંની ભાષામાં છાપેલી પ્રચાર માટેની સામગ્રી ધરાવે છે. આવો બૉમ્બ હવામાં ફૂટે ત્યારે ચોતરફ આ પત્રિકા (ચોપાનિયાં) વેરે છે. પ્રદ્યોતક બૉમ્બ હવામાં ફૂટી રાત્રે પ્રકાશ પાથરે છે, જેથી લશ્કર માર્ગ શોધી શકે, નિશાન લઈ શકે કે હવાઈ તસવીરો લઈ શકે.

દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પ્લાસ્ટિક-વિસ્ફોટકોનો વિકાસ થતાં આતંકવાદીઓ માટેના દેખાવે નિરુપદ્રવી અને પારખવામાં મુશ્કેલ પણ જબરદસ્ત વિસ્ફોટક શક્તિ ધરાવતા બૉમ્બ બનાવવાનું શક્ય બન્યું. પોસ્ટના સામાન્ય કવરમાં સમાઈ શકે તેવાં પ્લાસ્ટિક દારૂનાં શસ્ત્રો આને કારણે હાથવગાં બન્યાં છે. જોકે આની અસરકારકતા બનાવનારની આવડત પર આધાર રાખે છે.

બૉમ્બ વિવિધ માપના હોય છે. વિખંડન અને આગપ્રસારક બૉમ્બ થોડા કિલોથી માંડીને સો કિલો કે તેથી વધુ વજનના હોય છે. સામાન્ય હેતુવાળા, કૉંક્રીટનાં બાંધકામો તોડવા માટેનાં કે બખ્તરભેદી બૉમ્બ એક મેટ્રિક ટન સુધીના હોય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1.8, 5.5 અને 10 મેટ્રિક ટન સુધીના બૉમ્બ બનાવાયેલા અને વપરાયેલા. બીજા વિશ્વયુદ્ધના અંતભાગમાં યુ.એસે. બી-29 બૉમ્બર વડે વાપરવા માટે 20 મેટ્રિક ટન વજનનો બૉમ્બ બનાવેલો, પણ વાપરેલો નહિ.

નાભિકીય (nuclear) બૉમ્બ : નાભિકીય બૉમ્બ અત્યંત મોટા પ્રમાણમાં પવનનું વિનાશક મોજું, નિર્વાત દબાણ (vacuum pressure), ધક્કો, ગરમી અને વિકિરણો ઉત્પન્ન કરે છે. સામાન્ય પારંપરિક બૉમ્બ કરતાં તે વધુ વિનાશ વેરે છે. આવા બૉમ્બ હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા. નાભિકીય ખંડન (nuclear fission) પ્રકારના પરમાણુ બૉમ્બ ઉપરાંત તે પછી શોધાયેલા નાભિકીય સંગલન (nuclear fusion) પ્રકારના હાઇડ્રોજન બૉમ્બ તેમજ ન્યૂટ્રૉન બૉમ્બ[અથવા વિકિરણ-વર્ધક બૉમ્બ (enhanced radiation bomb)]નો સમાવેશ થાય છે. (જુઓ : પરમાણુ બૉમ્બ, હાઇડ્રોજન બૉમ્બ, ન્યૂટ્રૉન બૉમ્બ). આ પ્રકારના બૉમ્બના વિકાસ પછી રૂઢિગત મહાકાય બૉમ્બ કાલગ્રસ્ત બની ગયા છે. અને હવે તે વર્ગમાં એક મેટ્રિક ટનથી મોટા બૉમ્બ ભાગ્યે જ બનાવવામાં આવે છે.

જ. દા. તલાટી

પ્રહલાદ બે. પટેલ